પ્રમુખ કૈલાસબા, ઉપપ્રમુખ દેવુબેન અને કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેનને મુકવાની ફોર્મ્યુલા
ભાજપના બે સભ્યો ક્રોસ વોટિંગ કરે તો ચિઠ્ઠીથી પરિણામ જાહેર થાય
વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના પ્રમુખ/ ઉપપ્રમુખની યોજાનાર ચૂંટણીના પાર્ટીના મેન્ડેડ આજે જાહેર થનાર છે. પ્રમુખ તરીકે સામાન્ય સ્ત્રી અનામત છે. પહેલા આ પદ માટે જિજ્ઞાસાબેનનું નામ ગુંજ્યું હતું, એના નામનું મેન્ડેડ આવે તેવી મજબૂત શક્યતા હતી. પરંતુ ભાજપ અધ્યક્ષ પાટીલે સામાન્ય સ્ત્રી અનામતમાં બક્ષી પંચ ઉમેદવારને ન મુકવાની રાજ્ય સ્તરની ફોર્મ્યુલા નક્કી કરતા એમના નામને બદલે અન્ય સ્ત્રી ઉમેદવારને નામ માંગતા જિજ્ઞાસાબેનનું પત્તુ કપાયાના અહેવાલ છે.


વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ ગઈ કાલે રાત્રે જિલ્લા ભાજપની મિટિંગ મોરબી ખાતે મળી હતી, જેમાં તાલુકા પંચાયતના બે- ત્રણ સભ્ય સહિત ભાજપના આગેવાનોએ એવી ફોર્મ્યુલા ઘડી કાઢી છે કે પ્રમુખ તરીકે લુણસરીયાના ક્ષત્રિય સભ્ય કૈલાસબા હરિસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે ચુવાળિયા કોળી સરતાનપરના દેવુબેન હનુભાઈ અને કારોબારી ચેરમેનમાં તળપદા કોળી જિજ્ઞાસાબેનને મુકવા. આમ જાતિગત સમીકરણ સાધવાના પ્રયત્નો થયા છે. આ લખાય છે ત્યારે આ ફોર્મ્યુલા યથાવત છે.


કુલ 24 સભ્યોના સંખ્યાબળવાળા તાલુકા પંચાયતમાં ભાજપના 13 અને કોંગ્રેસના 11 સભ્યો છે. આ ચૂંટણીમાં બળવો થવાની શક્યતા નહિવત છે. જયારે ફોર્મ્યુલામાં ફેરફારની શક્યતા બરકરાર છે. જો કે શક્યતા ઓછી છે, આમ છતાં છેલ્લી ઘડી સુધી રાહ જોવી સારું ગણાશે.


ભાજપના બે સભ્યો ક્રોસ વોટિંગ કરે તો ચિઠ્ઠીથી પરિણામ જાહેર થાય અને ત્રણ સભ્યો ક્રોસ વોટિંગ કરે તો કોંગ્રેસની સત્તા આવે, એવા હાલના આંકડા કહે છે. અમારા મતે આવી શક્યતા પણ નહિવત છે.
પડદા પાછળના રાજકારણની સમીક્ષા પરિણામ પછી કરીશું. રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
