એ જમાનામાં ફટાયાને ના પાડવા સવા ગજની છાતી જોઈએ
“નસીબ થોડા વેચી ખાધા છે? દાંત દેનાર દાંતનો ચારો દઈ રહેશે…”
આ તો વાંકાનેરના રાજા રાજ બનેસિંહજી હતા
શેખરડીની દશ સાંતી અને ગારિયાની દશ સાંતીની જમીન કાપી આજનું કાનપર 145 વરસ પહેલા વસાવ્યું
વાંકાનેરની ગાદીએ યુવરાજ જશવંતસિંહજી હતા અને એમના છ બીજા ભાઈઓ પૈકી દાનસીંહજીને ખીજડીયા અને વણજારાને ભાગમાં આપેલું, જો કે યુવરાજ જશવંતસિંહજીનો કુંવરપદે જ સ્વર્ગવાસ થતા પછી રાજ બનેસિંહજી (સન 1842 થી 1881) ગાદીએ આવેલ હતા, ત્યારની આ વાત છે….
વાંકાનેર તાલુકાના ખીજડિયામાં સારો વરસાદ પડયો. વાવણી એટલે ખેડૂતો માટે એક-એક મિનિટ કિંમતી હોય છે, આખા વરસનો આધાર વાવણી ઉપર હોય છે, વાવણીનો સમો ચુકે તો ખેડૂત વરસ હારે, ત્યારે ખીજડિયામાં રહેતા શેરસીયા (નારેદાવાળા) કુટુંબના એક ખેડૂતે વાવણીની તૈયારી આદરી, હૈયાત રેમાન એનું નામ, દંતાર અને ઓઈણી તૈયાર કરી બળધિયાને લાડવા ખવડાવી સીંગડામાં ઘી લગાવી ખેતરે વાવણી માટે હાંક્યા, બપોરે બળધિયાને ખવડાવવા દાદીએ બનાવેલી ઘુઘરી બોધેણામાં ભરી, સાથે વાવણીયા ભરી દેવા દીકરા જલાલને પણ લીધો, પગમાં હામ અને હૈયે ઉમંગ સાથે સાંતી હંકારતા હજી તો બાપ-દીકરો આઘેરાક ગયા ત્યાં સામેથી આવતા ગામના ફટાયા દાનસીંહજીએ હાથ ઊંચો કરી રોક્યા. દાનસીંહજીના ઘરે મહેમાન આવેલા “હૈયાત ! મારા મહેમાનને ગાડામાં સિંધાવદર મૂકવા જવાનું છે, વાવણી પછી કરજે અને મહેમાનને સિંધાવદર મૂકી આવ”
આ સાંભળી જાણે શીરો ખાતા-ખાતા આવેલો કાંકરો હૈયાતદાદાએ અનુભવ્યો, “પણ બાપુ ! વાવણીનો ટાઈમ, આવા મોંઘા સમયમાં મારે ખોટી થાવું કેમ પોષાય?”
એ જમાનામાં ફટાયાને ના પાડવા સવા ગજની છાતી જોઈએ. દરબારે પોતાના ખેડૂતના આવા જવાબની આશા રાખી નહોતી, “મારે કાઈ સાંભળવું નથી, સાંતી પાછું વાર અને ગાડું જોડી મેમાનને સિંધાવદર મૂકી આવ, વાવણીમાં થોડું મોડું થાય તો કાંઈ ખાટામોરું નહીં થઇ જાય”
“મારાથી એ નૈ થાય” હૈયાતદાદાએ ચોખ્ખી ના પાડી
“તો ભરો તમારા લબાચા”
“મંજુર !” અને હૈયાતદાદાએ સાંતી પાછું વાર્યું. દરબારને એમ કે આમ કહીશ તો ખેડૂત હા પડશે, પણ આ તો હૈયાતદાદા ! કોઈનો તુંકારો ખમે ઈ બીજા. બપોરે ભાતમાં બાપ-દીકરાને આજ તો રીંગણાંનો ઓળો ખડાવવાનું વિચારતા દાદીએ ઘડીકમાં સાંતી પાછું લઈને પોતાના ધણીને આવતા જોઈ પૂછ્યું: “શું થયુ? કાંઈ ભૂલી ગયા??” હૈયાતદાદાએ વિગતે વાત કરી, દાદી બોલ્યા: “કાંઈ વાંધો નહીં, હું તમારી હારે છું”
