કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામનો ઇતિહાસ

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે

ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું

કુંવર ભગવાનજીએ જુનાગઢના નવાબની મદદમાં યુધ્ધ કરતા જાલણસરના પાદરમાં કામ આવ્યા, જેથી જુનાગઢ નવાબે સેમરાજી જાડેજાને ૩ ગામ ઇનામમાં આપેલા

વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે
હાલા (સંધી)ના છ કુટુંબ સાથે બિલ।લશ।હ બાપુ પાકિસ્તાનથી આવેલા, રાજપૂત સમાજના એક દીકરીની વેલ માટે રસ્તામાં પાણી ખૂટી પડતા બિલાલશાહ બાપુએ વિરડો ગાળતા પાણી મળતા આશ્ચર્ય થયેલ, એમનો મઝાર શરીફ કોટડામાં છે

અત્યારે વાંકાનેર તાલુકામાં રહેલું કોટડા નાયાણી રાજ-રજવાડાના સમયમાં વાંકાનેર રાજના તાબે નહોતું, પણ ધોળરાજ હેઠળ હતું. ધ્રોળના ઠાકોર જેસંગજી ઉર્ફે દાદાભાઇને ખીરસરા કબજે કરવામાં ખૂબ મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં ઇનામમાં આપેલું, તેના તાબામાં દહીંસરા, મોડપર અને મેટોડા તો હતા જ, ચોથું ગામ કોટડા નાયાણી આવ્યું. કોટડાને વાંકાનેર, રાજકોટ અને મોરબી એમ ત્રણ રાજની હદ અડતી. 
ગજણજીને ત્રણ દીકરા હતા. જેમાંથી ત્રણેયને કોટડામાં ભાગ આપેલો. મોટા દીકરા ખાનજીને આ ગામમાં ચોથા ભાગની જમીન, બીજા નંબરના રાગમલજીને પાંચમો ભાગ અને સૌથી નાના સેમરાજને મળેલો ભાગ તેમણે રાજીખુશીથી જતો કરેલો, કારણ કે સેમરાજીના કુંવર ભગવાનજીએ જુનાગઢના નવાબની મદદમાં યુધ્ધ કરતા જાલણસરના પાદરમાં કામ આવ્યા, જેથી જુનાગઢના નવાબે સેમરાજીને ૩ ગામ ઇનામમાં આપેલા, જેથી કોટડાનો ભાગ જતો કર્યો. તેમના વંશ જ હાલ ભાખ (ઉપલેટા પાસે) રહે છે.  આમ કોટડા ગજણજીના બે દીકરાના તાબામાં રહ્યું, જેમાંથી મોટા દીકરા ખાનજીએ કોટડામાં વસવાટ કરવા આવ્યા. બીજા દીકરા રણમલજી દરબારગઢમાં રહેણાંક કરવા મકાનનું ચણતર કામ કરતા અને જયારે તેમને ભાગમાં મળેલા મોડપરમાં જવાનું થતું તો થયેલું ચણતર કામ પાડી નાખતા. ભાયુ ભાયુના ઝઘડામાં મોટા દીકરાએ કોટડાના ત્યારના માથાભારે એક સંધી (કાતીયાર) અને બીજા ભરવાડ (ભાણાભાઇ રાતડીયા)નો સાથ લીધેલો, પણ બીજા દીકરાએ તે બેયને મારી નાખી કોટડામાં વસવાટ કરેલો. હાલ તે બેય માથાભારે માણસો પૈકી ભરવાડની ખાંભી કોટડામાં જ હીરાભાઇ કુંભારના ફળિયામાં અને સંધીની ખાંભી આંકડિયાના સિમાડે છે. 
કોટડાના તાલુકદારો ગાયકવાડ અને જુનાગઢ રાજને કર ભરતા. ત્યારે જે રાજ્યોનો તાબો સ્વિકારવો હોય, તે સ્વિકારી શકાતો. સીધું એજન્સીમાં ભળવું હોય તો તેની પણ છૂટ હતી. કોટડાએ અંગ્રેજ એજન્સીનો તાબો સ્વિકારેલો.  કોટડામાં ગીરાસદારો બે હોવાથી બે દરબારગઢ બાંધવામાં આવેલા. એક દરબારગઢના બે કોઠાના અવશેષો હાલ છે. અહીં અઢારે આલમની વસ્તી હતી, મોટા ભાગે દરબારો અને લેઉવા પટેલની વસ્તી છે. સને ૧૮૯૧માં પ્રાથમિક શાળા શરૂ થયેલી, આથી શિક્ષણનું પ્રમાણ સારૂં છે.  
ધાર્મિક સ્થળોઃ-  વાંકાનેર હજુર કોર્ટ સને ૧૮૭૬ની નોંધ પ્રમાણે શાહબાવા અને તેના શિષ્યો મોતીશા, સાધુ વનમાળીદાસ અને હરપાળગર અતીત વાંકાનેરના જુના ગઢીયામાં ડુંગરની તળેટીમાં શાહનો વડ કહેવાય છે, ત્યાં મુકામ કર્યો હતો. શાહબાવાને અરણીટીબા અને વનમાળીદાસને ખીજડીયામાં; સ્થાપક સરતાનજીએ ગરાસ આપેલો, પણ દરજનપુરી ગોસાઇ કયાં ગયા, તેનો ઉલ્લેખ મળતો નથી. તેઓ કોટડા આવ્યા હોવા જોઇએ. ગજણજીના કોટડામાં આવ્યા પહેલાનો અહીં મઠ હોવાનું મનાય છે. આ મઠને ૪ સાંતીની જમીન પણ અર્પણ કરાઇ હતી. ગામમાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો છે. અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે, જે જુના ગામના ઝાંપે ડેમી નદીના કાંઠે આવેલું છે. સને ૧૯૨૦માં પ્રખ્યાત સંત શ્રી રણછોડદાસજી બાપુએ મીતાણાવાળા શાસ્ત્રી વૃજલાલ અદા પાસેથી અહીં જનોઇ લીધેલી. આ મંદિરના પાછળના ભાગે બળદેવપરીનું સમાધિસ્થાન છે. તેમના બાદ શ્યામગીરી નામે આવેલા પુજારી પર ચારિત્રય હિનતાના આક્ષેપ થતા અને તેમને માઠું લાગતા પૌરૂષત્વ મીટાવી દઇ ગામ છોડી ચાલ્યા ગયેલા. બીજું જૂનું શિવાલય જુના ગામથી થોડે દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં નદીકાંઠે સ્મશાનની બાજુમાં છે, આ શિવાલયની જમણી બાજુ પાળિયાની હાર છે, આ પાળિયા કોના છે, તેનો કોઇ ઉલ્લેખ મળતો નથી.  અહીં આવેલી મઢીમાં હનુમાનજી અનેં રણછોડદાસજી બાપુના શિખરબંધ મંદિરો જોડાજોડ આવેલા છે. આ મંદિરની બાજુમાં જાડેજા ગોવુભા વેરાભાઇએ મંદિરને દાન આપેલ છે. જાડેજા ધર્મેન્દ્રસિંહે તેમના પિતાશ્રી સ્વ. ભગવતસિંહ તખતસિંહના સ્મરાણાર્થે ચબૂતરો બનાવી આપેલ છે. ઇ.સ.૧૯૬૧માં રાજપૂત સમાજે શ્રી આશાપુરા માતાજીની વિધિવત મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરેલ, જે મંદિરની પુનઃપ્રતિષ્ઠાવિધિ તાઃ૨૦-૨-૧૯૯૭ ના યોજવામાં આવેલ. ગામના રામામંડળ દ્વારા જુના રામદેવજી મંદિરને મોટુ બનાવી તા: ૨૦-૪-૨૦૦૮ના પ્રાણપ્રતિષ્ઠા મૂર્તિઓની કરવામાં આવેલ. આ સંકુલનું પ્રવેશદ્વાર જાડેજા ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહે તેમના ધર્મપત્નિ સ્વ. ધર્મિષ્ઠાબાની સ્મૃતિમાં બનાવેલ છે. રાજેન્દ્રસિંહ જનકસિંહ જાડેજાની સ્મૃતિમાં ચબૂતરો બનાવેલ છે. તેમ જ જાડેજા ઘનશ્યામસિંહ અમરસિંહ તરફથી ઝાડના ઓટા બંધાવી આપેલ છે.  અહીં બિલાલશાહ બાપુની દરગાહ છે. ઇસ્લામ ધર્મમાં ફકીરીના ચાર પંથ છે. (૧) શાહમદાર (૨) રફાઇ (૩) બાનવા અને (૪) સોહરવર્દી. બિલાલશાહ બાપુ રફાઇ ખાનદાનમાંથી છે. એમના દાદા હઝરત અબુલ હસન રોઝાશા હાલ પાકિસ્તાન હૈદ્રાબાદ ચોક કિલ્લામાં મઝાર છે. આપ એ વખતે ઘાસના કુબામાં રહેતા, એ કુબો હજુ એ સ્થિતિમાં જ જોવા મળે છે. બિલાલશાહ બાપુ સિંધ પાકિસ્તાન હૈદ્રાબાદથી સને ૧૮૫૭થી પહેલા કોટડામાં આવેલા. તેમની સાથે બીજા ત્રણ સંતો સૈયદ પીર આહમદશાહ બાપુ ખોરાણામાં (મઝાર શરીફ: પરાપીપળીયા જામનગર રાજકોટ રોડ), સૈયદ કબીર મોહમ્મદ ડાડા જીવાપરમાં (મઝાર પણ ટંકારા પાસે જીવાપર) અને સૈયદ શાહમીયાં બાપુ ગવરીદડમાં (મઝાર પણ ગવરીદડ મોરબી રોડ) આવેલા છે. ઉપરાંત ઇતિહાસ મુજબ તેમની સાથે હાલા કુટુંબના ૬ ભાઇઓ પણ આવેલા, જે હાલ સૌરાષ્ટ્રમાં દલપોત્રા નાત તરીકે ઓળખાય છે. બિલ।લશ।હ બાપુની રહેણીકરણી, સંસ્કાર, દરેક સાથે સદભાવપૂર્ણ વર્તન અને બંદગી જેવા ઉચ્ચ સદગુણોના કારણે રાજપૂત સમાજ સહિત બધા સમાજમાં આદરપૂર્વક માન મરતબો મેળવેલો. એ જમાનામાં વાહનો હતા નહિં, ત્યારે રાજપૂત સમાજના એક દીકરી પિયર રોકાયા બાદ સાસરે જાવાના સમયે વેલમાં બિલાલશાહ બાપુને મોકલવાનું નકકી થયું. રસ્તામાં પાણી ખૂટી પડતા વોંકળામાં વિરડો ગાળી પાણી મળવું અશકય હોવા છતાં ખુદા પર એતબાર રાખી બિલાલશાહ બાપુએ વિરડો ગાળતા પાણી મળતા આશ્ચર્ય થયેલ. આ પછી કોટડા રાજપૂત સમાજે આ બાપુ પાસે સેવા નહિં કરાવવાનો નિર્ણય કરાયો હતો. બિલાલશાહ બાપુનો જુના ગામમાં છીલ્લો છે અને કબ્રસ્તાનમાં મઝાર શરીફ  છે.

સુરાપુરા: ગજણજીના ત્રીજા દીકરા સેમરાજીને મળેલ ગામ, મેટોડામાં કબરજીની ખાંભી છે, જે ગજણજીના બીજા દીકરા રણમલજીના બીજા નંબરના દીકરા છે. ક્યા બનાવમાં કેવી રીતે કોના સામેના ધીંગાણામાં કામ આવેલા, તેની કોઈ નોંધ મળતી નથી. વાંકાનેર તાબાના તીથવા ગામની વીડીમાં અને વડસર પાસેના ડુંગરની ધાર ઉપર સુરાપુરા હાલાજી તથા સુરાજીની ખાંભીઓ છે. હાલાજી એ, દહીંસરા ભાગીદાર ખાનજીના મોટા દીકરા નાયાજીના દીકરા તથા સુરાજી એ, ખાનજીના બીજા દીકરા રાજમલજીના દીકરા હતા.
સાંભળેલી વાત મુજબ જત લોકો કોટડાનું ધણ હાંકી જતા હાલાજી, સુરાજી તથા અન્ય સાથીદારો ધણ પાછું વાળવા ઘોડે ચડેલા. એમ કહેવાય છે કે ધણ પાછું વાળી પાછા ફરતા વડસરની આ ધારની ગાળીમાં કસુંબો પીવા રોકાયા. બેધ્યાન રહેલા દગાથી આ તમામ લોકો કામ આવેલા. બાજુના રાજાને જત લોકોને આશીર્વાદ હતા. આ એક કાવતરું હતું, એમ પણ કહેવાય છે. જૂની કલાવડી ગામના પાદરમાં કદાચ આ ધીંગાણામાં ઘવાયા હોય, અને ઘાયલ અવસ્થામાં ઘોડા ઉપર પાછા ફરતા અહીં અંતિમ શ્વાસ લીધા હોય, બીજી કોઈ ઘટના પણ હોઈ શકે. જૂની કલાવડીમાં પણ ક્ષત્રિયો રહે છે. વડસર પાસેની વીડીમાં કુલ તેર ખાંભિયો છે. અગાઉ કોટડાના રજપૂત સમાજના વરઘોડિયાની છેડાછેડી અહીં છૂટતી. હાલ કાળી ચૌદશના દિવસે દાદાને કસુંબો પાવા કોટડાના ક્ષત્રિય સમાજના ઘણા લોકો જાય છે અને ખાંભી દીઠ એક; એમ તેર નાળિયેર વધેરે છે. વિ .સં . 1804 માં વસંતરાય પૂરબિયાએ જૂનાગઢ રાજનો અમુક હિસ્સો દબાવેલો, જે પાછો અપાવવામાં ગોંડલના ઠાકોર હાલાજી અને કુમાર કુંભાજીએ નવાબને ઘણો સાથ આપેલો. તેમાં ગજણજીનાં ત્રીજા નંબરના દીકરા સુમરાજી અને તેમના કુમાર ડોસાજી સાથે હતા. આ ધીંગાણામાં સુમરાજી અને ડોસાજી બન્ને બાપ દીકરા કામ આવી ગયેલા. તેથી જૂનાગઢના નવાબે તેમના માથા માટે તેમના વારસદારોને ભાખ (તા: ઉપલેટા) અને અરણી એમ બે ગામ આપેલા અને તેણે ગોંડલનો તાબો સ્વિકારેલો. આ બન્ને બાપ- દીકરાની ખાંભી જૂનાગઢથી 5 કિ .મી. દૂર ગિરનાર તળેટીમાં સાબલપુર ગામ પાસે આવેલી છે. તેમનો પરિવાર કાળી ચૌદશના દિવસે કસુંબો પાવા જાય છે. દીકરાના લગ્ન બાદ છેડાછેડી છોડવા જાય છે. એકમ પહેલા ભૂપત બહારવટિયો કોટડામાં અવારનવાર આવતો. વાંકાનેર તાલુકામાં જાડેજા કુટુંબનો બે ગામમાં વસવાટ છે. (1) પીપળીયા અગાભી (2) કોટડા નાયાણી. આ બે ગામ પૈકી કોટડામાં જાડેજા કુટુંબના ઝાઝા ઘર રહે છે.

