નેતાઓ છટકી જાય છે અને પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે
વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “ટેબલ ઉપર વજન રાખીને કામ કરવાની જવાના છે” તેવું કહ્યું હતું તે વિષે કોંગ્રેસનાં ધારાસભ્યને પૂછાતા તેમણે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર હાલમાં ચરમસીમાએ છે અને ભાજપના નેતાઓ પોતાના કામ કઢાવવા માટે અધિકારીઓને આ રીતે દબાવે છે. જો ખરેખર તેઓને ખબર જ હોય કે ક્યાં ટેબલે, કયા અધિકારી કેટલા રૂપિયા લે છે તો તેને વિજિલન્સ, એન્ટિ કરપ્શનમાં લેખિત રજૂઆત કરીને પગલાં લેવડાવવા જોઇએ.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ નબળી કામગીરી કરનાર એજન્સીઓને બ્લેક લિસ્ટ ન કરતાં અધિકારીઓને કહ્યું હતું કે, “નબળા માણસોના કામ કરો, બાકી પૈસાવાળા માણસો તો ટેબલ ઉપર વજન મૂકીને કામ કરાવી જવાના છે.” જે ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે, ત્યારે આ બાબતે મોરબીમાં આવેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે,
ધર્મની રાજનીતિ કરતાં અને રામનું નામ લેતા ભાજપનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મોરબી જિલ્લાના વાંકાનેરના ધારાસભ્યનો ખોલાસો માંગવો જોઈએ કે કયા કયા અધિકારીઓએ, કયા કયા નેતા પાસેથી પૈસાના બંડલ મેળવી રહ્યા છે અને તેની પાસે જે માહિતી હોય તેના આધારે વિજિલન્સ તપાસ કરાવવી જોઈએ, એન્ટિ કરપ્શનમાં રાજ્યના ચીફ સેક્રેટરી, રાજયના ડીજીપીને લેખિતમાં રજૂઆત કરીને પગલાં લેવડાવવા જોઈએ. ભાજપના શાસનમાં “અધિકારીઓને તમે શું ધંધા કરો છે” એટલું કહીને નેતાઓ
છટકી જાય છે અને પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે. આમ ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમાએ પહોચ્યો છે, તેવો સીધો આક્ષેપ કોંગ્રેસનાં ધારાસભ્યએ કર્યો છે અને મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટચાર ચરમસીમાએ છે એટલે જ તો અધિકારીઓનાં પાપે ઝૂલતા પુલ ગેમઝોન અને હરણી જેવી ઘટનાઓ બને છે.
