લાખના બાર હજાર !!
શું જરૂર છે પીરઝાદાએ આવી ચૂંટણી લડવાની?
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે કિસાન સેવા સહકારી મંડળીની ચૂંટણી હાઈ પ્રોફાઈલ બની
સહકારી મંડળીની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય પીરઝાદાની પેનલ સામે ખેડૂત સંઘર્ષ સમિતિ વચ્ચે જંગ જામશે
વાંકાનેર તાલુકામાં પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણીની જાહેરાત થઈ છે અને ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા બાદ પરત ખેંચવાની મુદત પૂરી થઈ ગઈ છે જેમાં એક ઉમેદવાર બિનહરીફ જાહેર થઈ ગયા છે અને હવે બંને પેનલના કૂલ ૩૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. આવતી કાલે તા. 19 ના રોજ મતદાન થવાનું છે, અને તે જ દિવસે પરિણામો જાહેર થશે. જેના માટે બંને પેનલ તરફથી એડી ચોટીનું જોર લગાવી આમને-સામને ભરી પીવા મરણિયો પ્રયાસ કરી રહ્યા છે…
પંચાસીયા ગામની મંડળી લાંબા કાનૂની જંગ બાદ ચૂંટણી જાહેર થઈ છે. જેમાં ફોર્મ ખેંચવાની મુદત બાદ બે પેનલ સામ સામે ચૂંટણી લડી રહી છે જેમાં એક વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદાની પેનલ મેદાનમાં છે જેની સામે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા પેનલ તૈયાર કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવીને પીરજાદા પેનલ સામે જંગમાં ઉતાર્યા છે…
પીરઝાદા તરફની પેનલમાં ખુદ પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાએ ઉમેદવારી નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળીમાં ભૂતકાળમાં ગુપ્ત રીતે ચૂંટણી કરવામાં આવી હતી જેને ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલે કોર્ટમાં પડકારીને દાદ માગી હતી જેમાં કાનૂની જંગ બાદ આખરે ગુપ્ત થયેલી ચૂંટણીને રદ કરીને વહીવટદાર મૂકવામાં આવ્યા હતા અને હવે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે
મંડળીમાં વર્ચસ્વ ટકાવી રાખવા માટે પૂર્વ ધારાસભ્ય પીરઝાદાએ પોતાની પેનલ સાથે પોતે ઉમેદવારી નોંધાવતા સામાન્ય ગણાતી સહકારી મંડળીની ચૂંટણી હાઈ પ્રોફાઈલ ચૂંટણી બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે અનુ.જાત/ જન જાતિના બેઠકના ખેડૂત સંઘર્ષ સમિતિ પેનલના ઉમેદવાર પીતાંબર ખેંગારભાઈ બિનહરીફ થતા ખેડૂત સંઘર્ષ સમિતિને વિજયની શરૂઆત થઈ ગઈ છે…
એક વર્ગ એવું પણ માની રહ્યો છે કે પીરઝાદાએ આવી ચૂંટણીમાં ખુદને ઝોંકવાને બદલે એમણે ટેકો આપવો વધુ ઉચિત લેખાત. કિંગ બનવાને બદલે કિંગમેકર બને એ સમયની માંગ છે, શું જરૂર છે પીરઝાદાએ આવી ચૂંટણી લડવાની? મિનિસ્ટર દરજ્જાનો માણસ સહકારી મંડળી જેવી ચૂંટણી લડે એ કોઈને ગળે ઉતરતું નથી, પીરઝાદા જીતે તો પણ લાખના બાર હજાર ન કરાય! પરિણામ જે આવે તે- તાલુકાભરની નજર પંચાસીયા તરફ છે…