કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાંકાનેર પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું

નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા

‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું
પંચાસિયામાં સામંતસિંહ નામના જાગીરદાર નિઃસંતાન ગુજરી ગયા. એમની જમીન વાંકાનેર સ્ટેટે ખાલસા કરી, ચંદ્રમણિને આપેલી. આ ચંદ્રમણિએ કોઠારીયા હાજીદાદાને ચાર સાંતીની જમીન વાવવા ઓફર કરી. હાજીદાદા પોતાથી મોટા મીમનજી અને નાના સાજીદાદા સાથે પંચાસિયા રહેવા આવ્યા, તે મોટાફળીવાળા અને વાવવાળા બાદી. અલીભાઈ અને વલીદાદા એક વરસ વાંહે કોઠારીયાથી પંચાસિયા રહેવા આવ્યા, તે પીપળાવાળા બાદી. આપણે અગાઉ જાણ્યું કે તીથવાથી કોઠારીયાને બદલે પીપળીયા, પાંચદ્વારકા અને પછી સૌ પહેલા પંચાસિયા રહેવા આવેલા એ પટેલવાળું પાંખિયું.  

તીથવાના નુરાદાદાને નુરા બાદી તરીકે નાત આખીનું નાનું છોકરૂં તો ઠીક, આજુબાજુના મલકમાં પણ ઓળખતું. એમનો વટ પડતો, નાના-મોટા પ્રસંગે વાંકાનેરના રાજા પણ એમને યાદ કરતા. ખાધેપીધે સુખી કુટુંબ હતું. વાંકાનેર તાલુકાના અગ્રણી માણસોમાં એમની ગણના થતી. તીથવા મેઇન બજારમાં જૂની સ્ટેટ બેન્કની સામે તેના ખોરડા હતા. નુરાબાદી સંવત ૧૯૫૫માં (અંદાજે સવાસો વરસ પહેલા) તીથવાથી કોઠારીયા રહેવા આવ્યા. 
ઘરવખરી – ઢોરઢાંખર એટલા બધા કે જાહોજલાલી જોનારા છકક થઇ ગયેલા. બીજે વર્ષે જ છપનીયો દુષ્કાળ પડ્યો. માઠા વરસના કપરા કાળમાં નુરા બાદીએ સંગ્રહ કરેલી જારની સાત કોઠીઓમાંથી કોઠારીયામાં ધર્મના ભેદભાવ વગર જાર મફતમાં વહેંચી હતી. માણસો ચપટી ધાન માટે તરસતા ત્યારે સાત કોઠીની જાર વહેંચવી નાની સુની દિલેરી નહોતી. એ જમાનામાં સાત કોઠી જાર હોવી, એ ગર્વની વાત ગણાતી. મીરૂમીંયાબાવા (રહેમતુલ્લા અલયહે)એ કોઇ પ્રસંગ અંગે નુરાદાદાને અમદાવાદ આવવા કહેણ મોકલ્યું. માઠા વરસમાં પાણી વિના મોલ સૂકાતો હતો. નુરાબાદીને કૂવો ગાળવાનો હતો. સંજોગોને આધિન અમદાવાદ આવવા થોડી મહેતલ માગી. 
દસ-બાર હાથ ઉંડા કૂવો ગાળ્યો પણ પાણી આવે નહિં, ત્યારે દસ હાથે કૂવામાં પાણી આવી જતા. પડ પણ કઠણ આવી ગયેલું, કારી છીપર સામે ઘણ-છીણા જવાબ આપી ગયેલા. એવામાં મીરૂમીંયાબાવા કોઠારીયા આવ્યા. ‘તમારે કૂવામાં પાણી જોઇએ? ચાલો, હું કહું ત્યાં ડાર કરો’. 
બધા કોઠારીયાથી ટંકારા જવાના રસ્તે જ્યાં કૂવો ગાળ્યો હતો, ત્યાં આવ્યા. કૂવા કાંઠે આવી મીરૂમીંયાબાવાએ કૂવામાં એક કાંકરી ફેંકી અને કહ્યું, ‘અહીં ડાર કરો’. 
જુવાનિયા સાંગણીથી ડાર કરવા લાગી પડયા. સાંગણીના બે ટપોરા માર્યા હશે કે પાણીની સેડ ફૂટી ! ગાળનારા બધા કૂવામાંથી બહાર નિકળ્યા. કૂવો છલોછલ ભરાયા પછી પણ પાણી ઉભરાતું હતું. કહેવાય છે કે મીરૂમીયાં બાવાએ પાણીને કહ્યું, ‘ઠહેર… ઠહેર!’. પાણી ઉભરાતું રોકાઇ ગયું. મોલને પાણી આપવાની સમસ્યા દૂર થઇ. (જયાં સુધી કલમે શરીફવાળા પાસે આ વાડી રહી, ત્યાં સુધી કૂવામાં પાણી ખૂટયું નહોતું. આજે પણ તે ‘નુરા બાદીની સાણ’ તરીકે ઓળખાય છે). 
એક વરસ શેરડી વાવી. વાડ ભૈળવાવાનું ચાલુ કર્યું. સગા-સઇ વાડ ભૈળવા મદદે આવેલા. કામ કરવા અલગ અલગ ટીમો બનાવાઇ. શેરડી રસ ગરમ કરવાની કડાઇઓ મૂકાઇ. ચીચોડે બળધીયા જોડયા. ચીચોડાની લાકડાની વચ્ચેની વાટ (મોટું જાડુ ગોળાકાર લાકડું) ભાંગી ગયું. બાવળનું જાડું થડ ગોતી ટોળના સુતારની કોયડે જઇ બીજી વાટ તાબડતોબ બનારાવી. 
પરવાહ (શેરડીનો એક મફતમાં અપાતો સાંઠા) લીધા વિના એકેય ટાબરીયું પાછું ન જાય, તેવી ભલામણ કરીને ફરી બળધીયા જોડયા. સાવ પાતળો સાંઠો નાખી ટ્રાય કરી તોય વાટ ભાંગી. બળધીયા એક આંટો ફરે- નો ફરે, ત્યાં વાટ ભાંગી જાય. ગીત ગાતી બાયુ ભાત દેવા આવી. વાડ ભૈળવા મદદે આવેલા બધાને જમાડી દાદા વિચારે ચડયા. ‘મારી કંઇક ભૂલ થાતી લાગે છે’. લોબાન કર્યું. ચીચોડા ફરતે ચાર આંટા ફરી લોબાન દીધું. પીર ઓલિયાનો ફાતિયો કર્યો, આ વખતે તો વાટ નહિં જ ભાંગે, એવા ભરોસે ગોળ ખવડાવી મીઠા મોઢા કરેલા બળધીયાને ફરી જોડયા તો ય વાટ ભાંગી. 
મુંઝાયેલા દાદા થાકી-હારી ઘરે આવ્યા. નાથી મોટીમાંને આવી બધી વાત કરી. ‘અમ્મા, કાંઇક નડતર લાગે છે. ખબર નથી પડતી હવે શું કરવું!?’ 
નાથી મોટીમાંને એકાએક સૂઝયું. બોલ્યા. ‘તારી એક ફઇ હતા, નામ એનું કરીમા (કમી) હતું, જે મંદબુધ્ધિના હતા. લગ્ન કર્યા વગર રમઝાન મૈનામાં ગુજરી ગયેલા. એના નમતના બે સાંઠા કાપી ગરીબ-ગુરબાને આપી દે. કદાચ વાટ ભાંગતી અટકી જાય!’. 
દાદા પાછા વાડીએ આવી, કહ્યા પ્રમાણે કર્યું. ચીચોડે બળધ જોડી ભેયળવાનું ચાલુ કર્યું. વાટ નો ભાંગી. એક હારે જાડાજાડા ચાર ચાર સાંઠા ઓરવા છતાંયે વાટ નો ભાંગી અને વાડ ભૈયળાઇ ગયો. ગોળનો ઉતારો પણ સારો આવ્યો. દાદા રાજી રાજી થઇ ગયા. 
કમીફઇ રમજાન માસના ચોથા ચાંદે ગુઝરી ગયેલા. એમની દફનવિધિ તીથવા કબ્રસ્તાનમાં નાના ઝાંપે આથમણી દિશામાં છે. આજે પણ રમઝાનના હિસાબે રમઝાનમાં નહિં, પણ દર શાબાન મહિનાના ચોથા ચાંદે કમીફઇના કુટુંબીજનો તીથવા, પંચાસિયા અને વઘાસીયાના બાદી ત્યાં ભેગા થઇ ફઇનો ફાતિયો કરે છે. આ કુટુંબો ત્યારથી પોતાની દીકરીનું નામ કમી (કરીમા) પાડતું નથી. શેરડીનો વાડ ભેયળવાનું ચાલુ કરતા પહેલા બે સાંઠા કમીફઇના નામે દાન કરવામાં આવે છે.  
કમીફઇ મંદબુદ્ધિના હતા. એકવાર ભાદરવા મહિનાનો તાપ તપતો હતો. કામની સીઝન, કોઈ ઘરે નહીં, કમીફઇને શું સૂઝ્યું કે ઘરમાં રહેલા ઘીના બોધેણા ઠલવી ઠલવી ભોંયતળિયે ગાર કરવા મંડ્યા. રમઝાન મહિનો અને પોતે રોઝાતાં. હાંફી ગયા, તરસ ખૂબ લાગી, મંદબુદ્ધિના પણ એટલી ખબર કે રોઝુ રાખી પાણી પિવાય નહીં, બેશુદ્ધ થઇ ગયા પણ પાણીનો ઘૂંટડો પીધો નહીં, બેશુદ્ધિમાં જ રૂહ કબ્જે થઇ ગઈ.   
નુરાદાદા ગામ-ગમતરે જાય તો મોટાભાગે રાત રોકાતા નહિં. મોડી રાતે પણ ઘરે પાછા આવી જાય. એક દિવસ ઘોડી લઇને તીથવા કામસર ગયા. કહુલે રાત રોકાવું પડયું. વહેલી સવારે કોઠારીયા આવ્યા. બહારગામથી આવે એટલે સૌ પહેલા પોતાના માલઢોર પાસે જઇ જોવે કે ગમાણમાં નીણ છે કે નહિં, ઢોર માથે હાથ ફેરવે, એવી એની ટેવ. 
કોઠારીયા ફળીયામાં બાંધલા માલ-ઢોર પાસે ગયા. જોવે છે બે ભુરિયા બળધીયા નહિં. માંને વાત કરી. આજુબાજુ તપાસ કરી. મોં સૂઝણું થઇ ગયેલું. સગડ જોયા, ટોળ બાજુ પગેરૂ મળ્યું, પણ પછી કઠણ ધાયળીમાં પગલાના નિશાન કળી ન શકાયા. નકકી થઇ ગયું, બળધ ચોરાણા છે. 

પોતાનો માલ ચોરાયાની હીણપત અનુભવતા મારતી ઘોડીએ તીથવા લાલશાપીરની દરગાહે આવી દુઆ માંગી. ‘અરે, જલાલી પીર! તમારા ગામમાં હું રાતવાસો કરૂં અને મારા બળદ ચોરાય? આતો ખોટું ક્હેવાય ! મારે પાછા જોઇએ!!’ 
‘ઘોડીનું ચોકઠું તાણવાનું નહિં. ઘોડી જયાં જાય ત્યાં જવા દેવાની, બળધીયાના ચોર મળી જશે”, અંતરના ઉંડાણમાંથી એવું નુરાદાદાને લાગ્યું. 
ઘોડી પર દાદા સવાર થયા. ઘોડી હાલતા હાલતા જુનાગઢ બાજુ ગઇ. જુનાગઢ બે ગઉ જેટલું છેટું હતું ત્યાં પોતાના બળધીયા હારે જતા ચોરને જોયા. બળધીયા ફળીયામાં પોતાની પાસે જ બંધાતી ઘોડીને અને માલિકને ઓળખી ગયા. મુંગા આ જનાવરો, બળધીયા અને ઘોડી વચ્ચે ભાઇબંધી બંધાઇ ગયેલી. ઘડીયે ઘડીયે બળધીયા પાછું વળીને ઘોડીને અને પોતાના માલિકને કાન ઊંચા કરી જોવે. ઘોડી રોકાય તો બળધીયા પણ રોકાઇ જાય. ચોર ડફણા મારે તો યે જયાં સુધી ઘોડી નો હાલે ત્યાં સુધી બળધીયા ડગે નહિં.  
બુધ્ધિ વાપરી દાદાએ ચોરને કહ્યું, ‘હું ઘોડી આગળ કરૂં છું, તમે બળધીયા વાંહું વાંહેં હાંકો..’ લાંબો પલો કાપી થાકેલા ચોરોએ એક સારો ઉપાય સમજી હા પાડી. દાદાએ ઘોડી આગળ કરી અને વાંહે વાંહે બળધીયા હાલવા માંડયા. જુનાગઢ આવ્યું. કિલ્લાના ચોકીદારે રોકયા. દાદાએ ચોકીદારને સાથે રહેલા માણસો બળધીયાના ચોર હોવાની વાત કરી. ચોકીદારે બધાને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું. જુનાગઢની બજારમાં દાદા ઘોડી ઉપર અને વાંહેં બળધીયા, નવાબના દરબારે પહોંચ્યા. ચોકીદારે બીજા ચોકીદારને ગેટ પર બળધીયા સાચવવા જણાવ્યું, પણ બળધીયા તો ઘોડી વાંહે ને વાંહે ઠેઠ દરબારમાં નવાબ પાસે પહોંચ્યા. બળધીયા હારે જોઇ નવાબે બીજા અરજદારો કરતા પહેલો વારો નુરાદાદાની અરજનો લીધો.
નવાબે નુરાદાદા અને ચોરોની ચંડાળ ચોકડીની બધી દલીલો સાંભળી. નવાબ પણ મૂંઝાયા. આખરે નક્કી થયું કે બળદને છૂટા મૂકવા, જો નુરાદાદા તરફ બળદ જાય તો એના અને ચોર તરફ જાય તો બળદની માલિકી એની સમજવી. 
બળધીયા છૂટા મૂકાયા. મૂંગા જનાવરમાં પણ શાન અને માયા હોય છે. બળદિયા તેના ખરા માલિક એટલે કે નુરાદાદા પાસે આવીને ઉભા રહી ગયા. નવાબે ચોરને ફટકાર્યા અને બળધીયા દાદાને સોંપી જૂનાગઢનો સિમાડો વટાડી દેવા ચોકીદારને હુકમ કર્યો. 
કોઠારીયા આવ્યા તો એકલપંડે ચોર પાસેથી બળધીયાને પાછા લઇ આવનાર દાદાના ગામ આખે વખાણ કર્યા. દાદીએ હર્ષના આંસુ પાડતા બળધીયાને બાજરા-બંટીનું ખાણ આપ્યું. નુરાદાદાએ પછીથી લાલશાપીરની દરગાહ ફરતી એ જમાનામાં વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા. 
એક વાર કોઠારીયાની મસ્જીદ માટે જોડિયા કાટવરણ લેવા ગાડું લઇને દીકરા હાજી સાથે નુરાદાદા ગયા. કાટવરણ પસંદ કરી ભાવ નકકી કરી ગાડામાં ભર્યું. નુરાદાદાએ દીકરા હાજીને બીલ ચૂકવવા જણાવ્યું. દીકરો બોલ્યો ‘પૈસા તમે હારે નથી લીધા? મને એમ કે તમે લીધા છે. મેં તો લીધા જ નથી’. 
બાપને એમ કે દીકરાએ પૈસા લીધા છે અને દીકરાને એમ કે બાપે પૈસા લીધા છે. આ સગબગમાં પૈસા વગર જ જોડિયા પહોંચી ગયેલા. લાતીનો શેઠ આ બધું સાંભળે. ‘…તો વરણ હેઠું ઉતારી નાખીએ, કાંઇ પૈસા વગર થોડું લઇ જવાય’. બાપ-દીકરો ગાડું ઠલવવા માંડયા. 
શેઠે રોકયા. ‘તમે કોઠારીયાના હો તો નુરા બાદીને તો ઓળખતા જ હશો…’ 
‘અરે, એ હું પોતે જ નુરો બાદી!’. પોતાની શાખ ઠેઠ જોડિયા સુધી પહોંચી, જાણી નવાઇ લાગી. 
‘તમતમારે લઇ જાવ. પૈસા પછી દઇ જાજો. મારગમાં પૈસાની જરૂર હોય તો બીજા હું આપું”. દાદાએ ખૂબ ના પાડી છતાંયે શેઠે પાંચ રૂપિયા પરાણે નુરાદાદાના ગીંજામાં નાખી દીધા ! (એ જમાનામાં એક આનામાં પેટભર લોકો જમી લેતા) બાપ-દીકરો વરણ લઇને કોઠારીયા આવ્યા. બીજે દિ’ દાદા ઘોડી લઇને જોડિયા જઇ પૈસા આપી આવ્યા.
આગળ વાત વધારીએ તે પહેલા એક આડી પણ જરૂરી વાત જણાવી દઈએ. નુરાદાદાના બાપુનું નામ અભરામ દાદા હતું. નુરાદાદાને કુલ પાંચ દીકરા,  (૧) મીમનજી (ર) હાજી (૩) અલીભાઇ (૪) વલી અને (૫) સૌથી નાના સાજી. 
પંચાસિયામાં બાદી કુટુંબના કુલ ચાર પાંખિયા ગણી શકાય, એમાંથી મોટા ફળીવાળાની છાપથી ઓળખાય છે, તે હાજીદાદાનો વંશજ છે. બેતાલીસ જેટલા આ ઘર મોટા ભાગે ખારીના પ્લોટમાં રહે છે, એની પેઢીના દાદાને મોટું ફળી હતું. એમની સાથે જ કોઠારીયાથી રહેવા આવ્યા, તે વાવવાળા બાદીના પાંખીયાના નવ જેટલા ઘર છે. પંચાસિયાની વાવવાળી જમીન એમના દાદા વાવતા. તે પણ  નુરા બાદીનો જ વંશજ છે. કોઠારીયાથી એક વર્ષ પાછળથી રહેવા આવ્યા એ કુટુંબ પીપળાવાળા બાદી તરીકે ઓળખાય છે, તે મેઈન બજારમાં રહેતા અને તેના ફળીમાં પીપળો હતો. એના હાલમાં બારેક ઘર છે. એમના કુટુંબના મીમનજીદાદાને જેમની જમીન વાવતા એ દરબાર સાથે વાંધો પડતા પીપળાવાળા બાદીનું ઘર વઘાસીયા રહેવા આવી ગયું, એમની અત્યારે ચોથી પેઢી ચાલી રહી છે.   
ઉપરના ત્રણેય બાદીના પાંખિયા પંચાસિયામાં રહેવા આવ્યા તે પહેલા પાંચદ્વારકાથી એક પાંખિયું સીધું જ પંચાસિયામાં રહેવા આવી ગયેલું, એ પાંખીયાને પટેલવાળા તરીકે હાલમાં ઓળખાય છે. એમના દાદાએ જ પંચાસિયામાં સૌ પહેલો પગ મુકેલો. બીજા બાદી તો કોઠારીયાથી પછી રહેવા આવેલા. ત્યારે પંચાસિયામાં પટેલ, વાણીયા, સંધી રહેતા. એમના દાદાને રાજ તરફથી પટલાઈ મળેલી. પટેલવાળું પાંખિયું મોમીન પટેલ પ્લોટમાં રહે છે અને તેમના એકવીસ જેટલા ઘર છે. નાત લેવલે પટેલવાળા પાંખિયામાં પંચાસિયા ઉપરાંત પાંચદ્વારકા, જાલી, હસનપર, ભલગામ, રસીકગઢ, કેરાળા અને સિંધાવદરના બાદી આવે છે. આ બધા વરસમાં ઇદેમિલાદના મહિનામાં ત્રીજે ચાંદે ભેગા મળી પીપળીયારાજ મુકામે કબ્રસ્તાનમાં આરામ ફરમાવતા સાજીદાદાની કબ્રે નિયાઝ બનાવે છે. 
કોઠારીયામાં રહેતા નુરાદાદાના બીજા નંબરના હાજી દાદા બહુ જોરૂકા અને પહાડી જણ હતા. પૂરા છ ફૂટ ઉંચા – બજારમાં હાલે તો ખોરડાના નળિયા પણ ખખડે એવા- પાછા જેવા પહાડી એવા જ હિંમ્મતવાળા. એના જાડા બાવળા જોઇને જ એનો પંગો લેવાનું કોઇ હામી નહોતું ભરતું. ઘોડી પર જ જતા અને કાયમ ત્રણ હથિયાર સાથે રાખતા. બંદૂક, તલવાર અને જતેડો (એક પ્રકારની ગોફણ) 

એમાં એક દિ વાડીએ ઘોડી લઇને એકલપંડે આંટો મારવા ગયા. વાડીએ જોવે છે કે બે જણા શેરડી કાપી ભારો બાંધે છે. હાજીદાદાએ પડકાર્યા. ભારાને તલવાર મ્યાન બહાર કાઢીને એક ઘા માર્યો તો ભારાના કટકા થઇ ગયા, પણ આની અસર શેરડી કાપનારા પર કાંઈ ન થઇ. દાદા શેરડી ન ચોરવા દેવા મકકમ અને લુંટારા શેરડી લઇ જવા મકકમ. ‘રહેવા દો, એક ઘા પડશે ને, તો એકેય પાણી પણ તેં માંગો’ કહી દાદાએ જતેડો કાઢી સવાશેરનો પાણો ચડાવી સામે ઉભેલા બાવળના થડમાં ઘા કર્યો. પાણો ખાડો પાડી થડમાં ચોટી ગયો. બાવળ હલબલી ગયો. 
આ જોઇને અત્યાર સુધી અદ્રશ્ય રહેલો વડીલ જેવો લાગતો એક દાઢીધારી શાબાશી દેતો આગળ આવ્યો. ‘શાબાશ, અમારે તમારી શેરડી નથી લુંટવી. તારા જેવા બળુકા સાથે દુશ્મની નો હોય, ભાઇબંધી કરાય ! આજથી તું મારો ભાઇબંધ, હાથ મિલાવ..!!’ 
દાદાએ સાવધાની રાખતા હાથ મિલાવવાની ઓફર સ્વિકારી. ‘હું નુરા બાદીનો દીકરો હાજી ! પણ ભાઇબંધ એનું નામ કાં છુપાવે?’  
