પાટડીના ભીમસિંહજીએ કાઠી અળસીયાવાળાને હરાવીને અદેપરમાં ગાદી સ્થાપેલી
ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને નેકનામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે
બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !!
ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના નીર; ઉપર માટેલિયો હઘાડે પડખે બાલાજી પીર !!
આજથી બરાબર ૪૧૯ વર્ષ પહેલા વાંકાનેરના ગાદીપતિ હાલના કેસરીબાપાના સોળમી પેઢીએ રાજ સરતાનજીએ સન ૧૬૦૫ માં ગઢીયા ડુંગરમાં વસેલા મહિયા દરબારોને હરાવીને વાંકાનેર રાજની સ્થાપ્ના કરેલી. આ મહિયા દરબારના રાજા વાંકાનેરથી કુવાડવા અને પછી હાલમાં ચોરવાડ પાસે હાઈવે ઉપર આવેલા ગડુ (શેરગઢ)માં વસી રહ્યા છે, પણ નવાઈની વાત એ છે કે જયારે વાંકાનેરની ગાદી સ્થપાઈ ત્યારે આજના ભાયાતી જાંબુડિયાના ઝાલા દરબારોના પૂર્વજોનું રાજ અદેપરમાં હતું જ, એટલે કે વાંકાનેર કરતા પણ અદેપરની ગાદી જૂની હતી.
માંડીને વાત કરીએ તો વિક્રમ સંવત ૧૧૫૬ માં રાજ હરપાળદેવજીએ પાટડીમાં ગાદી સ્થાપેલી. તેમની વીસમી પેઢીએ (વિ.સં. ૧૫૧૬માં) પાટડીના ભીમસિંહજી અજોજીએ ૧૫૩૦ માં કાઠી અળસીયાવાળાને હરાવીને ર૪ ગામોના રાજ સાથે અદેપરમાં ગાદી સ્થાપેલી. એમના મોટા કુંવર સબળોજી અજમેર (અદેપર)માં, બીજા કુંવર સાગોજી (સગરામજી)ના જૂની કલાવડીમાં અને ત્રીજા કુંવર એટલે કલ્યાણજી લાસણ-ઘુનડામાં રાજ કરતા હતા અને એમના વંશજો એટલે આજના ભાયાતી જાંબુડિયાનું ઝાલા કૂળ. કલાવડીના સાગોજીના ચોથી પેઢીએ ભત્રીજા એટલે રામસિંહ પીપળીયારાજમાં રહેતા હતા. વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને ટંકારા તાલુકાના નેકનામ ગામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે.
મચ્છુ-ર ડેમ બન્યા પછી ૧૯૭૧ માં અદેપર ડૂબમાં ગયેલ છે. ત્યાંના રાજાની અમીરાત અને બહાદુરી વખણાતી હતી. રૈયત સાથે આદરથી અને ન્યાયપૂર્ણ રીતે રાજા વર્તતા હતા. એમના રાજાનો એક ગૌરવપૂર્ણ જમાનો હતો. બહારવટીયા, ડાકુઓને એમણે શુરવીરતાથી ઝેર કરેલા. એમના નામની હાક હતી. વાંકાનેરના રાજની હજી તો નવી-સવી શરૂઆત હતી, જયારે ભાયાતી જાંબુડિયાના ઝાલા કૂળનું રાજ સોળે કળાએ અદેપરમાં ખીલેલું હતું, પણ રાજ સરતાનજીને રાજને સ્થિર કરવામાં જહેમત પડી રહી હતી. વાંકાનેરનું વાલાસણ સિમાડાનું ગામ હતું. અવારનવાર લૂંટનો ભોગ બનતું હતું. આ લૂંટથી બચાવવા રાજ સરતાનજીએ અદેપરના રાજાની મદદ માંગી અને વાલાસણ આવી લુંટારાઓથી બચાવવા પ્રસ્તાવ મૂકાયો.
વાંકાનેર તાલુકામાં એક ગામનો સાંગોપાંગ કબ્જો આપવો, જેમાંથી કોઈ રાજભાગ રાજ સરતાનજીને આપવાનો ન હોય, એવી મસલત પછી વાત ખીલે બંધાણી. એ વાત એટલે ભાયાતી જાંબુડિયાનો રાજ ભોગવટો. વાલાસણ ગામની આસપાસ આજે પણ ઘણા પાળિયા- ખાંભીઓ છે. અનેક ધીંગાણા થયા હશે, બડાઝૂટી બોલી હશે. વાત બહુ લાંબી છે, જે ફરી ક્યારેક, પણ આજે અદેપરના એ રાજાની એક પાણીદાર જાતવાન ઈતિહાસમાં અમર થઈ ગયેલી ઘોડીની માલિકને બચાવવા જાનફેસાનીની હૃદયદ્રાવક વાત જાણીએ -નઝરૂદ્દીન બાદી.
વાંકાનેરના સિમાડે અને મોરબીના પડખે અદેપર નામનું ગામ છે, ગામમાં કડવા પટેલો અને ઝાલા દરબારોના ઘર છે. આ ગામમાં સંવત ૧૯૨૦ની સાલમાં ખેડૂતોએ હોંશેહોંશે મોલપાણી વાવીને આભ સામું મોઢું રાખીને બેઠા છે કે ક્યારે મારે વાલોજી વરસે અને આ મુરઝાતી મોલાતને જીવતદાન દેતો- છેયા છોકરાઓ આ વર્ષના દાણાપાણી ભેગા થાય, પણ એમ કાંઈ થોડા મેઘરાજા માની જાય? મેઘરાજાને મનાવવા કેટલાય કાલાવાલા કરવા પડે અને પ્રજાના રખેવાળે જ સીધી વાતું કરવી પડે. અદેપરના પાધરમાં સર્વ ડાયરો મેઘરાજાની ચિંતા કરતો બેઠો છે, એવામાં જમજમાટ કરતા ગેલુભાના કુંવર દાજી નિકળ્યા. બધા ખુશ થઈ ગયા, ગામના મુખી જેઠા પટેલ ફેફરે સુવાણ કરી કહ્યું કે, “શું દાજીબાપુ વછેરી દેવા આવ્યા?”
ગમે તેમ તોય દાજી બાપુ, એ ગામના ગરાસિયા દરબાર હતા. તે આવું વેણ જાવા ન જ દે. એણે પટેલને કહ્યું કે “હા પટેલ ! હવે વછેરી તમારી જ માનો!”
આખા ડાયરાએ વળી ગમ્મત કરી કહે, “અરે દાજીબાપુ ! વરસાદ ન લાવ્યા?! આમ નકરા આવ્યા ??!”
આથી દાજીબાપુને થોડું એમ તો જરૂર લાગ્યું કે માળું વરસાદ નથી, પણ ગામધણીના દીકરો છું, એટલે એટલો વિશ્વાસ છે કે ભગવાન જરૂર સારા વાના કરશે. દાજીબાપુએ તો ઘોડીને છૂટી મેલી દીધી અને ડાયરામાં માંડયા ગલતાન કરવા…રામ જાણે ભગવાને દાજીબાપુનો ભાવ સમજયો કે આ ગામધણીની વાત સ્વિકારવા જેવી છે, તો ઘડીકવારમાં કાળાં ડિબાંગ વાદળાઓ ઘેરાવા માંડયા અને બારેમેઘ ખાંગા થઈ વરસવા માંડયા. વિજળી માંડી સબાકા દેવા. ધરતી જળબંબાકાર થઈ ગઈ. હેતભર્યા માનવીઓ મહેમાનને મળવા દોડે એમ નદી-નાળા મહાસાગરને મળવા માંડયા દોડવા. કડકડ કટકા થઈને વીજળી ડુંગરાઓને હલાવવા માંડી. વરસાદ તો મોટા ફોરે ઠમ ઠમ કરતો વધુને વધુ પડવા માંડયો. સૌ રાજીના રેડ થઈ ગયા.
જોરદાર મેઘો મંડાણો હતો, એવામાં એક જુવાન દોડતો દોડતો આવ્યો અને કહે: “બાપુ !! ઉપરવાસમાં વરસાદે જમીનો ધોઈ નાખી છે, મચ્છુ નદી અને મહાનદી અને માટેલિયો વોંકળો બે કાંઠે ભરપૂર જાય છે. પાણીના ઘોડાપૂર આપણા ગામમાં પણ પૂગે એમ છે…”
હજી તે જુવાન વાત કરે છે ત્યાં તો પાણી ફરી વળ્યા. ગામને બાનમાં લઈ લીધું. ઢોલિયે તરત જ ગળામાં ઢોલ નાખી બુંગિયો વગાડવા માંડયો. ચારેય બાજુ રીડિયારમણ થઈ ગઈ. કોઈ ગયઢાઓને બાર કાઢે છે તો કોઈ ઢોરને છોડે છે. કોઈક પટારામાંથી માલ મિલકત કાઢે છે, તો કોઈ ઉચાણવાળી જગ્યા શોધે છે. ઢોલી તો ધ્રીજાંગ ધ્રીજાંગ ઢોલની દાંડી ટિપિયે જાય છે, આજુબાજુના ગામવાળા બચાવવા આવ્યા, પણ કોઈની કારી ફાવે નહિ. કોઈ માઈના લાલની પાણીમાં પડવાની હિંમ્મત હાલતી નથી. થોડીવારમાં તો ચીભડાના વેલા તણાય એમ માણસો તણાવા માંડયા.