કામદાર બાપાનો રાજકીય વારસો યુસુફ મીરાંજી અને એમના દીકરા ઝાહીર અબ્બાસે જાળવી રાખ્યો છે
રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા; આ ત્રણેય વલ્લભભાઈના ખાસ માણસો હતા
મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક હોદ્દો જ રાખવો, બાકીના હોદા સમાજમાં બીજાને આપી દેવા, એવી વાત કહેવાની એમનામાં હિમ્મત હતી
અત્યારની યુવા પેઢી આ હકીકતથી અજાણ છે. વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના સમાજના અડીખમ આગેવાન હતા શેરસીયા અભરામ અમનજી પણ સમાજ આખો એમને ‘’કામદાર બાપા’’ના હુલામણા નામથી ઓળખતો. તેમનો જન્મ આઝાદીના આડત્રીસ વર્ષ પહેલા એટલે કે તા: 22-10-1909 ના રોજ થયો હતો. આપણે પેળાદાદા અને હાજીયાણી મરીયમ દાદીની વાત અગાઉ કરી ગયા છીએ, કામદાર બાપા એટલે પેળાદાદાના નાના દીકરા મીમના દીકરા ડોસા દાદા. આ ડોસા દાદા કામદાર બાપાને મોટાબાવા (દાદા) થતા હતા. જે જમાનામાં હજ પઢનારા આખા સમાજમાં કોઈ જતું જ નહીં, ત્યારે સિંધાવદરના શેરસીયા કુટુંબ હાજી બનેલું, અને સમાજથી અલગ સદરૂદીન બાવાની બય્યત લેનાર પણ આ કુટુંબ જ અગ્રેસર રહ્યું છે, એવી જ રીતે જયારે નિશાળે જઈને ભણવામાં કોઈ સમજતું નહીં, ત્યારે તે જમાનામાં કામદાર બાપા ત્રણ ચોપડી ભણેલા. પહેલું વિશ્વ યુદ્ધ 28 જુલાઈ 1914 થી 11 નવેમ્બર 1918 વચ્ચે થયું હતું, આ યુદ્ધના સમયમાં જ કામદાર બાપાએ એકડા ઘૂંટેલા, ત્યારે આટલી ચોપડીનું ભણતર કલેકટર થવા માટે પૂરતું ગણાતું. સલામ તો અમનજી દાદાને કે એમણે એ યુગમાં પોતાના દીકરાને આટલું ભણાવ્યું. કબૂલ કરવું પડે કે આ કુટુંબ સમાજથી અડધા સૈકા આગળ ચાલી રહ્યું હતું.
બીજું વિશ્વ યુદ્ધ તા: 1 સપ્ટેમ્બર 1939 થી 2 સપ્ટેમ્બર 1945 વચ્ચે લડાયેલું, ત્યારે કામદાર બાપાની ઉંમર 30 વર્ષ રહી હશે અને ભારત 1947માં આઝાદ થયો, ત્યારે 38 વર્ષના હશે. સિંધાવદર આખામાં વાંચી- લખી શકે એવા એક માત્ર કામદાર બાપા જ હોવાથી ભાયાતોને આ પ્રકારનું કોઈ કામ પડે એટલે કામદાર બાપાને બોલાવતા, અને આ કામગીરી કરનારને કામદાર જેવા માનવાચક ઉપનામથી ઓળખવામાં આવતું, અને આમ અભરામબાપાને સૌ કામદાર બાપા તરીકે જ ઓળખવા લાગ્યા. સમાજમાં પણ આ નામ જ પ્રચલિત થયું.

સૌરાષ્ટ્ર રાજ્યના ઢેબરભાઈ મુખ્ય મંત્રી હતા, પંચાયતી રાજની હજી તો સ્થાપના જ થયેલી, એમની એવી શરત હતી કે જે ગામમાં હરીજન સરપંચ બનશે, એ ગામના પંચાયતના ઉદઘાટનમાં પોતે આવશે; કામદાર બાપાને કોઈ પણ ભોગે ઢેબરભાઈને સિંધાવદર ખેંચી લઇ આવવાના હતા, એમણે ગામ આખું ભેગું કરી સરપંચ તરીકે મીઠાભાઇ મેરાભાઈ મકવાણાને બિનહરીફ કર્યા, અને ઢેબરભાઈ સિંધાવદર આવેલા. મુખ્ય મંત્રીનું આવવું ત્યારે બહુ મોટી વાત ગણાતી. તાલુકા આખામાં ક્યાંય વીજળી (લાઈટ) નહોતી, જે ગામને લાઈટ જોઇતી હોય તેને એ જમાનામાં (અધધધ) વીશ હજારની ડિપોઝીટ જીઈબીમાં ભરવી પડતી, અથવા આઠ વાડીના ખેત કનેકશન લેવા પડતા. ત્યારે ખેતીમાં લાઈટ કોઈ લેતું જ નહીં, કામદાર બાપાએ જહેમત ઉઠાવી શરત પુરી કરી અને તાલુકા આખામાં સૌ પહેલા સિંધાવદરમાં મફતમાં લાઈટ લઇ આવેલા. પડઘો પડી ગયેલો. ઉદઘાટનમાં ત્યારના ગૃહમંત્રી જયરામભાઈ પટેલ આવેલા. ટમટમિયાં વાટ દિવાના એ સમયમાં ગાડું લઈને લોકો સિંધાવદરમાં લાઈટનું અજવાળું જોવા રાતના આવતા, ધૂળમાં નાના કાંકરા લાઈટના અજવાળે જોઈને ધન્યતા અનુભવતા. લાઈટ જોયાનો નશો ઘણા દી’ રહેતો. સગાંવહાલાંના ઘરે આંટો મારવા મહેમાન બની જતા તો લાઈટની વાત જરૂર આવતી. સિંધાવદરનો ત્યારે વટ પડી ગયેલો. સિંધાવદરમાં મચ્છુ-1 ડેમનું પાણી આવે એમ જ નહોતું, કામદાર બાપાની એક આદત હતી, જે કામ હાથમાં લેતા એ પૂરું ન થાય ત્યાં સુધી કેડો મૂક્તા નહીં, ઓફિસોમાં ઘણા ધક્કા ખાધા, અંતે સિંધાવદરની સીમમાં મચ્છુ-1નું પાણી આવ્યું. અત્યારે રેલવે ફાટકનો બાયપાસ કાઢેલ છે. સિંધાવદર પાસે આવેલ આ ફાટક લોકો માટે માથાનો દુખાવો હતું, એમની આ માટેની રજુઆત હતી. નવાઈની વાત એ છે કે વર્ષો પહેલા કામદાર બાપાએ બાયપાસ કરવા જે નકશો કરેલ, તે મુજબ જ અત્યારનું આ બાયપાસ છે, કેવી કોઠાસૂઝ?
સહકારી મંડળીની તાલુકામાં સૌ પહેલા સ્થાપના પણ સિંધાવદરમાં જ થઇ; એટલું જ નહીં, વલ્લભભાઈ પટેલ સાથે અન્ય ગામની મુલાકાતો લેતા અને મંડળીઓની સ્થાપના કરતા. વલ્લભભાઈ પટેલ સાથે પછી તો એમની ગાઢ દોસ્તી થઇ ગયેલી. આરડીસી બેન્કની શાખાની શરૂઆત પોતાના રહેણાંકના એક રૂમમાં કરવામાં આવી હતી. સીંધાવદર સરપંચ અને મંડળીના પ્રમુખ તરીકે વર્ષો સુધી સેવા આપેલી. સિંધાવદરની શાળાના રૂમો, આરોગ્ય કેન્દ્ર, રોડ- રસ્તાઓ જેવા વિકાસકામો એમની દેન છે. ખેડૂત શિબિરમાં તત્કાલીન મહિલા મંત્રી માંગરોળના આયશાબેન શેખ પણ સિંધાવદર આવી ચૂક્યા છે.