‘મારૂં નામ વાલો નામોરી’. તે એક હાથે ઠૂંઠો હતો. માળિયાનો મીંયાણો વાલા નામોરીએ ત્યારે બહારવટુ ખેડેલુ. હવે ભાઈબંધીની વાત હતી. દાદાએ બે સાંઠા દીધા. ‘કોઠારીયામાં લુંટવા જેવું કોનું ખોરડું?’ વાલા નામોરીએ પુછ્યું. ‘ભાઇબંધનું ગામ ભાંગવાની વાત કરો છો?’ 
વાલાએ દાંત કાઢ્યા, ‘હાલો ભેરૂ, ભાઇબંધનું ગામ નો ભંગાય!’. 
‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ભાગી ગયા. કોઠારીયા ભાંગતું બચી ગયું. 
કોઠારીયાથી ત્રણેય ભાઈ પંચાસિયામાં આજે ‘બાદીવાળું ફળી’ તરીકે ઓળખાય છે ત્યાં રહેતા. ઠાઠમાઠ રજવાડા જેવો. ફળીના પ્રવેશદ્વારે ડેલી રાખતા, જેમાં બે બાજુ ઓટા અને ઓટા ઉપર લાકડાની બેસવા માટે ‘પાટ’ રાખતા. મોટી ઉંમરના નિવૃત ગૈઢાઓ ત્યાં બેસતા અને વાતો કરતા. હાજીદાદાની હાક એવી હતી કે કોઇ લફંગા આ ડેલીમાં પગ મૂકવાની હિંમ્મત કરે જ નહિં, જેને કામ હોય તે ડેલીએ ઉભા રહે, અને ત્યાં જ કામ આટોપી ઘરભેગો થાય, એવી સિસ્ટમ હતી. 
પંચાસિયાના સિમાડાના દૂરના ખેતરોમાં બાજુના ગામના માથાભારે તત્વોની રંઝાડ બહુ- ધોળા દિ એ ઢુંમ્મર કપાસના કાલા ચોરી જાય. આવા ચોરને હાજીદાદાએ પરચો બતાવી સીધાદાર કરેલા. ચોરટાઓની સરખી રીતની સર્વિસ કરી અધમુવા કરી મોરબી રાજની હદમાં મૂકી આવે. પછી કાં તો કાયમનું સુખ અને કાં તો ચોર મર્યા વાંકે જીવે. ચોરટાઓ ફડો ખાઈને ચાલે પણ બાદીવારાના ખેતરમાં વાંહા કાબરા થવાની બીકે પગ ન મૂકતા. અગાઉના જમાનામાં બીજા રાજમાં રાજાથી પણ કાંઇ થઇ શકતું નહિં. 
પંચાસિયામાં એક વાવ, (આજે પણ અંશતઃ છે. જે ચારસોથી વધુ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. યુનિવર્સીટીના જુના પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે) આ વાવ વિસ્તાર અગાઉ એટલો ઉંડો હતી કે ઉભેલા સાંઢિયા પણ દેખાય નહિં. વાંકાનેર રાજના સિમાડાનું ગામ, એટલે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં ઘડીકમાં પહોંચવાની તેમને સગવડતા રહેતી. પંચાસિયામાં બાદી રહેવા નહોતા આવ્યા ત્યારે માળિયાના મોવર અટકનો બહારવટિયો કોઈ એક ગામની વાવમાં પાણી ભરવા આવતી બાયુના ઘરેણા લુંટેલા, એવું વાંચવામાં આવેલ છે, તે સંભવતઃ પંચાસિયા હોઈ શકે. 
પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટી કે ધાતુના વાસણો નિકળે છે, હાડપિંજરોના અવશેષો પણ નિકળે છે. આથી અનુમાન લગાવાય છે કે આજનું  પંચાસિયું કોઈ જુના ગામ ઉપર વસ્યું છે. જમાના પહેલાની અહીંની વસાહત સંશોધનનો વિષય છે.  
