વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ વર્ષો જુના ગોદીવીડી તળાવ વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ ગયુ છે, ત્યારે કોઇ હરામખોરો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન કરતા આ તળાવની પાળને જેસીબી મશીનથી તોડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બાબતે રાજાવડલા ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર સીટી પોલીસ તથા મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે…
આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, વાંકાનેરના રાજાવડલા ગામે આવેલ ગોદીવીડી તળાવ ચોમાસામાં પાણીની આવકથી સંપૂર્ણ ભરાઈ જતા આજુબાજુમાં આવેલ આશરે 250 વીઘા જેટલી જમીનમાં ખેડૂતોના બોર-કુવા રિચાર્જ થવા તથા પશુપાલકોને પાણીની જરૂરીયાત સંતોષાતી હોય, ત્યારે ગઇ કાલે રાજાવડલા ગામના કોઇ અજાણ્યા ઇસમો દ્વારા તળાવની પાકી આર.સી.સી પાળીને જેસીબી મશીનથી તોડી નુકસાન કરી તળાવના પાણીનો વ્યય કરવામાં આવ્યો છે, જેથી આ સરકારી સંપત્તિને નુકસાન કરનાર તત્વો સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે….