ટંકારા: તાલુકાના ટોળ ગામે રહેતી મહિલાએ તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારી ઢીકાપાટુનો માર મારીને ત્રાસ આપવામાં આવતો હોવાની તેમજ તેના દિયર દ્વારા ધોકા વડે માર મારીને હાથમાં ફ્રેક્ચર કરવામાં આવ્યું હોવાની મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે…
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા હફિશાબેન જાવેદભાઈ શેરસીયા (32)એ તેના પતિ જાવેદભાઈ આહમદ શેરશીયા, સસરા આહમદ અલીભાઇ શેરશીયા, સાસુ રોશનબેન આહમદ શેરશીયા, જેઠ અલ્તાફ આહમદ શેરશીયા અને દિયર લતીફ આહમદ શેરશીયાની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લગ્નના એક વર્ષ બાદ
તેને તેના પતિ, સાસુ, સસરા, જેઠ અને દિયર દ્વારા અવારનવાર ઘર કામ અને ખેતી કામ બાબતે બોલોચલી કરીને ઢીકાપાટુનો માર મારવામાં આવતો હતો અને ગાળો આપીને એકબીજાને ચડામણી કરીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેમજ ફરિયાદીના દિયર લતીફ દ્વારા તેને લાકડાના ધોકા વડે ડાબા હાથમાં ચારથી પાંચ જેટલા ઘા મારવામાં આવ્યા હતા જેથી તેને ફ્રેક્ચર જેવી ઈજા હતી અને મહિલાએ સારવાર લીધા બાદ હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓ સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે…