પ્રચાર તંત્ર ગોઠવવામાં પાછળ રહેનાર ઉમેદવાર માર ખાઈ જશે
વાંકાનેર ધારાસભ્ય મતવિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો અને બીજા નંબરે મુસ્લિમ મતદારો છે. ભાજપે આ વખતે લોહાણા સમાજના જીતુભાઈ સોમાણી તથા કોંગ્રેસે મુસ્લિમ સમાજના મોહમ્મદ જાવેદ પીરઝાદાને અને આમ આદમી પાર્ટી એ કોળી સમાજના વિક્રમભાઈ સોરાણીને ટીકીટ આપેલી છે.
ભાજપનું સંગઠન ઘણું મજબૂત છે પરંતુ જૂથવાદ પણ છે. ભાજપની ટિકિટ કોળીને નહીં આપતા કોળી સમાજ નારાજ હોવાની છાપ છે, પરંતુ આ નારાજગી ક્યાં સુધી ટકી રહે છે, તે એક મોટો સવાલ છે. સામાન્ય રીતે કોળી સમાજનો ઝોક ભાજપ તરફી હોય છે. ‘હમ એક હૈં’ ના નારાઓ વચ્ચે પણ કોળી સમાજ ભૂતકાળમાં એક રહી શક્યો નથી. વધુમાં, આમ આદમી પાર્ટીએ કોળી સમાજનો ઉમેદવાર મુકેલો હોવાથી ભાજપના પરંપરાગત મત બેંકમાં ગાબડું પડશે; તે નક્કી છે. કોળી હોવાના નાતે વિક્રમભાઈ કેટલું ગાબડું પાડી શકે છે, તે જોવાનું રહ્યું. વાંકાનેર શહેરમાં કાયમ માટે ભાજપને બહુમતી મળતી આવી છે અને આ વખતે પણ મળશે એવું લાગે છે. જીતુ સોમાણી સંઘર્ષ કરનારો, લડત આપનારો અને રાજકીય કાવાદાવાથી પૂરો વાકેફ અનુભવી છે. પૂરી તાકાતથી લડવાની ક્ષમતા ધરાવે છે.
આ વિસ્તારમાં કોંગ્રેસનું પણ સંગઠન છે. કોંગ્રેસને ચાહનારો બહોળો મુસ્લિમ વર્ગ છે. ગ્રામ્ય વિસ્તારમાં ઊંડે સુધી કોંગ્રેસની પકડ છે. વર્ષોથી રાજકારણનો અનુભવ ધરાવતા કુટુંબમાંથી આવતા મોહમ્મદ જાવેદ પીરઝાદા પણ એક સારા અનુભવી છે. સ્થાનિક પરિસ્થિતિથી પુરા વાકેફ છે, ઉપરાંત એક મોટી મુસ્લિમોની મતબેંક પર તેમની પકડ છે, જે તેમનું સૌથી મોટું જમાપાસું છે. મૃદુભાષી અને વહીવટી ક્ષેત્રનો પૂરો અનુભવ છે. મુસ્લિમો સિવાય અન્યના મત પણ કુનેહથી મેળવીને જીતતા આવ્યા છે.
આમ આદમી પાર્ટીનું અહીં ખાસ એટલું સંગઠન નથી. આમ છતાં અગાઉ લખ્યું તેમ કોળી સમુદાયના મત ઉપર તેનો મદાર છે. વિક્રમભાઈ સોરાણી કુવાડવા પંથકના છે. વાંકાનેર તાલુકાથી તેઓ અજાણ હશે અને તાલુકો પણ તેનાથી અજાણ છે. આમ છતાં તેના સમાજના બહોળા મતદારો છે, જે તેમનું જમાપાસું છે.
ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થાય અને કયો ઉમેદવાર કેવા ચોકઠાં ગોઠવે છે – કેવા પાસા ફેંકે છે; તેના ઉપર ચૂંટણી પરિણામનો જબરો આધાર રહેશે. પ્રચાર તંત્ર ગોઠવવામાં પાછળ રહેનાર ઉમેદવાર માર ખાઈ જશે. એક-એક મતની પણ કિંમત હોય છે.