પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા
સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી
ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી
મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ ફાતિયો દીધો
પીપળીયારાજમાં શેરસીયા કુટુંબના પેળાદાદા રહે. આજથી લગભગ બસ્સો વર્ષ પહેલા મૂળ પીપળીયારાજના અને હાલમાં સિંધાવદરમાં રહેતા શેરસીયા કુટુંબના સાતમી પેઢી પહેલાંના દાદા એટલે પેળાદાદા, એમની આ વાત છે. પેળાદાદા અને મરિયમ દાદીનો સંસારસુખેથી ચાલતો. ખાધેપીધે સુખી. પીપળીયારાજના શેરસીયા કુટુંબના આ માવતરે હજ પઢવા જવાની કુટુંબીજનો સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી. કુટુંબે આ માટે હિંમત આપી. એ જમાનામાં આગબોટમાં જોડીયા બંદરથી હજ પઢવા જવું પડતું. ત્યારે હજ પઢવા જવું એ બહુ મોટી વાત ગણાતી. આજુબાજુના વિસ્તારમાં અને તાલુકાભરમાં આની ચર્ચા થતી. હાજી લોકો છ મહિને માંડ ઘરે આવતા. જમીન રાજાની ગણાતી અને વાવવા માટે રાજાને રાજભાગ આપવાનો રહેતો હતો. પેળાદાદાએ તેના બન્ને દીકરા મોટા અભરામ અને નાના મીમને જરૂરી બધી વિગતે સલાહ-ભલામણ કરી. ખેતીકામની અને ઢોરઢાંખરની નાની-મોટી બધી વાત યાદ કરી-કરીને સમજાવી. રસ્તામાં જરૂર પડે, એવો બધો સર-સમાન કાળજીપૂર્વક સાથે લીધો. સગાવ્હાલા અને ગામ આખાએ દાદા-દાદીને પૂરા માન સાથે વિદાય આપી. દીકરા અને ભત્રીજા ગાડાંમાં જોડિયા મૂકી ગયા. ત્યાંથી આગબોટમાં બેસી મક્કા પહોંચ્યા.
હજના અરકાન પૂરા થયા. મોમીન સમાજમાં હાજી બનવાનું બસ્સો વર્ષ પહેલા બહુમાન મેળવી લીધું. પણ ખુદાને કંઈક ઓર જ મંજુર હતું, દાદા પાક જમીન પર જન્નતનશીન થઇ ગયા. પરદેશની ધરતી, બાઈ માણસ અને તે ય એકલા, પોતાના ભરથારને ગુમાવ્યાનો ગમ… વતન કેવી રીતે પાછું ફરવું? દૂખના ડુંગર તળે દબાયેલા દાદી ગુમસૂમ બેઠા બેઠા મક્કાશરીફમાં દુવા માંગી રહ્યા છે. બોર બોર જેવડા આંસુ સાડલાથી લૂછતાં જાય છે. કચ્છના બાદ્શાહમિયાંના દાદા સદરૂદીન બાવા પણ ત્યારે હજ પઢવા ગયેલા, હાજીયાણીની આંખોમાંથી દડ દડ આંસુ ટપકતા જોયા. હાજીયાણીના કપડાં અને દેખાવ ગુજરાતના હોવાનું પારખી ગયા. પોતાની ઓળખાણ આપી પૂછ્યું, “અમે કચ્છના છીએ તમે ક્યાંના છો? અને કેમ રોવો છો?
ગુજરાતી બોલી સાંભળીને દાદીને સારું લાગ્યું, “વાંકાનેરના પીપરીયાના…” અને પછી હાજીયાણીએ પેળાદાદા અલ્લાહને પ્યારા થઈ ગયાની અને પોતે હવે એકલા વતનમાં કેમ જાશે, તેવી પોતાની વ્યથા કહી સંભળાવી.
સદરૂદીન બાવાએ આશ્વાસનના બે શબ્દો કહી હિમ્મત આપી. “તમે ફિકર કરો માં, જોડિયા બંદર અમે તમને પહોંચાડી દઈશું”
હાજીયાણી કચ્છના હાજીઓ સાથે જોડિયા પહોંચ્યા, વિદાય વેળાએ પોતાને વતનમાં પહોંચાડનાર સદરૂદીન બાવાને એક વાર પીપળીયા પોતાના ગામ પધારવા હાજીયાણીએ આમંત્રણ આપ્યું. સદરૂદીન બાવાએ સ્વીકાર્યું અને બંદરેથી પોતાના વતન કચ્છ નીકળી ગયા.
હાજીયાણી હજ પઢીને આવી ગયાના વાવડ ત્યારના જમાના મુજબ વાંકાનેર અને ત્યાંથી પછી પીપળીયા પહોંચેલા. બન્યું એવું હતું કે પીપળીયાથી કડીવારના કુટુંબ સાથે હાજીયાણીના દીકરા અભરામદાદા ગવરીદડ જતા રહેલા. ત્યાં રાજકોટના રાજાએ 1 સાંતીની જમીન આપી હતી. પીપળીયાથી ભત્રીજો હાજીયાણીને લેવા ગાડું લઈને જોડિયા પહોંચ્યા. હાજીયાણીના દેરને ત્રણ દીકરા (1) અમનજી (2) જીવા અને (3) હૈયાત. આ ત્રણમાંથી સૌથી નાનો હૈયાત જોડિયા લેવા ગયો હતો.
છ મહિના જેટલો સમય વિતી ગયેલો. દુઃખ અને સુખ વહેંચવા પોતાનું કોઈક હોવાની ઝંખના કુદરતે માણસ માત્રમાં મૂકી છે. હાજીયાણી પોતાના ધણીને ગુમાવ્યાનું દુઃખ દીકરા અભરામના ખમ્ભે માથું મૂકી બાંટવા માંગતા હતા. અધીરા બની હાજીયાણીની આંખો દીકરાને ગોતવા આમ-તેમ ફરવા લાગી “મારો અભરામ ક્યાં?”
“એનું ગાડું વાંહે રહી ગયું છે, આવતો જ હશે”
“પણ એના બળદિયા તો લોંઠકા છે… પછી વાંહે કેમ રહી ગયો?”
“ગાડાનો ધરો ભાંગ્યો, લુવારની કોયળે સમો કરાવવા રોકાવવું પડ્યું”. ભત્રીજો સાચું ન બોલી શક્યો.
જોડિયાથી પીપળીયા આવતા માર્ગમાં કોઈ ગાડું છેટેથી જોઈને હાજીયાણી હરખાય કે મારા દીકરાનું ગાડું હશે, હમણાં દીકરાનું મોઢું જોવા મળશે. દીકરાના દેખાવનું વર્ણન કરી અજાણ્યા ગાડા-ધણીને વાવડ પૂછે. ભત્રીજાને રસ્તામાં દીકરો તેડવા ન આવવાનું કારણ હાજીયાણી પૂછતાં રહ્યા, ભત્રીજો કોઈને કોઈ બહાના બતાવતો રહ્યો. આમને આમ પીપળીયા આવી ગયું.
પીપળીયા ગામ આખાયે આજે અગતો પાળ્યો છે. ગામના તો ઠીક, આજુબાજુ ગામના અને સગાવ્હાલા સૌ નાના-મોટા હાજીયાણીને આવકારવા ઝાંપે ઉમટી પડ્યા છે, જાણે મેળો ભરાયો હોય એટલી પબ્લિક ભેગી થઈ ગઈ છે. નાની દીકરીઓ, વહુવરૂઓએ હાથ ચુમ્યા, મોટેરાઓએ મુબારકબાદી આપી. આ મેળામાં હાજીયાણીની આંખો દીકરા અભરામને ખોળી રહી છે, પણ એને પેટનો જણ્યો દેખાયો નહીં.
એના મનમાં ફાળ પડી, મારો અભરામ ઝાલ્યો ન રહે, કોઠીમાં પુરાયેલો મારો દીકરો મારો અવાઝ સાંભળી કોઠી તોડીને પણ બહાર આવી જાય, નક્કી કઈંક અજુગતું બની ગયું છે, આ લોકો કહેતા નથી. આવા વિચાર કરી કબ્રસ્તાનમાં એક નઝર નાખી. કદાચ મારો અભરામ આ કબ્રસ્તાનમાં પોઢી… દીકરા માટે બેબાકળા હાજીયાણી હવે ઉકળી ઉઠ્યા, “જો મારો અભરામ અલ્લાહને પ્યારો થઇ ગયો હોય તો પણ મને હવે તો વાત કરો, જો આવું જ હોય તો મારે મારા અભરામની કબરે ફાતિયો પડવા જવું છે.”
“હજી ફાતિયો પઢવાની વેળા નથી આવી” નાના દેરે હાજીયાણીને વિગતે વાત કરી ગવરીદડ ખેતી કરવા ગયાનું જણાવ્યું.
હાજીયાણી આ સાંભળી લાલઘૂમ થઇ ગયા “અરરર… આવડા મોટા પીપળીયામાં મારા એક અભરામને જ રોટલો ના મળ્યો? એને ગામ મૂકી સામે ગામ જવું પડ્યું. ગાડું રોકો” હાજીયાણી તાડૂક્યા. રાસ ખેંચાણી, વઢિયારા બળદીયાના પગ રોકાયા. “જે ગામ મારા અભરામે છોડ્યું એ ગામનું પાણી મારે અગરાજ છે”
હાજર સૌએ બહુ સમજાવ્યા પણ ન માન્યા. ગાડું હાજીયાણીને ગવરીદડ મૂકી ગયું.
અભરામદાદાને તો હાજીયાણી આવી રહ્યાના સમાચાર મળેલા જ નહીં, પછી તે અમ્માને લેવા જોડિયા કઈ રીતે જાય? માંને જોઈ તે તો ગાંડો જ થઇ ગયો. હાથ ચુમ્યા, પગ ચુમ્યા. માંએ મીઠણા લીધા. દશેય આંગળીના ટચકિયાં ફૂટ્યા, ગાલે હાથ ફેરવી પેટ ભરીને દુવા દીધી. અભરામ દાદાની ખુશીનો કોઈ પાર નહીં, હાંફળા-ફાંફળા ખાટલો ઢાળ્યો, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી આવ્યો, ” અબ્બા કેમ દેખાતા નથી?” આંખની કોર લૂછતા લૂછતા પૂછી બેઠો. “અબ્બા ક્યાં ?”
જવાબમાં હાજીયાણીની આંખો છલકાઈ ગઈ. એ કંઈ બોલી ના શક્યા. આસમાન તરફ આંગળી ઊંચી કરી એટલું જ બોલ્યા, “અલ્લાહ પાસે”
અભરામ દાદા બધું સમઝી ગયા. અબ્બા હવે આ દુનિયામાં નથી રહ્યા. બાપનો છાંયડો માથા પરથી ઉઠી ગયો છે. ઘડીક દીકરો, માંના આંસુ લૂછે છે તો ઘડીક માં, દીકરાના આંસુ લૂછે છે. ઘડીક માં, દીકરાના ખમ્ભે માથું રાખી દુઃખ હળવું કરે છે તો દીકરો, માંના ખોળામાં માથું રાખી હૈયું હળવું કરે છે. હૈયું હાથ નથી. રોતા જાય અને એકબીજાને છાના પણ રાખતા જાય.
“ખમ્મા મારા લાલ, તું નોંધારો નથી, હું છું ને…?” માંએ દીકરાને ધરપત આપી. “તારા બાપા છેલ્લી ઘડીએ તને બહુ યાદ કરતા હતા. કહેતા ગ્યા છે કે મારા અભરામનું ધ્યાન રાખજે”
અને અભરામની આંખમાંથી ધોધ છૂટ્યો. એ હીબકે હીબકે રોયા. ક્યાંય સુધી છાના જ ન રહ્યા. કામની મોસમ એટલે જણ બધા ખેતરે પણ અભરામદાદાના હિબકાનો અવાઝ સાંભળીને બાજુમાં રહેતા કડીવાર કુટુંબના એક માજી આવ્યા. પેળા બનેવી જન્નતનશીન થયાનું એને પણ દુઃખ થયું. પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા. માં- દીકરાને આમ રોતા જોઈ અને કારણ જાણી એમણે દિલાસાના શબ્દો કહ્યા “નસીબદારને જ મક્કાશરીફમાં મોત મળે” કડીવારના માજી મરીયમ દાદીથી મોટી ઉંમરના. એ મમી કહીને જ બોલાવતા. પેળાદાદાની રૂહને સવાબ અર્થે અભરામદાદાએ બીજે દી કડીવાર અને ગવરીદડના સંધી કુટુંબોને જમાડ્યા.
સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી, જુએ છે તો ઘોડી ઉપર એક બુકાનીધારી અસ્વાર, કેડમાં તલવાર લટકે છે. ત્યારે બહારવટિયાઓની બહુ રાડ, કોઈ લુંટારો સમજી અભરામદાદા ડેલી બંધ કરવા જાય છે, ત્યાં ઘોડેસ્વાર નરમાઇથી બોલ્યો; “બેટા ગભરાઈશ નહીં, હું તારા માતા મરીયમને પ્રણામ કરવા વાંકાનેરથી આવ્યો છું”
“પણ તમે કોણ?”
“હું વાંકાનેરનો રાજા”
અભરામદાદાને મનમાંયે નહીં કે રાજા એના આંગણે આવશે. ઘોડી ફળિયામાં લીધી. વાંકાનેરના રાજાએ નીચા નમીને દાદીને પ્રણામ કર્યા.
બન્યું એવું હતું કે રાજાને ખબર પડી કે પીપળીયાના મોમીન સમાજના કેટલાક ખેડૂત કુટુંબો પોતાનું રાજ છોડી રાજકોટ રાજના ગવરીદડમાં જતા રહ્યા છે, તો એમણે પાછા બોલાવવા નક્કી કરેલું. છુપા વેષે રાજા ગવરીદડ આવ્યા. ઘરે આવેલા મહેમાનને આગતા- સ્વાગત માટે દાદીએ રાજાને પાણી ભરેલો ગલાસ આપ્યો. ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી… આ જોઈને દાદીએ રાજાને પાણી પી લેવા કહ્યું. “તમે વાંકાનેર રાજમાં પાછા આવો તો જ હું પાણી પીવું”
“…પણ મેં પીપળીયાનું પાણી અગરાજ કરિયું છે”
“તમે માંગો તે ગામ અને માંગો એટલી જમીન, તમારે રહેવાના ખોરડાંની પણ જવાબદારી મારી, પણ તમે પાછા મારા રાજમાં આવો….” દાદી મુંઝાણા, આંગણે આવેલો મહેમાન પાણી પીધા વગર જાય અને એમાંય આ તો રાજા, ખોટું કહેવાય- લાંછન લાગે. પડખે ઉભેલા અભરામ સામે જોયું. અભરામની આંખમાં દાદીએ હક્કાર વાંચ્યો. “મારે એ ગામમાં જમીન જોઈએ જે ગામમાં એકેય મોમીન સમાજનું ખોરડું ન હોય…”
“કારણ”?
“કાલ સવારે મારી પેઢીને અમારા સમાજનું કોઈ મેણું ન મારે કે અમારા રોટલા પર પાટુ માર્યું…”
સમાજ તરફની આવી લાગણી જાણી, રાજા પણ ખુશ થયો. “કબૂલ, બીજી કોઈ શરત”?
