વાંકાનેર: આજ રોજ કાનપર પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ ધોરણ ૧ થી ૫ નો બાળમેળો તથા ડો.એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન કાર્યક્રમ યોજવામાં આવ્યા. દરેક પ્રાથમિક શાળામાં સરકારના નિયમ મુજબ વર્ષ દરમિયાન 4 વાલી મીટીંગ યોજવામાં આવે છે .એમાંની આ વર્ષની આ પ્રથમ વાલી મિટિંગમાં વિદ્યાર્થીહાજરી ,ગૃહકાર્ય, ગણવેશ,સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ, બાહ્ય પરીક્ષાઓ જેવી કે (જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, એન.એમ.એમ.એસ., જવાહર નવોદય, પી.એસ.ઇ ., ચિત્ર સ્પર્ધા)ની તૈયારીઓ, વિદ્યાર્થી બેન્ક એકાઉન્ટ ,વિદ્યાર્થી રેશનકાર્ડ, આધારકાર્ડ અપડેશન ,શાળા સલામતી ,એકમ કસોટીની પૂર્વ તૈયારીઓ ,મધ્યાન ભોજન, તિથિ ભોજન, શાળા અને ગામમાં વૃક્ષારોપણ. વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઇ વાલી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી, મોટી સંખ્યામાં વાલીની હાજરી હતી.

બાળકોના શિક્ષણ માટે દરેક ધોરણના શિક્ષકશ્રીઓએ વાલીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી અને બાળકોની પ્રગતિ બાબતે વ્યક્તિગત વાત કરી હતી.

આજ રોજ ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાળમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ચીટકામ, ચિત્રકામ, રંગપુરણી, કાગળ કામ , બાળવાર્તા, અભિનય ગીત ,માટીકામ ,કાતરકામ, છાપકામ વગેરે વિષયોને ધ્યાનમાં લઇ બાળકોએ રસ પૂર્વક વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિને નિહાળવા માટે બાળકોના વાલીઓ પણ શાળાએ હાજર હતા.

આજ રોજ ભારતના મિસાઈલ મેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ નિર્વાણ દિન હોય ધોરણ 6 થી 8 ના બાળકોએ પોતાની જાતે અબ્દુલ કલામ જીવન ચિત્ર નું વાંચન કરી કલામના જીવન વિશે બાળકોએ ખૂબ વિશેષ ચર્ચાઓ કરી હતી. સામાજિક વિજ્ઞાનના શિક્ષકે આ વિષયમાં બાળકોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આમ શાળાના વિવિધ કાર્યક્રમો અને બાળકોએ કરેલી પ્રવૃત્તિને નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીશ્રીઓ હાજર રહ્યા હતા.