વાલા નામોરીએ પંચાસિયા ભાંગવાને ઇરાદે ગોઝારી નદીમાં પડાવ નાખેલો, પણ પછી ખબરી મારફતે ખબર પડી કે કોઠારીયા મુકામે બનાવેલો ભાઇબંધ હાજી બાદી આ ગામમાં રહેવા આવ્યો છે, એટલે પંચાશિયાને બદલે લાકડધાર ભાંગેલું. એ જમાનામાં લાકડધારનો એક વાણંદ બહુ શાહુકાર હતો, તેનું એક ઘર લુંટેલું. 
હાજીદાદાના દીકરા જીવાદાદા પણ બહુ જોરૂકા હતા. પંચાસિયામાં ત્યારે કેહુભા અને નટુભાનો જમાનો. એક વાર બગીમાં બેસી દિપડાને મારવા બંદૂકથી ભડાકો કર્યો, પણ નિશાન ચૂકાઇ ગયું. દિપડો ખારો થયો. બગી ઉપર તરાપ મારવા પાછો ફર્યો, પણ ત્યાં હાજર રહેલા જીવાદાદાએ દિપડાના માથામાં કુંડિયાળી લાકડીનો એક ઘા માર્યો અને દિપડાનું માથું ફાડી નાખેલું. નસીબજોગે ઘા બરાબર દીપડાના કપાળમાં લાગેલો, ત્યારથી જીવાદાદા પ્રત્યે દરબારનું મન બહુ વધી ગયેલું. કહે છે કે જીવાદાદા સામે એકીટસે કોઈ જોઈ શકતું નહીં, એટલો એમનો તાપ હતો. 
માળિયાના મિંયાણા દાણચોરી કરતી વખતે પંચાસિયાની વાવ વિસ્તારમાં રાતવાસો કરતા. જીવાદાદાના નાનાભાઇ એટલે કે હાજીદાદાના નાના દીકરા મીરાંજીદાદાને આ મિંયાણા દાણચોરીની સિગારેટોના ખોખા પણ આપતા, એવું સાંભળવા મળ્યું છે.  
નુરાદાદાની દફનવિધિ કોઠારીયાની કબ્રસ્તાનમાં અને હાજીદાદાની પંચાસિયા કબ્રસ્તાનમાં થયેલી છે. અત્યારે વિક્રમ સંવંત 2080 ચાલે છે, સંવંત 1870માં તીથવાથી બાદી, કડીવાર અને ભોરણીયા કુટુંબ પીપળિયારાજ રહેવા ગયેલા. 1882માં પીપળિયારાજથી બાદી કુટુંબ પરાસરા કુટુંબ સાથે પાંચદ્વારકા રહેવા ગયેલું, એવી નોંધ મળે છે . સાજીદાદાની વફાત પાંચદ્વારકામાં અને દફનવિધિ પીપળિયારાજમાં થયેલી. પછી કાળક્રમે બાદીના આ વેલાનો વંશવેલો પાંચદ્વારકા ઉપરાંત, પંચાશિયા, કણકોટ, દેવરી, ટોળ અમરાપર, કોઠારીયા, વઘાસીયા, જાલી, હસનપર, ભલગામ, રસીકગઢ, કેરાળા, સિંધાવદર… ગામોમાં આજે વસે છે. ઇદેમિલાદ મહિનાના બીજા ચાંદે પીપળિયારાજ ગામમાં સાજીદાદાની કબરે વરસો પહેલા આ બધા વેલાના બાદી નિયાઝ કરતા હતા, સમય જતાં અમુક ગામના બાદીએ જવાનું બંધ કર્યું. અમારી પાસે કોઈ લેખિત આધાર નથી, આ ઇતિહાસ સાંભળેલી વાતો આધારિત છે – નઝરૂદીન બાદી.
માહિતીસ્રોતઃ હુસેનભાઇ બાદી (પંચાસિયા)

ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે – નઝરૂદીન બાદી.

Content Copying Forbidden !!

error: Content is protected !!