વાંકાનેર : તાલુકાના માટેલ ગામની સીમમાં સિરામિક ફેક્ટરીમાં એક અરેરાટી ભર્યા બનાવ સામે આવ્યો છે. જેમાં ઉત્તરપ્રદેશની વતની યુવતીએ વતનમાં દિવાળી કરવા જવાનું કહેતા માતાએ ના પાડતા સુનમુન રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકના માટેલ ગામની સીમમાં આવેલ એસ્કોન સિરામિક ફેકટરીમાં કામ કરતી અને અહીં જ લેબર કવાટર્સમાં પરિવાર સાથે રહેતી મૂળ ઉત્તરપ્રદેશની વતની શિવાનીદેવી ચંદ્રપ્રસાદ રાજપૂત (ઉ.20) નામની યુવતીએ તેણીની માતાને વતનમાં દિવાળીનો તહેવાર કરવા જવા માટે કહ્યું હતું. જો કે, માતાએ આ વર્ષે નથી જવું તેમ કહેતા છેલ્લા દસ દિવસથી શિવાનીદેવી સુનમુન રહેતી હતી અને ને દિવસથી કામ પર પણ ગયેલ ન હતી. સાથે જ ગઈકાલે બપોરના સમયે ભોજન પણ લીધું ન હતું અને માતા લેબર રૂમની બહાર જતા શિવાનીદેવીએ રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં રહેતા રફીકભાઈ પાલાભાઈ શેખ ઉ.40 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર છતના હુકમાં લુંગી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