બીજે દી’ વહેલી સવારે ઘરવખરી ભરી, દૂઝણા ઢોરા ગાડા પાછળ બાંધી વાવણી સમયે ખીજડીયા મૂકી વણજારા તરફ હાલી નીકળ્યા, ઉપર આભ- નીચે ધરતી, સહેલું તો નહોતું, પણ ભારે મહેનતે હૈયાને મનાવ્યું. જે ખેતરે એને વાવણી કરવાની હતી, માર્ગ કાંઠે આવ્યું, રાસ ખેંચ્યા વગર કાયમ ખેતરની દિશામાં વળવા ટેવાયેલા બળદ ખેતર તરફ વળ્યાં, રાસ ખેંચી બળદને રોક્યા. દાદા ગાડેથી નીચે ઉતરી ખેતરમાં ગયા, ચારેય શેઢાને નજર ભરી નીરખ્યા પછી મનોમન બબડયા- ‘આ રાફડો: હું પાણીની ભાંભલી એની ઉપર રાખતો – ઓલો બાવળ: એના નીચે બપોરા કરતો, ઓ ! એક વખતના મારા ખેતર !! આ આપણી છેલ્લી મુલાકાત’ જાણે ખેતર કોઈ સજીવ હોય ! ચપટી ધૂળ હાથમાં લીધી- માયા જો બાંધણી’તી- ગાડું હંકાર્યું, જલાલ નાનો- કાઈ ઝાઝી સમઝ નહીં “આપણું ખેતર” “બેટા ! હવે એ આપણું નથી” દાદા હૈયાતથી વધુ ન બોલાયું દાદીથી છુપાવવા કોશિશ તો કરી, પણ સફળ ન થયા, દાદીએ સાડલાનો છેડો લંબાવી દાદાને આંસુ લુછવા કહ્યું, “ઓછપ ન કરો, નસીબ થોડા વેચી ખાધા છે? દાંત દેનાર દાંતનો ચારો દઈ રહેશે…”
છેલ્લી વાર નીતરતી આંખે ખીજડિયાને પેટભરી જોઈ લીધું. ત્યારે ચોટીલા તાલુકાનું ઝીંઝુડા જે મોટી મોલડી પાસે આવેલું છે, જેની આજે ત્રણ હજારથી વધુ વસ્તી ધરાવતું ત્યાં મોમીન સમાજના કેટલાક કુટુંબો રહેતા હતા, આથી હૈયાતદાદાએ ઝીંઝુડા જવાનું નક્કી કરેલું. પીપરડી ગામ પણ નહોતું વસ્યું અને મચ્છુ ડેમ પણ ન્હોતો બંધાયો. સીધા હોલમઢ, મહીકા નીકળ્યા. પંથ બહુ લાંબો કાપવાનો હતો, ગારીડા રંગપરનું પાટિયુ વટ્યા, મેસરીયા વટે તે પહેલા પાછળ ડમરી ઉડાડતો કોઈ ઘોડેશ્વાર આવતો દેખાયો, ખીજડિયાનો ફટાયો હશે, હવે મનાવવા આવે છે !
નજીક આવતા ઓળખાયા: આ તો વાંકાનેરના રાજા રાજ બનેસિંહજી હતા. એમને ખબર પડી ગઈ હતી કે ખીજડીયાનો એક ખેડૂત રાજ છોડી રહ્યો છે, ગાડે આડે ઘોડો રાખી રસ્તો રોકી દીધો.”આમ રાજ ન છોડાય, વાવણીના આ દિવસોમાં ક્યાં જશો? મારા રાજમાં જ રોકાઈ જાવ”
‘પણ હવે હું ખીજડીયા તો પાછો ન જાવ”
“ચોમાસુ બેસી ગયું છે, હવે તમને જમીન કોણ વાવવા આપશે? ચાલો વિનયગઢ, આ વર્ષનો તમારો રાજભાગ માફ”
વાત તો સાચી હતી, જમીન વાવવા ભાગમાં હવે આ વરસે મળે નહીં, મનામણા પછી એક વરસ ટૂંકું કરવાને ઇરાદે દાદાએ ગાડું વિનયગઢ તરફ વાળ્યું. ત્યારે વિનયગઢમાં સિંધાવદરના અને સરધારકાના પરાસરા અને મહિકાના બાદી કુટુંબો રહેતા. બે ડેલામાંથી ખડ કાઢી હાથો-હાથ એકમાં ભર્યું, ખાલી ડેલામાં હૈયાતદાદાને રહેવા આપ્યું, ફટોફટ જારના રોટલા બનાવી જમાડ્યા, નાત ભાયું જો હતા ! બીજે દી’ રાજના માણસે આવી દાદાને જમીન વાવવા આપી, વિનયગઢમાં દંતાર હાંક્યા, પણ દળ નહીં, હળની વાત છોડો- દંતારના દાંતા પણ છીપરમા ઘસાય, નહીં મામા કરતા કાણો મામો શું ખોટો?
