વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ
વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ શબ્દો સારા લાગે છે, પણ આ વાતમાં કોઈ દમ નથી.
(1) જનોઇ હિન્દુઓમાં બ્રાહ્મણો, બ્રહ્મક્ષત્રિયો, લોહાણા અને સાધુઓ પહેરે છે. મોમીનોના પૂર્વજો કોણ હતા, એ બાબતે મતમતાંતર છે અને એમાં પડવા જેવું પણ નથી. હા, એટલું ખરું કે ખોજા લોહાણામાંથી અને દાઉદી વ્હોરા બ્રાહ્મણોમાંથી થયા. મોમીનોની અગિયાર અટકોને મળતી અટકો હાલમાં કડવા પટેલોમાં છે.(આંબલીયા, બાકોરીયા, બરિયા, ભોરણીયા, ચોધરી, દેકીવાડીયા, કડીવાર, મરડીયા, પટેલ, શેરસીયા, વડાવિયા). મોમીનોના વડવા બ્રાહ્મણો, બ્રહ્મક્ષત્રિયો, લોહાણા અને સાધુઓમાં હતા, એવું કોઈ પ્રમાણ નથી, આથી કહેવાતી જનોઈઓ સાથે આપણને સ્નાનસૂતકનો સંબંધ નથી. ક્યા કુટુંબના વડવા અગાઉ ક્યા સમાજના હતા, એની કોઈ વિગત કોઈ પાસે નથી.
(2) એક જનોઇનું વજન ૪ થી ૫ ગ્રામ હોય. આ હિસાબે ૨૫ કિલો (સવા મણ) જનોઇ ધારણ કરનારની સંખ્યા ૫૦૦૦ની થાય. સંઘ સો- સવાસો નો હોય. પ હજાર માણસોનો હોય નહિં.
(3) બાદી કુટુંબના પીરાદાદા એક માત્રના વારસદારો જો આજે બે હજાર ઘર હોય તો સવા મણ જનોઇ પહેરનાર જેટલા માણસોએ ઇસ્લામ કબૂલ કરેલ હોય તો અત્યારે એની વસ્તી ૧ કરોડ જેટલી હોય, જે નથી. જનોઈ હોય તો પણ સવા મણ હોઈ જ ન શકે.
(4) આશરે અંદાજે ૪૮૦ વર્ષ પહેલાની જનોઇનું અસ્તિત્વ હોવું પણ શંકાસ્પદ છે. જનોઈ સડી જનાર વસ્તુ છે.
(5) જો આપણને સૈયદ કબીરૂદીન (રહે.) એ ઈસ્લામ કબૂલ કરાવેલો હોય તો એ જનોઇ સાથે અને પીરાણામાં જનોઈ હોય તો એની સાથે આપણા વડવાઓને કે આપણે કોઇ લેવા-દેવા ન હોઇ શકે. જનોઈ હોય તો યે આપણા વડવાઓની ન હોઈ શકે,બીજા કોઈની હોઈ શકે. આપણને ઇસ્લામની નેઅમતોથી નવાઝનાર હઝરત કબીરૂદીન (રહે.) હતા, નહિં કે પીરાણાવાળા ઇલ્મુદીન (રહે.). આ વિષે ભવિષ્યમાં વિગતે જોઈશું. (ઇન્શાલ્લાહ).
વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ.
– નઝરુદીન બાદી.