“બીજી શરત એ કે પાંચ- પંદર દી’ ઠીક છે, બાકી તમારા આપેલા ખોરડાં અમારે ના ખપે. અમે જાત મહેનતે અમારા ખોરડાં બનાવી લઈશું”
રાજાથી બોલાઈ જવાયું, “વાહ ઈમાનદારી વાહ, મારે આવી જ પ્રજા જોઈએ. મફતમાં મળતું પારકું ન લેવાની તમારી ભાવનાને સલામ, પાંચ દિવસ પછી હું પાછો આવીશ, ગામ નક્કી કરી રાખજો, તમારા વેણ પર મને ભરોસો છે, હવે હું તમારા હાથે આપેલું પાણી પીશ’
રાજાએ પાણી પીધું, ઘોડી પર સ્વાર થઈ નીકળી ગયા. અભરામ દાદા બોલ્યા, “માં ! તમે સારું કરિયું, મફતના ખોરડા લેવાની ના પાડી”. જેની જનેતા ખુમારી અને ઈમાનદાર હોય તેના ખોળાનો ખૂંદનાર હીરો જ પાકે.
ત્યારે વાંકાનેર રાજમાં આજ જેટલા ગામડા નહીં. માં દીકરાએ વિચાર કર્યો, કયું ગામડું પસંદ કરવું, સીંધાવદરમાં સીતાપરા કોળી, કણબી અને ગઢવી રહે, કોઈ મોમીનનું ઘર નહીં. અગાઉના ઝમાનામાં લૂંટફાટ બહુ થતી. લૂંટારાઓને સીંધાવદર લૂંટવું સહેલું પડતું. લૂંટીને આજના પ્રતાપગઢ અને નવી કલાવડી વચ્ચે એક કેડી જેવો રસ્તો, એ રસ્તેથી લૂંટીને સાંઢિયા લઈને સીધા બીજા રાજમાં ભાગી જતા. આ વિસ્તાર ત્યારે સાવ ઉજ્જડ. દૂર દૂર સુધી કોઈ માનવ વસ્તી નહીં. અવરો-જવરો નહીં. લૂંટનો માલ સંઘરવા જેમ ખાપરા કોડિયાએ ગુફા બનાવી હતી, તેવી ગુફા નવી કલાવડીથી કોટડા બાજુ બનાવેલી, જે ગુફાનાં અંશ આજે પણ મોજુદ છે. કોળીની ખેતીમાં ભલીવાર નહીં, કણબી ગોંડલ તરફ જતા રહેલા.
ગવરીદડમાં રહેતા કડીવારના મોભી અને શેરસીયાના દાદી તથા અભરામ દાદાની મિટિંગ મળી. ચર્ચા વિચારણા અંતે બધાએ સિંધાવદર ઉપર પસંદગી ઉતારી, વાંકાનેરના રાજા પસંદ કરેલ ગામનું નામ પૂછવા આવવાના હતા, રાજકોટમાં ત્યારે ઠાકોર રણમલજીનું રાજ. નક્કી તો કર્યું કે રજા વગર છાનામાના સીંધાવદર ભેગું થઇ જવાનું, પણ બીજે દી હાજીયાણીમાંએ અભરામ દાદાને કહ્યું કે ” મારૂં મન માનતું નથી, તું ઠાકોરની રજા લેવા રાજકોટ જા…”
“આપણે અહીંથી કાગદડીથી કોટડા અને ત્યાંથી સીધા સીંધાવદર પોગી જઈશું. પછી શું જરૂર છે રજા લેવાની? અને જો રજા નહીં આપે તો વાંકાનેરના રાજા પાસે આપણે ખોટા પડશું, પછી શું કામ રાજકોટ ઠેઠ લાંબા થવાનું? ” પણ હાજીયાણીમાં માન્યા નહીં. પટારામાંથી થાપણાંનું રાખેલું ફૂમકાંવાળું કેડિયું અને ચોરણો કાઢીને આપ્યો. અભરામ દાદાએ કાનમાં અત્તરનું પૂમડું ભરાવ્યું. હાજીયાણીમાંએ બનાવેલી ઘીની સુખડીનું ભાતુ અને પાણીની બતકનો ખડિયો નાખ્યો ખમ્ભે, માથે ઓછાડ અને કેડે ભેટ બાંધી ક-મને ચાલ્યા રાજકોટ.
રાજાએ સીધું જ પૂછ્યું “તમારે ઘરે ઘોડેસ્વાર કોણ આવ્યો હતો?”
ભારે કરી, વાંકાનેરના રાજ ડોસાજી અને રાજકોટના રણમલજીના ત્યારે સંબંધ સારા નહીં. રાજ ડોસાજી સહેજ લંગડા ચાલતા એટલે એને બધા હનુમાન કહેતા. અભરામદાદા જો સાચી વાત કરે તો રજા, રજાને ઠેકાણે રહે અને જેલના સળિયા ગણવાનો વારો આવે, પણ આ વાતની ખબર આ રાજાને કઈ રીતે પડી. દીવાલને પણ કાન હોય છે. “એ તો કોઈ તરસ્યો માણસ હતો, પાણી પીવા આવ્યો હતો.” ખોટું બોલવાની ટેવ નહીં એટલે શબ્દો ગોતવામાં અને વિણવામાં માંડમાંડ ભેગું થયું. અભરામદાદા પરસેવો લૂછી બોલ્યા. ” અમારા સગાવહાલા કુટુંબી બધાય વાંકાનેર, અટલે વાર-પરબે, સારા-નરસા પરસંગે વાંકાનેર સારૂં રહે”
રાજાએ એક ચબરખી લખી અભરામદાદા ને આપી. “કાગદડી થાણામાં બતાવજો, તમને કોઈ નહીં રોકે…”
ખોવાઈ ન જાય તેમ અભરામદાદાએ ગંજીના ચોરખાનામાં સંભાળીને રજા ચીઠી મૂકી. જીવમાં જીવ આવ્યો, મુસીબત ટળ્યાની વાતે રાજી થયા, ગવરીદડ આવી માંને પૂછ્યું કે “રાજાને ખબર કઈ રીતે પડી હશે?”
હાજીયાણીમાં ત્યારે રહીરહીને બોલ્યા કે “કડીવારના માજીએ કહેલું કે ગામમાં વાતો થાય છે કે ઘોડેસવાર આવ્યા હતા, આ વાત ફરતી ફરતી ‘કોઈને કેતીની કોઈને કેતીની’ કરીને રાજા પાસે પોગી જ જાય”.
“…તો આ વાત પહેલા મને કેમ ન કરી?”
“તો તને ભાર રહેત કે રાજાને ખબર પડી ગઈ છે અને તો તું બીકમાં ને બીકમાં ભાંગરો વાટત” વાત સાચી હતી. “ઘરવખરી ભરેલા બબ્બે ગાડાં અને ગાય-ભેંસો લઈને અહીંથી છટકવું સહેલું ન હોય દીકરા !”
નક્કી થયેલા દિવસે ગાડા ભરી કડીવાર અને શેરસીયા કુટુંબ સીંધાવદર આવવા રવાના થયા. સીંધાવદરની આથમણી બાજુ આસોઇ નદી, કુવામાં તળ ઊંચા રહે. હટાણું કરી વાંકાનેરથી પાછા આવી બપોરા ઘરે કરવા મળે. કહેવાય છે કે સીંધાવદરનું તોરણ સીતાપરા કોળી લોકોએ બાંધેલું. ત્યારે આજનો દરબારગઢ નહીં. આજના અશરફનગર, કાસમપરા, લીંબાપરા, ગાત્રાળનગર નહીં. સહકારી મંડળી સામે જ્યાં નિશાળ છે ત્યાં ગામનો ઝાંપો. આથમણી બાજુ ગેબનશાપીરની દરગાહ છે, ત્યાં ગામ પૂ રૂ થઇ જતું હતું, ચાલીસ-પચાસ જ ઘર. હાજીયાણીમાંનું કુટુંબ લાંબા શેરસીયામાં આવે છે.