વિનયગઢ નપાણીયું ગામ, જમીન પણ હલકી, માંડ માંડ વર્ષ કાઢ્યું, ચોટીલામાં સુરાગ સાદુળ ખાચર કાઠી દરબારનું રાજ, રાજાને મળી જમીન નક્કી કરી, બીજે વર્ષે ઝીંઝુડા જઈ વસ્યા. પરસેવો પાડવામાં પછી પાની ન કરનારા હૈયાત દાદા ત્યાં ઠરી ઠામ થયા, ગામના પાધરમાં ફળદ્રુપ જમીન મળેલી, પાણી માટે ઓરીયો બનાવ્યો, જે ‘મોમીનનો ઓરીયો’ તરીકે આજે પણ ઓળખાય છે. ઉપજ પણ સારી મળતી, બે પાંદડે થયા- સુખી હતા
પણ એક વાતનું જબરું દુઃખ હતું, ગામથી દાદાની વાડી નજીક હોઈ ગામના કાઠી દરબારો તેમાં તેના ઘોડા છુટ્ટા મૂકી દેતા, એક દિવસ માથાકૂટ થઇ- બડાસૂટ બોલી- જબરી માથાકૂટ થઇ, હવે ઝીંઝુડામાં રહેવું જ નથી, એમ નક્કી કરી રાતોરાત વાંકાનેર આવી રાજાને મળ્યા, રાજાની ના છતાં અગાઉ વાંકાનેર રાજ છોળેલું, રિંહમાં રાજા ના પાડશે તો? પણ આ તો વાંકાનેરનો રાજા- આવકાર્યા
નવું ગામ વસાવી પાણી માટે તળાવ બાંધવા અને રક્ષણ આપવા રાજાએ બાંહેધરી આપી, ઘરવખરી લઇ શરૂઆતમાં તાબડતોબ ઝુંપડા બનાવી રહેવા લાગ્યા. શેખરડીની દશ સાંતી અને ગારિયાની દશ સાંતીની જમીન કાપી આજનું કાનપર છ પેઢી પહેલા વસાવ્યું, કાનપરમા બાદી, માથકીયા, વકાલીયા તો પાછળથી રહેવા આવ્યા, તોરણ તો લગભગ 145 વરસ પહેલા હૈયાતદાદાએ જ બાંધેલું. રાતડીયાનું તળાવ બંધાવી કાનપરની જમીન સુધી લંબાવ્યું, અલબત્ત, કાનપરની બધી જમીનમાં આ પાણી ચડયું નહીં. આમ છતાં શેરસીયા અહીં સ્થાઈ થયા. તાલુકાનું સીમાડાનું ગામ ગણાય, સરોડી (થાન) અહીંથી ત્રણેક કિલોમીટર છેટું છે
શેરસીયાના અહીં ત્રણ પાંખિયા હાલ રહે છે, મોટું પાંખ્યું ડેલી વાળાનું અને નાનું ખડકીવાળા તરીકે ઓળખાય છે, જે ખીજડીયા “સુધરેલ પટેલ” વાળા શેરસીયાનો આ ઇતિહાસ છે, બિઝનેસની માનસિકતા ધરાવતા આ શેરસીયા નાના કુટુંબના લગભગ દશેક જેટલી દુકાનો વાંકાનેરમાં ધરાવે છે, ત્રીજું પાંખ્યું અમરાપર વાળું કહેવાય છે, જે અમરાપર (ટંકારા) થી મહિકાના ભાણેજ હોવાથી મહીકા આવેલા, જ્યાં એક વરસ રહ્યા પછી કાનપરમા ફાજલ પડેલી જમીન મળતા પાંચેક પેઢીથી અહીં રહે છે ત્રણેય પાંખિયાના પેઢીનો આંબો નીચે મુજબ છે… 


ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે 
