તમને ખબર પણ નહીં હોય અને જીએસટી નંબર પરથી બારોબાર ઉધારી થઇ જશે: ઉઘરાણી તમારી પાસે થશે
વાંકાનેર: કાયદેસરના વેચાણ માટે સરકારનાં જીએસટી નંબર મેળવીને વેપાર કરતા ઘણા વેપારીઓના જીએસટી નંબર નાખીને વેપારીઓ પાસેથી બાકીમાં માલ ખરીદીને રોકડામાં બીજાને વેચી નાખે છે. જ્યારે બાકીમાં માલ આપનાર વેપારી આવા જીએસટી નંબર વાપરતા મૂળ વેપારી પાસે આવીને ઉધાર આપેલ માલના નાણાંની ઉઘરાણી કરે છે ત્યારે જ તે વેપારીને ખ્યાલ આવે છે કે તેની સાથે કોઈ છેતરપિંડી કરી ગયેલ છે. આવી જ એક ઘટના મોરબીમાં બનેલ છે જેમાં નાણાંની કડકાઇથી ઉઘરાણી કરતા હોવાથી છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીએ બે મોબાઈલ નંબર સાથે છેતરપિંડી કરતા ફ્રોડ માણસ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને ફરિયાદ લેવા માટેની માંગ કરી છે…
વધુમાં મળી રહેલા માહિતી મુજબ મોરબી લાલપર ગામ નજીક શિવ સીરામીક નામની પેઢી ધરાવતાં ગણેશ પરસોતમ કાસુન્દ્રાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે તેમાં જણાવ્યુ છે કે, શિવ સિરામિક નામની પેઢી તે ચલાવે છે અને તેના જીએસટી નંબરથી તેઓ ટાઇલ્સ નો લે-વેચ નો વેપાર કરે છે. ત્યારે મોબાઈલ નંબર ૯૯૯૮૪૫૩૩૩૪ અને ૬૩૬૩૧૮૭૬૦૧ નો ઉપયોગ કરતા કોઈ સુમિત પટેલ નામના શખ્સે શિવ સીરામીક નામની પેઢીનો માલ ખરીદીને તેની રીતે ગ્રાહકોને વેચી નાખેલ છે. જો કે, બાકીમાં માલ લેનારા શખ્સે હાલમાં અરજી કરનારની ઓફિસનું સરનામું અને તેના જીએસટી નંબર લખાવે છે…
જેથી કરીને ગણેશ પરસોતમ કાસુન્દ્રાની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે. અને તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેના જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવેલ છે. અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી કરીને સુમિત પટેલ નામના જે શખ્સે જીએસટી નંબરનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે…