સંસદ સભ્યોને અર્પણ
બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી.ના અંતરનો નિયમ છતાંય વઘાસીયા ખાતે ટોલ પ્લાઝા કેમ?
નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોવું જોઈએ
…તો વાંકાનેરવાસીઓના હજારો રૂપિયા બચશે
વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ પાસે 406.98 કરોડમાં બનેલું હાલમાં કેન્દ્ર સરકારનું ટોલ પ્લાઝા આવેલ છે. સરેરાશ અહીંથી 23681 વાહનો પસાર થાય છે https://tis.nhai.gov.in/TollInformation?TollPlazaID=140 આવતા-જતા વાહનો પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. ટોલટેક્સ અંગેનો નિયમ એવો છે કે બે ટોલ પ્લાઝા વચ્ચે ઓછામાં ઓછું 60 કી.મી. નું અંતર હોવું જોઈએ. વાંકાનેર તાલુકામાં જ હાલમાં બે ટોલ પ્લાઝા છે. એક જ તાલુકામાં બે ટોલ પ્લાઝાનું હોવું, કદાચ ભારતભરમાં વાંકાનેર તાલુકામાં જ હશે. બીજું ટોલ પ્લાઝા ઠીકરીયાળા પાસે છે. ઠીકરીયાળા અને વઘાસીયા ટોલ પ્લાઝા વચ્ચે 31.5 કિ.મિ. નું એટલે કે 60 કી.મી. થી ઓછું અંતર છે. સવાલ એ છે કે તો આમ છતાં વઘાસીયા પાસે ટોલ પ્લાઝા શા માટે?
ઠીકરીયાળા ટોલ પ્લાઝાથી મોરબીનુ અંતર 56.6 કી.મી. છે. નિયમ મુજબ વઘાસિયાને બદલે મોરબીથી 3 કી.મી. દૂર માળિયા મિયાણા રોડ પર હોય તો જ બે ટોલ પ્લાઝા વચ્ચે 60 કી.મી. ના નિયમનું પાલન થયું ગણાય. જો આમ હોય- થાય તો વાંકાનેરથી જિલ્લા મથક મોરબી જવા માટે કોઈ ટોલ ટેક્સ ભરવો પડે નહીં.
હાઈવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના નિયમ મુજબ જો તમારું ઘર કોઈ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના વર્તુળમાં હોય તો તમને નેશનલ હાઇવે પર ચાલતા સંબંધિત ટોલપ્લાજા પર વારંવાર ટોલ ટેક્સ આપવાની જરૂર નથી. નિયમોમાં 20 કી.મી.ની અંદર ઘર હોય તો 300 રૂપિયા અને 10 કી.મી. હોય તો 150 રૂપિયા મહિને ફાસ્ટ ટેગ બની શકે છે. તે પછી દર વખતે તે ટોલપ્લાજા પર ટેક્સ ચુકવણી વગર નીકળી શકો છો. આટલા રૂપિયા ભર્યે મહિનામાં એક વાર ભરીને અનલિમિટેડ ટ્રીપ કરી શકો છો. આ પ્રાવધાનને લોકલ ઇનેબલ કહેવાય છે. https://www.patrika.com/lucknow-news/no-toll-tax-need-in-20-km-area-of-toll-plaza-7412378/
વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે ટેક્સ વસુલવાની અવધિ ક્યાં સુધીની છે અને અહીં ટેક્સ વસુલવાની ક્યારે શરૂઆત થઇ, એ જાણવા માટે રિપ્રેઝેટિવ ઓફ કન્સલ્ટન્ટ શ્રી રાજેશ ઓઝા ((85279 88669) નો સંપર્ક કરવા ફોન કરતા ઉપાડ્યો નહોતો. ટોલ પ્લાઝા પર અમુક અવધિ સુધી જ ટેક્સ ઉઘરાવવાનો હોય છે. કદાચ વઘાસીયા ટોલ પ્લાઝા માટે આ અવધિ 20 વર્ષ છે. હકીકતમાં તો જયારે વઘાસીયા ટોલ પ્લાઝાનું નિર્માણ કરવાનું નક્કી થયું, ત્યારે જ આ મુદ્દે રજુઆત – લડાઈ કરવાની જરૂર હતી. લોકો અને નેતાઓની અનદેખીના કારણે આ ટોલ પ્લાઝાથી સ્થાપનાથી અત્યાર સુધીમાં મોરબી આવતા- જતા વાંકાનેરવાસીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલાઈ ચુક્યા હશે.
આ મુદ્દે સ્થાનિક સંસદ સભ્યોએ ઊંડા ઉતરી અભ્યાસ કરી; ઉચ્ચ સ્તરે રજુઆત કરી કાયમી ધોરણે વઘાસીયાના બદલે મોરબીથી ઉપર માળીયા મિયાણા તરફ ટોલ પ્લાઝા ખસેડાય, તેવા પરિણામદાયી ફળ મળે, એવા પ્રયત્નો કરવા જોઈએ. સદનસીબે વાંકાનેર તાલુકાને બબ્બે સાંસદ મળ્યા છે. શ્રી મોહનભાઇ કુંડારીયા અને શ્રી કેસરીદેવસિંહ આ બાબતે કંઈક કરશે, એવી લોકઅપેક્ષા છે. જો આ બને તો પ્રજાની મોટી સેવા કરી લેખાશે.