તણાતા માનવીઓના કાચબા જેવા માથા ઉપર દેખાય છે. ચારે બાજુ પાણી જ પાણી, બુંગિયો વાગે છે, કોઈ કોઈને બચાવી શકે તેમ નથી. એવે સમયે દરબારની ડેલીને પણ પાણીએ ઘેરી લીધી… ડેલીએ ઊભેલે દાજીબાપુ સાથે સાત જણા હવે વિચારે છે કે હવે કરવું શું? ડેલી બાર જેવો પગ મૂક્યો તો ચારેકોર પાણી જ પાણી દેખાય છે. ડૂબતો માણસ જેમ તરણું પકડે એમ આ સાતેય જણાએ એક ખેડૂતે ઉંચા ઢોળા પર કરેલી છાશટિયાના કડબની ગંજી ઉપર ચડી જવા નક્કી કર્યું. પોતે બચી જશે, એમ માની સાતેય જણા ગંજી ઉપર ચડી ગયા..! થોડીવારમાં તો પાણી ત્યાં પણ ફરી વળ્યું અને ગંજીને હોડીની જેમ ઉપાડી લીધી, તેમ છતાં સાતેય જણા હાથમાં અંકોડા ભરાવીને બેઠા છે, પણ એ કેટલીક ઝીંક ઝીલી શકે? આવે સમયે દાજીબાપુને પોતાની વીજળી નામની ઘોડી યાદ આવી. – દાજીબાપુએ ઘોડીને જેવો સાદ દીધો કે તરતજ સામે વીજળીએ હાવળ દીધી. દાજીબાપુ વિચારે છે કે આ પાણીમાં વીજળી બિચારી શું કરે? પણ વીજળીને પોતાના પ્રાણ કરતા માલિકનો પ્રાણ વધુ વ્હાલો હતો. વીજળીએ ધબાંગ કરતો પાણીમાં કૂદકો માર્યો. માથાથી ઉપરવટ પાણી ચાલ્યું જાય છે, તેમાં વીજળી તરતી તરતી આગળ ચાલી, આ સાતેય જણા પાસે પહોંચી. દાજીબાપુ ઘોડી પર ચડવા વિચારે છે કે સાથે રહેલાને ઘોડી ફરી લેવા ન આવે તો? એવા ખ્યાલે પોતાનો જીવ બચાવવાને બદલે તેણે એક જુવાનને ઘોડી પર સવાર થઈ જવા ઇશારો કર્યો. તરત જ એક જુવાન ઠેકડો મારીને વીજળી ઉપર સવાર થઈ ગયો અને વીજળી તેને પાણી બહાર મૂકી આવી.
પણ વીજળીને ખબર છે કે હજી મારો માલિક પાણીમાં જ છે. કેટલી અને કેવી સમજ? વીજળી પાછી પાણીમાં પડી, અને બીજા જણને પણ માથે બેસાડી બહાર લઈ આવી. આ રીતે ત્રણ, ચાર, પાંચ, છ જણાને બહાર કાઢી આવી ગઈ. પણ આ છ જણામાં વીજળીનો માલિક તો ન આવ્યો. સમજદાર વીજળી પાછી પાણીમાં પડી. ડૂબકા મારતી જાય છે અને ધણીને ગોતતી જાય છે. આખરે દાજીબાપુને પણ ઘોડીએ પીઠ ઉપર સવાર કરી કાંઠે લઈ આવી. પરંતુ બન્યું એવું કે વીજળીથી છૂટી પડી ગયેલી વછેરીએ જ્યારે પોતાની માંને અને એના માલિકને ત્યાં જોયા, એટલે એ વછેરી પણ પાણીમાં ખાબકી. આ જોઇને વીજળી ફરી પાછી પાણીમાં પડીને પોતાની વછેરીને બચાવવા જાય છે, અને પળવારમાં વછેરી પાસે પહોંચીને વછેરીના બેય આગલા પગ પોતાની પીઠ ઉપર ચડાવ્યા અને કાંઠા ઉપર કૂદકો લગાવતા વીજળી અને ત્રણે જણા પાછા ભટકાણા, તેમ છતાં દાજીબાપુ ઘોડીથી જુદા પડતા નથી, અને ફરીવાર વીજળીએ છલાંગ મારી પણ એ ઉપર પહોંચી ગઇ. એવામાં પોચી ભેખડ પડતા વીજળી અને દાજી બેય એમાં દબાઈ ગયા. આમ, એક મૂંગા પ્રાણીએ છ જણાના જીવ બચાવ્યા પણ પોતાના માલિક અને વછેરીને બચાવવા જતા પોતાનો પ્રાણ આપી દીધો. પોતાના જીવને બદલે પહેલા બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !!
આજે પણ જોગ ડુંગરી અને અદેપર વચ્ચે આ વીજળીનો ઘોડાચગો મોજદ છે. આ હોનારત પછી બીજી ટેકરી માથે અજમેરને નામે ગામ વસ્યું. આ પાણીદાર ઘોડીના વંશવેલા પણ પાણીદાર જ નિવડયા. આ વીજળીની વછેરી પણ પાણીદાર જ થઈ. એ વછેરી માટે અજમેર ગામ ભાંગ્યું, ધીંગાણું થયું. આજે દાજીબાપુ નથી, વીજળી પણ નથી, પણ ટેકરી ઉપર ગઢ મોજુદ છે. લોકજીભે આ દુહો ગવાતો રહ્યો છે કે…. ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના નીર; ઉપર માટેલિયો હઘાડે પડખે બાલાજી પીર !!”