વાંકાનેર: વાંકાનેર તાલુકાના ધમલપર ગામ પાસે ગઈ કાલે મહિલા અને બાળકો સહિત ગામ લોકોએ ટ્રેનને રોકી હતી અને ટ્રેક ઉપર આવીને દેખાવ કર્યા હતા.
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ધમાલપર પાસે આવેલ રેલવે ફાટક છેલ્લા કેટલાક દિવસથી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવી હતી. જેમની તાલુકાના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્રે કોઈ પગલાં ભર્યા નહોતા અને રેલવે ફાટક બંધની બંધ રહેતી હતી, જેમના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. 
ગઈ કાલે સવારે ગામ લોકો એકત્ર થયા હતા અને હવે રેલ રોકો આંદોલન કરવું પડશે તેવું વિચારીને મહિલા અને બાળકો સહિત ગામ લોકો ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર આવી ગયા હતા અને સામેથી આવતી ટ્રેન રોકવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને ફાટક ખોલી દેવામાં આવતા લોકો ટ્રેક ઉપરથી હટી ગયા હતા અને ટ્રેનને જવા દીધી હતી.
આમ છેલ્લા કેટલાક દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહેલા લોકોની ધીરજ ખૂટતા આખરે રેલ્વે ટ્રેક પર દેખાવ કરતા રેલ્વે ફાટક ખુલી જતા હવે ધમલપરના લોકોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે…
