બાદી , શેરસીયા અને કડીવારમાં બે પાંખિયા છે
આહમદભાઈ ડોડીયા સણોસરા કબ્રસ્તાનમાં દફન છે
આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા.
ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ થતું હોવાથી તેઓ મોટી ઉંમરે લગ્ન કરતા હતા
વાંકાનેર વિસ્તારમાં ચાર ગામ ટંકારા તાલુકામાં (અમરાપર, લજાઈ, ટંકારા, ટોળ), એક (સણોસરા) ગામ રાજકોટ તાલુકામાં અને બાકીના પચ્ચાસ ગામ વાંકાનેર તાલુકામાં મળી કુલ પંચાવન ગામમાં વસતા મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે.
વાંકાનેર તાલુકાના ગામોના નામ આ મુજબ છે (1) અમરસર (2) અરણીટીંબા (3) ભલગામ (4) ભોજપરા મોટા (5) ભોજપરા વીડી (6) ચંદ્રપુર (7) દલડી (8) ધમલપર (9) ઢુવા (10) દીઘલીયા (11) ગારીડા (12) ઘીયાવડ (13) હસનપર (14) જાલી (15) જેતપરડા (16) જોધપર (17) કલાવડી જૂની (18) કલાવડી નવી (19) કણકોટ (20) કાનપર (21) કેરાળા (22) ખેરવા (23) ખીજડીયા (24) કોઠારીયા (25) કોઠી (26) લાલપર (27) લીંબાળા (28) લુણસરીયા (29) મહીકા (30) મેસરીયા (31) પાજ (32) પલાંસડી (33) પાંચદ્વારકા (34) પંચાસર (35) પંચાસીયા (36) પીપળીયા રાજ (37) પીપરડી (38) પ્રતાપગઢ (39) રાજાવડલા (40) રાણેકપર (41) રસીકગઢ (42) રાતીદેવરી (43) સમઢીયાળા (44) સરધારકા (45) સિંધાવદર (46) તીથવા (47) વઘાસીયા (48) વાલાસણ (49) વાંકિયા (50) વણજારા.
મોમીન સમાજમાં કુલ છવ્વીસ અટક છે. (૧) આંબલીયા (ર) બાદી (૩) બાકરોલિયા (૪) બરીયા (૫) બાવરા (૬) ભાલારા (૭) ભોરણીયા (૮) ચારોલિયા (૯) ચોધરી (૧૦) દેકાવાડિયા (૧૧) ગઢવારા (૧૨) કડીવાર (૧૩) ખોરજીયા (૧૪) માણસીયા (૧૫) મરડીયા (૧૬) મારવીયા (૧૭) માથકીયા (૧૮) મેસાણીયા (૧૯) પરાસરા (૨૦) પટેલ (૨૧) પિંડાર (૨૨) શેખ (૨૩) શેરસીયા (૨૪) સિપાઇ (૨૫) વડાવીયા (૨૬) વકાલીયા.
ઉપરોકત અટકમાં બાદીના બે પાંખીયા છે. (૧) વડ બાદી (ર) ખડ બાદી. વડ બાદી મોટું કુટુંબ છે, મહિકા, પાંચદ્રારકા, સમઢીયાળા, અમરાપર, ટોળ, કોઠી, કણકોટ, ખેરવા, ગારીડા, પંચાસીયા, વઘાસીયા, કોઠારીયા…વગેરે માં વડ બાદી જ્યારે રાતીદેવરી, કેરાળા, અરણીટીંબા…વગેરે માં ખડ બાદી વસે છે.
કડીવારમાં પણ બે પાંખીયા છે. (૧) મોટા કડીવાર (ર) નાના કડીવાર. પીપળીયારાજ, વાલાસણ, અરણીટીંબા, પ્રતાપગઢમાં મોટા કડીવાર જયારે નાના કડીવાર ભોજપરા અને રાતીદેવીમાં વસે છે. મોટા કડીવાર તીથવા દાદીમાંને માને છે, જ્યારે નાના કડીવાર માનતા નથી.
શેરસીયામાં બે પાંખીયા છે. નરેદાવાળા (અથવા મલીદાવાળા અથવા લાડવાવાળા) અને મોટા (અથવા લાંબા) શેરસીયા. નારેદાવાળા તીથવા…વગેરેમાં અને મોટા સીંધાવદર…વગેરેમાં વસે છે. આમ તો ગઢવારા, ભાલારા અને બરીયા પણ મૂળ તો શેરસીયાનું જ પાંખીયું ગણાય છે. જે કુટુંબમાં રાજાશાહી વખતની પટલાઈ હતી, તેના વારસદારોમાં પટેલ અટક છે, જે શેરસીયામાં પણ છે અને કડીવારમાં પણ છે. પટેલ અટક રેવન્યુ અટક છે, સામાજિક અટક નથી. લોકવાયકા છે કે નારેદાવાળા શેરસીયામાં વડવાઓમાં ઔલાદ નહોતી થતી, ત્યારે માનતા રાખેલી અને ત્યારથી મલીદો અથવા લાડવા કરવાની પરંપરા ચાલી આવે છે.
બે દાયકા પહેલા મોમીન સમાજમાં એક જ અટકમાં છોરૂના સગપણ નહોતા કરતા, પણ ઉપર મુજબનાં પાંખીયા – પાંખીયા વચ્ચે સગપણ થતા હતા. હવે તો જો કે, એક અટક પાંખીયા વચ્ચે સગપણ થાય છે. સમાજમાં સૌથી મોટી વસ્તી શેરસીયા, બીજા નંબરે બાદી અને ત્રીજા નંબરે કડીવાર છે. સમાજની ઘણી અટકો કણબી પટેલ અને અન્ય સમાજમાં પણ છે. ચોક્કસ ગણતરી નથી પણ એક અંદાઝ મુજબ વાંકાનેર વિસ્તારમાં મોમીન સમાજના હાલમાં લગભગ 11 હજાર જેટલા ઘર છે. ઘણા મોમીનને બદલે મુમના લખે છે, જે ખોટું છે. મોમીનો બધાએ મુમનાને બદલે મોમીન જ લખવું- બોલવું જોઈએ. સામાન્યતઃ એક ઘરમાં 4 મતદાર અને 6 સભ્યોની એવરેજ આવતી હોય છે.
મોમીન સમાજમાં ઉપર મુજબની ૨૬ અટક છે. ઉપરાંત ‘ડોડિયા’ અટકનું એક ૨૭ મી અટક ધરાવતું કુટુંબ પણ હતું. ડોડિયા કુટુંબમાં બાપ તેના દીકરાનું મોઢું નહોતો જોઇ શક્તો. પેઢી દર પેઢી આમ થતું હોવાથી તેઓ મોટી ઉંમરે લગ્ન કરતા હતા.
આ ડોડિયા કુટુંબના આહમદભાઇ કોઠીમાંથી તીથવા રહેવા આવેલા. તીથવામાં તેમની જમીન પણ હતી. તીથવાથી રાજકોટ જંગલેશ્વરમાં રહેતા સણોસરાવાળા અમીનભાઇ આહમદભાઈ પટેલના ઘરે રહેવા ગયેલા. પછી સણોસરાના જ અલીભાઇ નુરમામદ શેરસીયાના શારડામાં કામ કરેલું. પછીથી સણોસરા કબ્રસ્તાન સ્થિત બાલનશા પીર (રહે.)ના મુંઝાવર તરીકે ૫ થી ૭ વર્ષ રહેલા. છેલ્લે એમને ટી.બી. થયેલી. સાધારણ બાંધાના અને સ્વભાવે ગુસ્સાવાળા પણ બાળકો પ્રત્યે પ્રેમાળ આહમભાઇ ડોડિયાએ લગ્ન કરેલા નહિં, આથી સેવા ચાકરી કરનારૂં કોઇ નહોતું. આથી અમીનભાઇ તેમને પોતાના ઘરે લઇ આવેલા અને સાર-સંભાળ રાખતા, જ્યાં ૧૫-૨૦ દિવસ બાદ ૧૯૯૮માં તેમનું અવસાન થયેલું અને આમ મોમીન સમાજની ૨૭ મી અટક લુપ્ત થઇ.
વાંકાનેર ‘માં હોસ્પીટલ’ વાળા ડો. યાસીન ગઢીયાને આ બાબતે વૈજ્ઞાનિક કારણ પૂછતાં તેમણે જણાવેલ કે જીન્સના કારણે ઘણા કુટુંબમાં બાળકો ઉછરતા નથી. પુત્ર જન્મ પછી બાળકનું મૃત્યુ થઇ શકે, પણ પુત્ર જન્મ પછી પિતાનું મૃત્યુ થવા બાબતે કોઇ વૈજ્ઞાનિક કારણ હોઇ શકે નહિં.
લોકવાયકા એવી છે કે આહમદભાઈ ડોડિયાની પેઢીમાં વરસો અગાઉ બળદની સારી જોડી હતી. તેમના ગામમાં પધારેલા કોઇ પીર ઔલિયાને બીજે ગામ બળદગાડામાં મૂકવા જવા તેમના વડવાએ ના પાડેલી અને મહાન હસ્તીએ બદ દુવા આપી કે ‘તમારી પેઢીમાં બાપ દીકરાનું મોઢું નહિ જોઇ શકે’. આ સીલસીલો વરસો ચાલ્યો. આ વાતને ઐતિહાસિક સમર્થન મળતું નથી, કારણ જે હોય તે પણ આખા સમાજમાં ડોડિયા કુટુંબનું માત્ર એક ઘર જ રહેલું, તેમના માસી રાણેકપરમાં હતા. બાપ, દીકરાનું મોઢું ન જોઇ શક્તા હોવાની આ વાતને સમાજમાંથી ઘણા લોકો પાસેથી સમર્થન મળ્યું છે.