માજી ધારાસભ્યનું નિવાસસ્થાન આ રસ્તા પર આવેલું છે : નગરપાલિકામાં આ રસ્તાનો સમાવેશ થતો નથી
વાંકાનેરમાં શાળા કોલેજ જવા માટે જે રસ્તાનો વિદ્યાર્થીઓ સહુથી વધુ ઉપયોગ કરે છે તે તેમજ રાજકોટ જવાનો રોડ વર્ષોથી મરામતથી વંચિત છતાં તંત્ર આ બાબતે જવાબદાર બનવાને બદલે જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. વાંકાનેર શહેરથી રાજકોટ જવાનો એક માત્ર મુખ્ય માર્ગ જે રસ્તે શહેરની કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાઓએ જવાના મુખ્ય માર્ગની વર્ષોથી મરામત કરવામાં તંત્ર દ્વારા જવાબદારીની ફેંકાફેંકી કરી લોકોની મુશ્કેલીઓ ઊભી કરી છે.

શહેરના દાણાપીઠથી કોલેજ પાસેના વિવેકાનંદના સ્ટેચ્યુ સુધીનો રસ્તો વર્ષોથી અતિબિસ્માર હાલતમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ માર્ગ પર 15 વર્ષ સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદાનું નિવાસસ્થાન આવેલું છે છતાં આ માર્ગના નવીનીકરણની વાત તો દૂરની રહી મરામત પણ કરવામાં આવેલ નથી.

ઉલ્લેખનીય બાબત એ છે કે આ માર્ગ આસપાસનો વિસ્તાર પાલિકામાં આવે છે છતાં પાલિકામાં માર્ગનો સમાવેશ થતો નથી, તો રાજ્ય સરકાર હસ્તક આવતો હોય તો સરકાર દ્વારા પણ વર્ષોથી આ માર્ગના નવીનીકરણ કરવામા રસ દાખવેલ નથી. પ્રાપ્ત માહિતી મુજબ તત્કાલીન ધારાસભ્ય પીરઝાદા દ્વારા માર્ગ બનાવવા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી છતાં રાજ્ય સરકાર કે સરકારી તંત્ર દ્વારા માર્ગ બનાવવા માટે કોઈ જ નિર્ણય લઈ માર્ગ બનાવવા કે મરામત કરવામાં આવેલ નથી.

વાંકાનેર તાલુકાના સુપ્રસિદ્ધ સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવ મંદિર , જગવિખ્યાત ખોડીયાર માતાજીનું મંદિર માટેલ , તરણેતર , રફાળેશ્વર સહિતના વિખ્યાત દેવમંદિરોમાં દર્શન કરવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી દર્શનાર્થીઓને આ ઉબડખાબડ રસ્તાઓ પરથી પસાર થવું ફરજિયાત બને છે જે તંત્ર સાથે વાંકાનેર શહેરની ઈજ્જત બાબતે ચર્ચાનો વિષય બન્યો છે.

રિપેરિંગ ન થાય તો લોકો આંદોલન છેડવાના મૂડમાં
આ માર્ગ પરથી જ શાળા કોલેજ જવાનું હોય તેમજ સ્થાનિકોએ તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાજકોટ જવા આ માર્ગ પરથી પસાર થતાં લોકોએ અનેકાએક વેદનાઓ સહન કરવી પડે છે. પરંતુ હવે લોકો કંટાળ્યા છે અને આ તૂટેલા માર્ગનું નવીનીકરણ તાત્કાલિક કરવામા નહિ આવે તો લોકો આંદોલન છેડવાના મૂડમાં આવી ગયા છે. જોવું રહ્યું કે તંત્ર લોકોની મુશ્કેલી દૂર કરવા આગળ આવે છે કે કેમ બાકી નાછૂટકે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. સૌજન્ય: દિવ્ય ભાસ્કર