તાલુકા કક્ષાએ આરડીસી બેન્કમાં ડિરેક્ટર, પ્રોસેસિંગ અને સહકારી સંઘમાં પ્રમુખ તથા વલ્લભભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, ત્યારે કામદાર બાપા સભ્ય હતા, સમાજના કોઈ પણ કર્મચારીનું કામ હોય તો જીદ્દે ચડીને પણ વલ્લભભાઈ પાસેથી કામ કઢાવતા. સભ્ય તરીકે એમ કહીને એમણે રાજીનામુ આપેલું કે હું સભ્ય ન હોઉં તો પણ તમે મારુ કામ કરવાના જ છો, માટે બીજા કોઈને સભ્ય બનાવી દો. હોદાનો એમને મોહ નહોતો. એક વ્યક્તિ એક હોદ્દો માં તેઓ માનતા વલ્લભભાઈનો વાંકાનેર તાલુકામાં સારો હોલ્ટ હતો.
વાંકાનેરના તાલુકામાં વલ્લભભાઈના ત્રણ ખાસ માણસો હતા, રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા. તાલુકા કક્ષાના હોદ્દાની ઘણી ચૂંટણીઓ વખતે મિટિંગ મળતી. પેચ અટવાયો હોય ત્યારે ફાઇનલ કામદાર બાપા કરતા. એ જે નામ સૂચવતા તે બિનહરીફ ચૂંટાતો. એમનું સૂચન સર્વ સ્વીકાર્ય રહેતું. અમને યાદ છે કે મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક હોદ્દો જ રાખવો, બાકીના હોદા સમાજમાં બીજાને આપી દેવા, એવી વાત કહેવાની એમનામાં હિમ્મત હતી. ચાપલૂસી એમને ફાવતી નહીં, સ્પષ્ટ વક્તા હતા. પૂંછડી પટપટાવવી એમનો સ્વભાવ નહોતો. તેઓ માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક આગેવાન પણ હતા. આજ જેટલું રાજકારણ ગંદુ નહોતું, વિશેષ વ્યક્તિ કરતા સમાજ સર્વથી ઉપર રહેતો. સૌ સાથે મળી મિટિંગમાં નિર્ણય કરતા. કોઈ એકની મોનોપોલી નહોતી. વલ્લભભાઈના આ ત્રણ કાર્યકરો સામે બીજી આગેવાની ટૂંકી પડતી, એ જાણીને આજની પેઢીને નવાઈ લાગશે.
એમનો વારસો આજના એમના પૌત્ર યુસુફભાઇ મીરાંજીભાઈએ સુપેરે જાળવ્યો છે. યુવા વયે જ તેઓએ રાજકારણમાં ઝંપલાવેલું. સહકારી મંડળીમાં પ્રમુખ 10 વર્ષ અને ડિરેક્ટર 15 વર્ષ મળી 25 વર્ષ સેવા આપી છે. સરપંચ તરીકે બિનહરીફ 9-5-2008 થી 10-11-2010 રહ્યા, જિલ્લા પંચાયતમાં ચૂંટાતા રાજીનામુ આપેલું. 23-10-2010 થી 2015 સુધી જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દે રહ્યા હતા. 2019 થી 2023 સુધી સહકારી સંઘમાં ડિરેક્ટર, પ્રાંત ઓફિસમાં એટિવિટીમાં મેમ્બર તરીકે 6 વર્ષ સેવા આપેલ છે.

