વાંકાનેર: આપણે ટોલપ્લાઝાની હારમાળા વચ્ચે છીએ. વાંકાનેરથી કચ્છ, પોરબંદર, સોમનાથ જવામાં અનેક જગાએ ટોલનાકે ટેક્સ ચૂકવવો પડે છે. અત્યારે રાજકોટ કાર લઈને જવામાં કોઈ ટોલટેક્સ ભરવો પડતો નથી, પણ ચારેક મહિના પછી રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે બની રહેલ નવા ટોલનાકાના કારણે ટેક્સ ચૂકવવો પડશે, અલબત્ત, સણોસરા પછી જતા જમણા હાથ પર વળીને સીધા ટંકારાના રોડ પર થઈને જવાનો વિકલ્પ રહેશે…
અત્યારે અમદાવાદ જવામાં વચ્ચે બાઉન્ડરી અને બગોદરા પાસે ટોલનાકા છે, પણ આ રોડ પર પણ વાંકાનેર- અમદાવાદ (210 કિલોમીટર અંતર) રાજકોટ- અમદાવાદ સિક્સલેન બન્યો હોવાના કારણે અત્યારના 2 ટોલનાકા બંધ થશે અને નવા 3 ટોલનાકા શરૂ થવાના છે. સાયલા-ચોટીલા વચ્ચે, બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે અને બાવળા પાસેના ભાયલા ગામ પાસે ટોલનાકું ઉભું કરવામાં આવ્યું છે. વાંકાનેરથી અમદાવાદ જતા નવા ત્રણ ટોલનાકા પર વાહન ચાલકોએ ટેક્સ ભરવો પડશે. ત્રણેય ટોલનાકાનું બાંધકામ છેલ્લા તબક્કામાં છે. 1 એપ્રિલ, 2025થી નવા ટોલનાકા કાર્યરત થવાની શક્યતા છે. ટોલનાકા માટે રોડ-મકાન વિભાગે નાણાપંચને દરખાસ્ત પણ મોકલી છે.
સરકારનો નિયમ છે કે બે ટોલનાકા વચ્ચે 60 કી.મી. નું અંતર રાખવું, પણ આ ત્રણ ટોલનાકામાં 60 કિમીનું અંતર નહીં જળવાય. અમદાવાદથી વાંકાનેર આવતા પહેલા અમદાવાદ પછી ભાયલા ટોલનાકા સુધીનું અંતર 30 કિમી સુધીનું રહેશે. ભાયલા ટોલનાકાથી ટોકરાળા ટોલનાકાનું અંતર 48 કિમી સુધીનું રહેશે. (જ્યારે ટોકરાળા ટોલનાકાથી ચોટીલા-સાયલા ટોલનાકાનું અંતર 61 કિમી સુધી રહેશે)…
આ નવા ટોલનાકા પર કેટલા રૂપિયા વસૂલાશે એ તો હજી નક્કી નથી, પરંતુ વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઈ જશે. રાજકોટ-અમદાવાદ રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલોમીટરના હાઇવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે. આ હાઈવેના વિકાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા કરાયો છે. એટલે ગુજરાત સરકાર દ્વારા હાઈવે પર ચાર ટોલટેક્સ ઊભા કરીને કરેલો ખર્ચ વસુલવામાં આવશે…
આપણે જો કાર લઈને મુસાફરી કરીયે તો મોરબી તરફ વઘાસીયા પાસે 115 રૂપિયા ટોલટેક્સ છે. કચ્છ જઈએ તો માળિયાથી આગળ સુરજબારી 95 રૂપિયા, સામખિયાળી (સામખિયાળી ગાંધીધામ) 80, ભીરંડિયારા (ભુજ ખાવડા) 90, મોખા (કંડલા મુન્દ્રા) 120 અને જો પોરબંદર- સોમનાથ તરફ જઈએ તો ભરૂડી (ગોંડલ) 50 રૂપિયા, પીઠડીયા (ગોંડલ રાજકોટ) 45, ડુમીયાણી 115, ડારી (જેતપુર સોમનાથ) 100, ગોરસર (ગડુ પોરબંદર) 130, કુચડી (પોરબંદર દ્વારકા) 135, (પોરબંદર દ્વારકા) 105, ગડોઇ (જેતપુર સોમનાથ) 115, નાગેશ્રી (કાગાવદર ઉના) 45, ઓખામઢી સુંદરપરા 105, (કોડીનાર સોમનાથ)60 રૂપિયા ટોલટેક્સ છે…