ત્રિદિવસીય રાસોત્સવ, પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન, વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ: સમુહ પ્રસાદ સહિતના કાર્યક્રમોની વણઝાર: શસ્ત્ર પૂજનમાં પરંપરાગત પોશાક સાથે શસ્ત્ર સાથે અને રેલીમાં ઘોડેશ્વર સાથે ઉપસ્થિત રહેવા સમાજ પ્રમુખ વજુભા સજુભા ઝાલાની હાકલ
વાંકાનેર: શહેર તથા તાલુકાભરમાં વસવાટ કરતા ક્ષત્રીય રાજપૂત સમાજ દ્વારા ૧૭મો રાસોત્સવ, વિજયાદશમી મહોત્સવ, શસ્ત્ર પૂજન, રેલી, વિદ્યાર્થી સન્માન સમારંભ, સમુહ પ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમો સમસ્ત સમાજ દ્વારા ત્રિ- દિવસી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે…
આ ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જેમાં કાર્યક્રમોના અધ્યક્ષ સ્થાને વાંકાનેર સ્ટેટના મહારાજા અને રાજયસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ડી. ઝાલા, મહારાણી સાહેબશ્રી યોગીનીકુમારીબા કે. ઝાલા, રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, (ધારાસભ્ય-જામનગર), નરેન્દ્રસિંહ જાડેજા (ડે.મેયર- રાજકોટ), હરદેવસિંહ ટી. જાડેજા (ચેરમેન જમીન વિકાસ બેંક ગોડલ), કૈલાસબા એચ. ઝાલા (પ્રમુખ તા. પંચાયત -વાંકાનેર), કે. જી. ઝાલા- (ડીવાયએસપી-ગોંડલ), હરદેવસિંહ દિલુભા ઝાલા, સુજાનસિંહ વી. ચુડાસમા, આર. કે. જાડેજા (ક્રાઇમ બ્રાન્ચ-રાજકોટ) વાંકાનેર રાજપૂત સમાજ પ્રમુખ વજુભા રાજુભા ઝાલા સહિત અનેક મહાનુભાવોની વિષેશ ઉપસ્થિતીમાં ઉપરોકત કાર્યક્રમ યોજાશે…
જેમાં તા. ૮ થી ૧૦ ત્રિદિવસીય રાસોત્સવ અત્રે દિગ્વિજયનગરમાં આવેલ ધોળેશ્વર મહાદેવના પટાંગણ (પેડક) ખાતે યોજાશે તે જ ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ, સમુહ પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે…
જયારે ક્ષત્રીય રાજપૂત સમાજનો સૌથી મોટો તહેવાર ગણાતા, વિજયાદશમી (દશેરા)ના પાવન દિને નેશનલ હાઇવે ખાતે આવેલ ગરાસીયા બોર્ડીંગ ખાતે સમુહ શસ્ત્ર પૂજન યોજાશે. ત્યારબાદ બપોરે બે વાગ્યે પરંપરાગત રાજપૂત પોશાક, ઘોડેશ્વર, સાફા-પાઘડી ધારણ કરી સમગ્ર તાલુકાના
રાજપૂત સમાજના ભાઇઓ -બહેનોની એક ભવ્યતાથી ભવ્ય રેલી ગરાસીયા બોર્ડીંગ ખાતેથી પ્રસ્થાન થઇ જીનપરા, રસાલા રોડ, ગ્રીન ચોક, મેઇન બજાર, દરબારગઢ રોડ, ચાવડી ચોક, રામ ચોક, પ્રતાપ ચોક, માર્કેટ ચોક, દિવાનપરા ખાતે પહોંચી પૂજય શ્રી અમરસિંહજીબાપુની પ્રતિમા સમક્ષ વંદન કરી દિગ્વિજયનગર (પેડક) ખાતે કાર્યક્રમ સ્થળ સંપન્ન થશે, તેમ રાજપૂત સમાજના પ્રમુખશ્રી વજુભા સજુભા ઝાલાએ યાદી આપતા જણાવેલ છે…