મફતના ખોરડાં લેવાની હાજીયાણીમાંએ ના પાડેલી અને અભરામદાદા સામે આવી ચેતવી ગયેલા, એ બે વાત રાજાના મનમાં ઘર કરી ગયેલી. આથી રાજા ખુદ ઘોડા પર સ્વાર થઇ આવતા ગાડાનુ સ્વાગત કરવા વાંકાનેરના સીમાડે ઉભા રહેલા. રાજાએ બે સાંતીની જમીન આપી. સીંધાવદરમાં રાજના ખોરડામાં પીપળીયારાજના આ લોકોને ઉતારો અપાયો. બીજે જ દિવસે અભરામદાદા અને કડીવાર કુટુંબે પોતાના ખોરડાં બનાવવાનું શરૂ કરી દીધું. ગારા-પાણાંથી દીવાલ ચણી. ઉપર છાપરું અને છાણમાટીની ગાર કરી. નવા ઘરમાં રહેવા આવી ગયા, પહેલે દિવસે સવા પાલીની લાપસીનો ફાતિયો પોતાને મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ દીધો. ફળીમાં એક લીમડો વાવેલો, જેથી લીમડાવાળું ફળી કહેવાતું, જે હાલ ગઢ છે, તેની આસપાસ ક્યાંક હતું.
અભરામદાદા અપાયેલી નવી જમીનનો ક્યાસ કાઢવા અને કઈ વાડીમાં કયો પાક વવાય અને પાણીની સગવડતા કેવીક છે… વગેરે માહિતી માટે પોતાના બધા ખેતરે આંટો મારવા ગયેલા, અને હાજીયાણીમાં ઘંટુલે દરણુ દરતા હતા કે એક દાઢીધારી ઘોડેસવાર ફળિયામાં આવ્યા. ઝીણી આંખે જોયું, એ બીજા કોઈ નહીં પણ મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવા ખુદ હતા. એમણે પીપળીયારાજ એક વાર આવવાનો વાયદો હાજીયાણીમાંને કર્યો હતો. પહેલા એ પીપળીયારાજ ગયા હતા, ત્યાં ખબર પડી કે હાજીયાણીમાં તો ગવરીદડ રહેવા ગયા છે. એટલે પીપળીયારાજથી ગવરીદડ ગયા તો ખબર પડી કે હાજીયાણીમાં સીંધાવદર રહેવા જતા રહ્યા છે. આથી તેઓ સીંધાવદર આવ્યા. એમના વંશજો હાલ પાકિસ્તાનમાં છે અને સદરૂદીન બાવાનો મઝારશરીફ હાલ અબડાસા તાલુકાના વિંઝાણ (કચ્છ)માં છે
(મળેલ માહિતી મુજબ આજના જાલી ગામના શેરસીયા એટલે દાદા અમીનો વંશવેલો, આજના નવી કલાવડી અને ખીજડીયાના એટલે દાદા હૈયાતનો વંશવેલો, તો આજના કોઠી ગામે રહેતા શેરસીયા એટલે દાદા જીવાનો વંશવેલો, આજના જેતપરડા ગામના શેરસીયા એટલે દાદા જલાલના ચાર દીકરા પૈકીના ત્રણ દીકરા વલી, હબીબ અને સાવદીનો વંશવેલો, આજના પંચાસીયા ગામે રહેતા શેરસીયા એટલે દાદા નુરમામદના દીકરા વલીના દીકરા અમીના દીકરા વલીનો વંશવેલો, જયારે દાદા હબીબ ને ઔલાદ નહોતી. (પાછળથી પીપળિયારાજમાં રહેલા અભરામ દાદાના નાનાભાઈ મીમના દીકરા ડોસાદાદા પણ સિંધાવદરમાં રહેવા આવી ગયેલા).
માહિતીસ્રોતઃજલાલભાઈ શેરસીયા (સિંધાવદર)
આલેખન:નઝરૂદીન બાદી.

