ભાજપની પાર્લામેન્ટરી બોર્ડનો સામાન્ય સ્ત્રી અનામત હોઈ એ શ્રેણીનું નામનો આગ્રહ રખાયો
વાંકાનેર: વાંકાનેર તાલુકા પંચાયતના હોદેદારોની આવનારી ચૂંટણીમાં ભાજપની ચોખ્ખી બહુમતી હોવા છતાં જૂથબંધીના કારણે રાજકારણ ચકડોળે ચડયું છે. ભાજપના નિરીક્ષક ભરતભાઈ બોઘરાએ કુલ પાંચ નામ ઉમેદવાર તરીકે રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડમાં મૂક્યા હતા, જે પાંચમા પૈકી ઓબીસીના ચાર અને એક હાલના પ્રમુખ ક્ષત્રિય ઉમેદવાર હતા,
પરંતુ ભાજપની રાજ્ય સ્તરના પાર્લામેન્ટરી બોર્ડે વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખની સીટ સામાન્ય સ્ત્રી અનામત હોઈ ઓબીસી નહીં, પરંતુ સામાન્ય સ્ત્રી ઉમેદવારના નામનો અને નો રિપીટ થિયરીનો આગ્રહ રખાયો હોવાનું વિશ્વાસપાત્ર સ્રોતોમાંથી માહિતી મળી છે.
આમ આ પાંચેય નામ રિજેક્ટ થયા છે. અહીં બે સવાલ ઉભા થાય છે. પહેલો પ્રશ્ન એ છે કે જો આમ જ હતું, તો આ વાતની સેન્સ લેતી વખતે કેમ સભ્યોને જાણ ન કરી? બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે અઢી વર્ષ પહેલા ભાજપના ઉચ્ચ આગેવાનોએ કરેલા કમિટમેન્ટનું શું?
હવે સામાન્ય સ્ત્રીમાં ભાજપમાં કુલ ત્રણ મહિલા ચૂંટાયેલા છે, જેમાંથી (1) પંચાસિયા સીટ પરથી વાંકિયાના જસ્મીન જાહિદ બ્લોચ, (2) પીપળિયારાજના અમીનાબેન હુસેનભાઇ શેરસીયા, અને (3) સરધારકા સીટ પરથી લુણસરીયાના કૈલાસબા હરિસિંહ ઝાલાનો સમાવેશ થાય છે.
આ ત્રણ પૈકી પ્રથમ બે મુસ્લિમ મહિલા છે. મુસ્લિમ મહિલાને પ્રમુખ બનાવવા પાર્લામેન્ટરી બોર્ડ બહુ ઉત્સાહિત નથી, એવું અંદરના વર્તુળોમાંથી જાણવા મળે છે. જો કે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે સામા પ્રવાહે તરીને ભાજપમાં આવેલા મુસ્લિમોને એક તક આપવી જોઈએ, જેથી ભાજપી મુસ્લિમોનું મનોબળ ટકી રહે. જો આમ ન થાય તો છેલ્લે લુણસરીયાના મહિલા, જેણે ઉમેદવારી નોંધાવી પણ નથી, એ એક જ વધે છે. સ્થાનિક બે જૂથ પૈકી એક જૂથે સામાન્ય સ્ત્રીની વાત આવતા આ મહિલાનું નામ પણ સૂચવી દીધું હોવાનું જાણવા મળે છે. બીજા જૂથના આગેવાનની નિષ્ક્રિયતા તેમના ટેકેદારોને અકળાવતી હોવાનું પણ ચર્ચાય છે.
જો કે સીટ ભલે સામાન્ય સ્ત્રીની હોય, પણ ઓબીસી સ્ત્રી પણ ચૂંટણી લડી શકે છે. ભાજપના આગેવાનોના અઢી વર્ષ પહેલાના કમિટમેન્ટનું શું થાય છે, એ જોવાનું રહેશે.
ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કોથળામાંથી મેન્ડેટ નામનું કોના નામનું બિલાડું નીકળે છે, એ તરફ સૌની નજર છે.