કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું.

વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ (અલગોલતર, જોગરાણા) ના પચાસ જેટલા ઘર છે. ગામની અડોઅડ એક તળાવ અને તળાવપાળ પર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. રાજાશાહી વખતમાં આ મંદિર કાચું ગારા-પાણાનું હતું, કાછીયાગાળામાં ભરવાડ સમાજના અલગોલતર કુટુંબનો એક ભુવો મઢમાં રોજ સવાર-સાંજ દિવા-અગરબત્તી-ધૂપેલિયા કરે, નથુ એનું નામ. ભરવાડનો આ દીકરો નથુ અલગોતર માતાજીને બહુ માને.એમાં એક વરહ માઠું આવ્યું, મેહુલિયાના ધોરી મહિના કોરા ગયા, અષાઢ જેવા અષાઢ મૈનામાં પણ એક ફોરું ન પડયું. ઈ વખતે વાંકાનેરના રાજા પશુઓ માટે ચારો લઇ માલધારીઓને મદદે નીકળ્યા. ખડ લઇ કાછીયાગાળા આવ્યા, પાધરમાં ખડના ગાડા છૂટેલા છે અને કાછીયાગાળાના ખેડુ- માલધારીઓ લાઈનમાં આવી ખડ લેતા જાય છે, રાજા ઉભા ઉભા ખડની વહેંચણી થતી જોઈ રહ્યા છે, એમાં એની નજર ખડ લેનારાની લાઇનને બદલે એકકોર છેટે ઉભેલા આ નથુ ભરવાડ પર પડી, ખંભે લોબળી (ધાબળી) નાખી ઉભેલા આ ભુવાને જોઈ રાજાએ પડખેના માણસને પૂછ્યું: એ કોણ છે?
પરિચય જાણી રાજાએ નથુ ભરવાડને પાંહે બોલાવી પૂછ્યું: “તમે ભુવા છો, તમે અને તમારા માતાજી જો સાચા હોવ તો માતાજીને પૂછો કે વરસાદ કેમ થતો નથી? કે દી’ આવશે?”રાજાનો બોલવાનો ટોન નથુ ભરવાડને ગમ્યો નહીં, મશ્કરી થતી લાગી, ધ્રુજવા લાગ્યો, જમણા હાથની આંગળી લાંબી કરી કીધું કે:  “દરબાર ! આજનો દી જવા દ્યો, કાલ સૂરજ આથમે એ પહેલા વાંકાનેરની ધરતી પાણીથી તરબોળ હશે…તો માનજો કે નથુ અલગોતરની ખોડિયાર બોલી’તી”
રાજાને નવાઈ લાગી, આકાશમાં કોઈ વાદળું નથી, વરસાદ આવે એવા કોઈ એંધાણ નથી, અષાઢ, શ્રાવણ ગયો અને ભાદરવો પણ પૂરો થવામાં છે, અને આ ભુવો કાલ વરસાદ આવવાની વાત કરે છે ! “અને જો કાલ વરસાદ ન આવે તો?”
“આવે અને આવે જ !”
“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું.
ખડ વિતરણ પૂરું થયું. સૌ વિખેરાઈ ગયા. રાજા વાંકાનેર પરત ફર્યા. નથુ ભગત મઢે પહોંચ્યા. માતાજીના પગમાં પડી અરજ કરી ‘જો જોગમાયા ! તારા ભરોસે આ ભરવાડના દીકરાએ કાલ વરસાદ પડવાની વાત કરી દીધી છે, કાલ મારી અને તારી પરીક્ષા છે, દુનિયામાં વાતું તારી થશે, તારી આબરૂ જાશે, લાજ રાખજે ખોડિયાર !’બીજે દી’ કૂણા બપોર થયા, બપોર થયો, રોંઢો થયો… ક્યાંય ન તો વાદળ દેખયા કે ન તો ટીપું વરસાદ પડયો. લોકોને થયું: નથુ ભરવાડના ભાગ્યમાં કાળકોટડી લખી છે…
લોકો આવું વિચારે છે કે ઓતરાદી દિશામાંથી વાદળા ઉમટી પડયા, ધરતીને વ્હાલ કરવા મેઘો આવી પૂગ્યો. વોંકળા છલકાયા, મચ્છુ નદીમાં બે કાંઠે નીર વહેવા લાગ્યા….
રાજા વાંકાનેરથી કાછીયાગાળા આવી નથુ ભગતને મળ્યા, માતાજીને પગે પડી માફી માંગી. “આજથી માતાજીના થડે જે દિવા થાય છે, એનું તેલ વાંકાનેર રાજ તરફથી અપાશે..”
આ ઘટના બની ત્યારે તો મંદિર કાચું ને નાનું હતું, આજે શ્રદ્ધાળુઓએ પાકું અને મોટું બનાવ્યું છે. આજે પણ અહીં થતા દીવાનું તેલ વાંકાનેર સ્ટેટ તરફથી પૂરું પાડવામાં આવે છે !

(નોંધ: ઘટનાના પ્રસંગ અંગે યુ-ટ્યૂબમાં સાંભળેલું, જે પેઈજ અત્રે ઉપલબ્ધ નથી. દેવાયત ખવડે આ પ્રસંગ વર્ણવેલો છે, એ સિવાય અમારી પાસે કોઈ આધાર નથી. પ્રસંગ કેટલા વર્ષ પહેલા બનેલો એની સાલ પણ મળેલ નથી. સાંભળેલી વાત છે. અત્રે તો કાછીયાગાળાના અલગોતર (નાના ભરવાડ) ના કેટલાક કુટુંબો રાજકોટ અને અન્ય ગામે રહેવા જતા રહ્યા છે. અહીં (મોટા ભરવાડ) ગમારા કુટુંબનું પણ એક ઘર છે. અમારો હેતુ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો નથી –નઝરૂદીન બાદી)

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!