મહેસૂલ વિભાગના નિર્ણયથી મળશે સારા ભાવ
દસ્તાવેજ થયા પછી પણ રેકોર્ડ પર નોંધ પડતી નહોતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે
રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી છે. આ સ્થિતિમાં થતા ટુકડા અર્થાત બિન પિયત વિસ્તારોમાં ૮૦.૯૪ ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં ૨૦.૨૪ ગુંઠાથી ઓછી જમીનમાં વેચાણના વ્યવહારો પર નિયંત્રણ ફરમાવતો વર્ષ ૧૯૪૭નો ટુકડા ધારો સુધારવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં ખેતીની જમીનના વેચાણ અને વારસાઈના નિયમોને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જમીનના વેચાણ અને વારસાઈના નિયમોમાં રાજ્ય સરકાર મોટા પાયે સુધારા કરવા જઈ રહી છે. વર્ષો જૂના ‘ટુકડા ધારા’ માં ફેરફાર કરીને હવે 10 ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7મી ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે.
ગુજરાતમાં કેમ પડી કાયદો બદલવાની જરૂર?
ગુજરાતમાં ઝડપથી વધી રહેલા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને બુલેટ ટ્રેન, હાઈ-વે તથા નહેર જેવા માળખાગત પ્રોજેકટ્સને કારણે મોટા પ્રમાણમાં જમીન સંપાદન થઈ રહ્યું છે. જેના કારણે ખેડૂતો પાસેની જમીનો ઓછી થઈ રહી છે. 1947ના જૂના કાયદા મુજબબિન-પિયત જમીનમાં 80.94 ગુંઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી અને પિયત જમીનમાં 20.24 ગુંઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી. આ મર્યાદાને કારણે ગુજરાતના ખેડૂતો પોતાની નાની જમીન વેચી શકતા નહોતા કે વારસાઈ કરવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી.
નવા પ્રસ્તાવની મુખ્ય વિશેષતાઓ
મહેસૂલ વિભાગે તૈયાર કરેલા વિધેયકના મુસદ્દા મુજબ હવે કાયદાની કલમ-9(3) માં સુધારો કરીને નવી જોગવાઈઓ ઉમેરવામાં આવશે. હવે તમામ પ્રકારની જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને 10 ગુંઠા કરવાની દરખાસ્ત છે. 10 ગુંઠા કે તેથી વધુના ટુકડા ધરાવતા ખેડૂતો રાજ્ય સરકાર નક્કી કરે તેવો દંડ ભરીને પોતાના વેચાણ વ્યવહાર કે તબદીલીને નિયમિત કરાવી શકશે.
કુદરતી ભૌગોલિક પરિસ્થિતિ અથવા સરકારી સંપાદનને કારણે જો જમીન 10 ગુંઠાથી પણ ઓછી થઇ ગઈ હોય, તો તેવા કિસ્સામાં પણ વિશેષ છૂટછાટ આપવાનું સૂચવાયું છે. અત્યાર સુધી ટુકડાની જમીન વેચતી વખતે પાડોશી ખેડૂતનો પ્રથમ હક રહેતો હતો, જે હવે રદ થવાની શક્યતા છે, જેથી ખેડૂત પોતાની મરજી મુજબ વેચાણ કરી શકશે.
જનતા અને ખેડૂતોને શું ફાયદો થશે?
આ કાયદાકીય ફેરફારથી જમીન મહેસૂલને લગતા હજારો વિવાદોનો અંત આવશે. 7/12 ના ઉતારામાં જમીન પર ‘ટુકડો’ અથવા ‘કલમ-7 મુજબ પ્રતિબંધિત’ જેવી નોંધો પડતી બંધ થશે. પરિવારમાં જમીનના ભાગલા કે વારસાઈ નોંધ વખતે નાની જમીનને કારણે પડતી તકલીફો દૂર થશે. અત્યાર સુધી ટુકડા ધારાના ભંગને કારણે દસ્તાવેજ થયા પછી પણ રેકોર્ડ પર નોંધ પડતી નહોતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે. શહેરી વિસ્તારોની નજીક આવેલી નાની જમીનોનો વિકાસલક્ષી ઉપયોગ સરળ બનશે.