સાંભળ્યું છે કે ધ્રોલના રાજકવિએ ધ્રોલ ગામના ૪૨ ગામ ભાયાતોના ગામની લાક્ષણીકતા અંગે કવિતા બનાવેલી,  તેમણે કોટડા વિષે લખેલુ કે ‘જમણ લાફસી – ચુરમાના લાડુ જમવા કોટડા ગામ જાવું.’ એનો અર્થ એ થાય કે કોટડાની મહેમાનગતી માણવા જેવી અને રોટલો મોટો હતો. જાડેજા વંશના ખાનજીના મોટા દીકરા નાયાજીના નામ ઉપરથી કોટડા નાયાણી કહેવાયું. કોટડામાં અમુક વ્યક્તિ વિશેષનો ઉલ્લેખ કરવો જરૂરી છે.
(1) અજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા:- અજીતસિંહ પ્રભાતસિંહ જાડેજા ‘જાડેજા રાજવંશ અને કોટડા નાયાણી’ નામનુ સંશોધિત પુસ્તકના લેખક છે, અમે આ લેખમાં મોટો ભાગ એમના પુસ્તકમાંથી સાભાર લીધેલ છે. તેઓએ સાત ધોરણ સુધીનો અભ્યાસ કોટડામાં લઇ 1965 માં વાંકાનેર અમરસિંહજી હાઈસ્કુલમાં મેટ્રિક પાસ કરેલ. 1968 માં ગોંડલ પીટીસી કરીને પોતાના ગામ કોટડામાં જ શિક્ષક તરીકે જોઈન્ટ થયેલા. પોતાના સર્વિસકાળમાં વચ્ચે 10 માસ વાંકાનેરના પંચાસર ગામે વિતાવેલા, બાકી કોટડામાં જ 2001 માં નિવૃત્ત થયેલા. એમને ઇતિહાસમાં પહેલેથી જ રસ હતો. જાડેજા કૂળ વિષેની ઘણી માહિતી હતી. આજના યુવાનોને વાંચવાનો બહુ સમય ન મળે, તો શા માટે નાનું એક પુસ્તક પોતાના ગામ વિષે ન લખવું, એમ માનીને કોટડા નાયાણી વિષે બહુ સરસ પુસ્તક લખેલ છે. એમના આ પ્રયાસની જેટલી પ્રશંષા કરીયે એટલી ઓછી છે. વાંકાનેર તાલુકાના એકેય ગામ વિષે આવું પુસ્તક પ્રગટ થયાનું અમારી જાણમાં નથી. એમણે પોતાના વતનનું ઋણ અદા કર્યું છે, કારણ કે ઐતિહાસિક વાતો લખવી સહેલી નથી. ઘણા પુસ્તકો, સંદર્ભો લેવા પડે. ઘણી જાણકાર વ્યક્તિઓને મળવું પડે. માહિતી એકઠી કરવી પડે. આ કામ બહુ અઘરું છે. ભાવિ પેઢી માટે આ પુસ્તક નવલું નઝરાણું છે. (2) શ્રી જાડેજા વિક્રમસિંહજી માનસિંહજી :- સાફો અને પાઘડી બાંધવાની ક્લાના નિષ્ણાંત, જેમણે ગુજરાત અને ગુજરાત બહારના રાજા મહારાજાઓ તથા મુખ્યમંત્રી શ્રી, પ્રધાનો તથા અન્ય મહાનુભાવોને પોતાના હાથે સાફા અને પાઘડી બાંધેલ છે. તેમજ રાજા મહારાજાઓના લગ્ન પ્રસંગેએ સાફા, પાઘડીઓ બાંધેલ છે. સાફો અને પાઘડી બાંધવાની તેઓની કલાના કારણે તેઓનું અને તેમના વતન કોટડાનું નામ સર્વત્ર પ્રખ્યાત થયુ છે.
(3) શ્રી પાટડીયા હસમુખકુમાર પ્રભુદાસભાઇ સોની :- આકાશવાણી અમદાવાદના મ્યુઝીક કમ્પોઝર (સંગીતકાર) એ ગ્રેડ, ઓલ ઇન્ડીયા રેડીયો અમદાવાદ આકાશવાણીના માન્ય ગાયક, આકાશવાણી સુગમ સંગીતના ‘બી+’ ગ્રેડના ગાયક, પંકજ ઉધાસ અને શેખાદમ અબુવાલા ટ્રોફી વિજેતા, ગુજરાત રાજય યુવક મહોત્સવ ગુજરાતી સુગમ સંગીતના વિજેતા, સને-૨૦૦૧ ના ગુજરાતી ફિલ્મના શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ (ફિલ્મ – ભાઇની બહેન લાડકી) સ્વામીનારાયણ સંપ્રદાયના ભક્તિગીતોની ૩૫૦ જેટલી સી.ડી.ના ગાયક, વિદેશમાં (અમેરીકા, ઇન્ગ્લાન્ડ, આફ્રિકા) પંદરવાર સંગીતના કાર્યક્રમ આપ્યા છે.
પોતાની જે જે ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરેલ છે, તેઓના નામો જોઇએ તો… (4) રાજકીય ક્ષેત્રે:- (1) સ્વ.શ્રી ભારતસિંહજી ફતેસિંહજી જાડેજા:- પુર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, વાંકાનેર તાલુકા (2) શ્રી ધનશ્યામસિંહજી અમરસિંહજી જાડેજા:- પુર્વ સદસ્ય, તાલુકા પંચાયત, વાંકાનેર તાલુકા. (3) શ્રી સજજનસિંહજી સુરસિંહજી જાડેજા:- પુર્વપ્રમુખ, જમીન વિકાસ બેંક, વાંકાનેર. (4) દશરથસિંહ સજજનસિંહજી જાડેજા:- પુર્વપ્રમુખ, જમીન વિકાસ બેંક, વાંકાનેર.
(5) સામાજીક ક્ષેત્રે:- (1) શ્રી રણજીતસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા:- પૂર્વ પ્રમુખ કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજ ગાંધીનગર; સ્થાપક પ્રમુખ શ્રી દીપસિંહજી રાજપૂત છાત્રાલય; ભૂતપૂર્વ પ્રમુખ વિદ્યાર્થી મંડળ, ધ્રોળ. (2) શ્રી મહેન્દ્રસિંહજી માનસિંહજી જાડેજા:- પુર્વ પ્રમુખ, પુર્વ પ્રમુખ, શ્રી રાજપુત સેવા સમાજ, જુનાગઢ; ટ્રસ્ટી રાજપુત સેવા સમાજ, જુનાગઢ. (3) સ્વ.શ્રી મહેન્દ્રસિંહજી જનકસિંહજી જાડેજા:- પુર્વ પ્રમુખ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. (4)શ્રી દિલીપસિંહજી ઘનશ્યામસિંહજી જાડેજા:- પ્રમુખ, શ્રી રાજપુત સેવા સમાજ, કોટડા નાયાણી. (5) શ્રી ધર્મેન્દ્રસિંહજી ભગવતસિંહજી જાડેજા:- ઉપપ્રમુખ, પ્રમુખ, શ્રી રાજપુત સેવા સમાજ, કોટડા નાયાણી. (6) શ્રી શક્તિસિંહજી કિરીટસિંહજી જાડેજા:- પ્રમુખ, શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપુત યુવા સમાજ; મંત્રી, શ્રી મહારાજા ભોજરાજજી રાજપુત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ, ગોંડલ; ઉપપ્રમુખ, શ્રી રાજપુત ફ્રેન્ડસ કલબ, ગોંડલ; સંગઠન મંત્રી, શ્રી કચ્છ કાઠીયાવાડ ગરાસીયા એસોશીયેશન, રાજકોટ; ચેરમેન, શ્રી અમર પ્રભાત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ. (શક્તિસિંહજીએ વાંકાનેરના લોકો માટે એમ્બ્યુલન્સ ભેટ આપી છે, જેનું સંચાલન ગાયત્રી મંદિર દ્વારા થઇ રહ્યું છે)
(6) કોટડાના અન્ય લોકો: (1) રૂડાભાઈ મનજીભાઇ લીંબાસીયા:- રાજકોટ સ્વતંત્ર સંગ્રામમાં ભાગ લીધેલો. સ્વાતંત્રીય સેનાની હતા. (2) વલ્લભદાસ પ્રભાશંકર ત્રિવેદી:- ડીઝલ એન્જિનના કારીગર હતા, એકલા એન્જિન ઊંચકી લેતા, એટલા જોરૂકા હતા. જડેશ્વર મંદિરમાં સેવા આપેલી. (3) ઇકબાલ દાઉદભાઈ એરંડિયા:- ઐતિહાસિક અને મહેસુલી સારું એવું જ્ઞાન છે. જર્નાલીઝમમાં માસ્ટર ડિગ્રી ધરાવે છે.

– નઝરુદીન બાદી

ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે – નઝરૂદીન બાદી.

 

 

Content Copying Forbidden !!

error: Content is protected !!