તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે
આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે
વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી સરકારી રકમ,
વિદ્યાલક્ષ્મી બોન્ડની પાકતી મુદતની રકમ નિવૃત્ત શિક્ષકોને મળતી 300 રજાનો રોકડ પગાર, એરિયર્સની રકમ, મૃત શિક્ષકોના વારસદારોને મળતા સિલેક્શન ગ્રેડના એરિયર્સની રકમ, કસ્તુરબા બાલિકા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી દિકરીઓને મળતા લાભો,
ભોજન બીલની રકમના ખોટા બિલો બનાવી રૂપિયા અંગત ખાતામાં જમા કરવા; બેંકના ખોટા ચલણ બનાવવા વગેરે અનેક કારસ્તાનો કરી આશરે ૯૩ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે.
જેની જિલ્લા પંચાયત મોરબીની ટિમ દ્વારા તપાસ કરવામાં આવેલ. ત્રણ ચાર મહિના સુધી ચાલેલ તપાસના અંતે બત્રીસ લાખ જેવી રકમના ચલણ ભરાવી રૂપિયા પરત જમા કરાવ્યા અને ત્રણ શિક્ષકો વિરુદ્ધ કહેવા પૂરતી એફઆઈઆર નોંધાવી હતી,
પરંતુ જેની સહીથી આટલો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એ વખતના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી. આથી વાંકાનેરના જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા વળી કચેરી દ્વારા કચ્છના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને તપાસ સોંપતા તા.૧૩/૧૦ ના રોજ ટિમ તપાસ અર્થે આવેલ હોવાની વાત સામે આવી હતી.
જો કે, ભ્રષ્ટાચાર શિક્ષણ શાખામાં થયેલ છે અને તેની તપાસ માટે આવેલ ટિમ વાંકાનેર તાલુકાનાં માટેલ ગામની શાળામાં આવી હતી, આટલું જ નહીં જેની વિરુદ્ધ તપાસ થઈ રહી છે એ પણ તપાસ ટીમની સાથે હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
અત્રે ઉલેખનીય છે કે, જેમના વિરુદ્ધ ફરિયાદ થયેલ છે એ ત્રણેય શિક્ષકોએ તપાસ કમિટી સમક્ષ હાજર થવાની સ્પષ્ટ ન પાડી દીધી છે, તો પછી ફરી એકવાર મોટા માથાને બચાવવા તપાસનું નાટક ચાલતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આ બાબતે તાલુકાના મોટા મોટા આગેવાનોએ મોઢા સીવી લીધા છે. મોઢે લાગેલું અલીગઢી તાળું લોકોને અકળાવી રહ્યું છે. અંદાજે એક કરોડના આ ભ્રષ્ટાચાર અને એ પણ શિક્ષણ શાખામાં અને આગેવાનોનું મૌન ! છે ને કમાલ !!