સમાજમાં યુસુફ મીરાંજી તરીકેની ઓળખ મેળવનાર આ આગેવાનને રાજકીય પક્ષોએ સંગઠનમાં પણ સ્થાન આપેલું છે. 1995 થી 1998 વાંકાનેર તાલુકા કોંગ્રસના પ્રમુખ તરીકે પસંદગી પામેલ હતા. રાતને દિવસ કહેતા એમને આવડતું નથી, રાતને રાત જ કહેવાના અને હા જી હા ન કરવાના એમના સ્વભાવના કારણે તાલુકાની ટોપની કોંગ્રેસની નેતાગીરી સામે મતભેદ થતા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. ભાજપે એમના વર્ચસ્વની કદર કરી. તીથવા વિસ્તારની જિલ્લા પંચાયતની સીટ પીરઝાદા સામે જીતી બતાવેલી. તીથવા જેવો મોમીન મતદારોના પ્રભુત્વ ધરાવતો વિસ્તાર, ભાજપમાં જીતવી કાંઈ સહેલી નહોતી. એક ઇતિહાસ રચેલો. અત્યાર સુધી ધારાસભામાં મોમીન સમાજના અપક્ષ ઉમેદવાર તરીકે સૌથી વધુ મત મેળવવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
2011 થી 2014 સુધી રાજકોટ જિલ્લાના ભાજપ લઘુમતિ પ્રમુખ અને 14-2-2014 થી 2020 સુધી એમ બે ટર્મ સત્તાધારી ભાજપ જિલ્લા ઉપપ્રમુખ રહી ચુક્યા છે. રાજકારણમાં તેઓ ઘણી ચૂંટણી લડી ચુક્યા છે, હારનો એને રંજ નથી પણ ફાઇટ આપ્યાનો સંતોષ છે. સમાજમાં વિપક્ષમાં એમનું આગવું સ્થાન છે. તેઓ રાજકારણથી થાક્યા નથી કે કંટાળ્યા નથી. એમની પ્રવૃત્તિ સતત ચાલુ જ રહી છે, જે એમનું જમા પાસું છે.
સમાજમાં એક કે બે પેઢી સુધી તાલુકા લેવલની આગેવાની ઘણાએ કરી છે, પણ પીરઝાદા કુટુંબ સિવાય ત્રીજી પેઢી પણ રાજકારણમાં સક્રિય હોય એનો દાખલો યુસુફ મીરાંજીના દીકરા ઝાહિરઅબ્બાસે બેસાડયો છે. વિરોધમાં રહી સફળ થવું સહેલું નથી. તેઓ ચાલુ ટર્મમાં પંચાસિયા સીટ ઉપર ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે અને હાલમાં સત્તાધારી પક્ષના નેતા તરીકે પોતાની ફરઝ બજાવે છે,

લોકોની રજૂઆતો વહીવટી તંત્ર સુધી પહોંચાડીને ઉકેલ લાવવામાં સફળ રહ્યાની એમની છાપ પડી છે. ઝાહિરઅબ્બાસ યુવાન તો છે જ ઉપરાંત આવનારા ભવિષ્યમાં એક ઉમ્મીદનું કિરણ પણ છે. વ્યવસાયે લીંબાળાની ધાર પાસે ક્રશર ઉપરાંત અમીર મટીરીયલ સપ્લાયર નામથી પેવર બ્લોક, ઈંટો, બેલા (ગડદા) અને મટીરીયલ સપ્લાય કરે છે, એઆઈ એન્ટરપ્રાઇઝની પેઢીથી સિમેન્ટનો વ્યવસાય કરે છે સિમેન્ટના વેપારી છે. તેમનો મોબાઈલ નંબર 98795 25486 છે. આપણે એમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ.
યુસુફભાઇના ભત્રીજાઓ આસિફભાઇ (94267 37302) અને અસરફભાઇ (94267 87251) ને વાંકાનેર દાણાપીઠમાં જમીન વિકાસ બેન્કની બિલ્ડીંગ નિચે સોના ચાંદીના દાગીના વેચવાની પટેલ જવેલર્સના નામથી દુકાન છે. સંકલન: નઝરૂદીન બાદી