કંપનીના નામે બનાવટી દસ્તાવેજો તથા ઇ-મેલ આઇડી રજૂ કરીને ગઠીયાની રૂા. ૭૧.૪૫ લાખની ઠગાઈ
વાંકાનેરના ઢુવા-માટેલ ગામ નજીક આવેલ બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના વેપારી સાથે લાખોની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે.જેમાં સરકારી સ્કીમમાં બોન્ઝા કંપનીના નામે બનાવટી દસ્તાવેજો તથા ઇ-મેલ આઇડી રજૂ કરીને ગઠીયાએ રૂા. ૭૧.૪૫ લાખની ઠગાઈ કરી હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.
બોન્ઝા વિટ્રીફાઇડ પ્રાઇવેટ લીમીટેડના સંચાલક દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેમનો વ્યાપાર વિદેશમાં પણ ફેલાયેલો હોય જેથી તેઓ વિદેશમાં વિટ્રીફાઇડ ટાઇલ્સનો એકસપોર્ટનો ધંધો કરે છે. એકસપોર્ટના ધંધાને વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એકપોર્ટ કરેલ ધંધાની રકમ આધારીત લાયસન્સ / કુપન પ્રદાન કરવામાં આવે છે.
જેમાં બોન્ઝા વિટ્રીફાઇડના નામે સરકાર તરફથી રૂ. ૭૧,૪૫,૬૧૬ની કિંમતના ૨૯ નંગ લાયસન્સ / કુપન જમા થયા હતા. જેને આરોપી ગઠિયાએ કંપનીની જાણ બહાર દેવેન્દ્રભાઇની કંપનીના કિંમતી દસ્તાવેજોને ઇલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજીસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી દેવેન્દ્રભાઇની કંપનીના નામનુ bonzavitrifiedpltd27@gmail.com વાળુ ખોટુ જી-મેઇલ આઇ.ડી બનાવી તેનો ખરા તરીકે ICEGATE માં ઉપયોગ કરી દેવેન્દ્રભાઇની કંપનીના સરકાર તરફથી મળેલ લાયસન્સ / કુપન નંગ – ૨૯ કિં.રૂ. ૭૧,૪૫,૬૧૬ને પોતાના આર્થીક ફાયદા સારૂ મેળવી લઈ દેવેન્દ્રભાઇની બોન્ઝા વિટ્રીફાઇડ કંપની સાથે છેતરપિંડી આચરી હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે