વાંકાનેર તાલુકામાં આવેલ ઠાંગા ડુંગર અને કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી, ભેંસલા ધાર ૬૪૮ ફૂટ, કાળકાની ટેકરી અને રેંકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી તથા જોઘપર ગામ નજીક આવેલ ટેકરી ૩૧૧ ફૂટ ઉંચી છે
વાંકાનેર રાજમાંથી પસાર થતી મચ્છુ નદી ૨૮ માઇલ અને મહા તથા આસોઇ નદીની લંબાઇ ૧૬ માઇલ હતી. વોંકળા પતાળિયો, મચ્છુરો, બનીયો, માટેલિયો, નગલો, ઉનાળિયો અને ૯ તળાવો હતા- ૫ વીડીઓ હતી
તળપદ મહાલની ઓફીસ કેરાળામાં રાખેલી. આ ગામમાં ધર્મશાળા પણ હતી. તીથવા જુના દરબારગઢમાં રાજ બહાદુરનો જન્મ થયો હતો. અરણીટીંબામાં શાહબાવાની પાટીની જમીનની ઉપજ શાહબાવાની જગા માટે લેવાતી. કોઠારીયા ગામમાં કોઠો અને સીંધાવદરમાં રાજકોટથી વઢવાણ વચ્ચેનું રેલ્વેનું સ્ટેશન હતું. ઘીયાવડના જાંબુડા વખણાતા. ઘીયાવડમાં માતાએ ઘી ની નદી ચલાવી, જે ઉપરથી આ ગામનું નામ ઘીઆવડ રાખવામાં આવ્યાની દંતકથા છે. પાસેના ઇશ્વરીયાના નામે ઓળખાતા નેસમાં ચારણોની વસ્તી હતી કાઠી માથાભારે હતા
સમથેરવાના ઊનના ધાબળા, જાલીડાના ચાસીયા ઘઉં, ચિત્રાખડાની કમોદ અને રાતાવીરડાના ધામધણીયા ખાણના પથ્થર વખણાતા વિનયગઢનું મૂળ નામ પાડણ અને જેપુરનું ટીંબડી હતું. સરધારકાના ભાયાતો ગોંડલ રાજના જીવાઇદાર હતા. વરડુસરના તળાવમાં સફેદ કમળ થતું હતું મેસરીયામાં આવેલા બે કુંડમાંથી સતત પાણી વહેતું રહેતું. રૂપાવટી અને ખખાણાની ઉપજ રૂગનાથજી મંદિરમાં જતી. હોલમઢ પાસે ધાબી ભેંસલાની વીડી, મહિકા ફરતો ગઢ, લુણસર પાસે સુંદર તળાવ, ભાયાતી ગામ ઢુવામાં જુના વખતનું શિખરવાનું મંદિર હતું અને માટેલમાં ફોજદારી થાણું હતું. કણકોટમાં બિલેશ્વર મહાદેવની પુરાણી જગા હતી.
આઝાદી પહેલા વાંકાનેર રાજનું ક્ષેત્રફળ ૪૧૭ ચોરસ માઇલમાં વિસ્તરેલું હતું. વાંકાનેર ઉપરાંત અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ‘ખસ્તા’ ગામ પણ વાંકાનેર રાજના કબ્જામાં હતું. ખસ્તાનું ક્ષેત્રફળ ૭ ચોરસ માઇલ હતું. મહારાણા અમરસિંહજીનું રાજ હતું. આ રાજમાં કુલ ૧૦૩ ગામો હતા. ૧૯૪૨માં વાંકાનેર રાજની કુલ વસ્તી ૫૫,૦૨૪ની હતી. રાજના પૂર્વમાં ધ્રાંગધ્રા અને થાન લખતરની રાજની હદ આવેલી હતી. દક્ષિણમાં ચોટીલા, બામણબોર તાલુકો અને રાજકોટ રાજ તથા કોઠારિયા તાલુકો આવેલ હતો. પશ્ચિમમાં ધ્રોળ રાજ, કોટડા નાયાણી તાલુકો તથા મોરબી રાજ આવેલ હતું. (કોટડાનાયાણી તાલુકામાં ૫ ગામ હતા, તે વાંકાનેર રાજમાં નહોતું) દક્ષિણ તરફે ચોટીલા, ઠાંગા ડુંગર તથા કાલેરા ધાર ૬૫૫ ફૂટ ઉંચી હતી. ભેંસલા ધાર ૬૪૮ ફૂટ અને કાળકાની ટેકરી અને રૅકડાની ધાર ૬૦૬ ફૂટ ઉંચી ઉંચી હતી. કાળકાની ટેકરી પર કાળકા માતાનું મંદિર હોવાથી તેને કાળકાની ટેકરી કહેવાતી. રેંકડાની ધાર ઉપર વિકટરી ટાવર (જે ધરતીકંપમાં ખંડિત થયેલ ઉભો છે) આવેલ હતો. તે ટાવર ઉપર સર્ચ લાઇટ ગોઠવેલ હતી. આ ટેકરાની હારમાં જોઘપર ગામ નજીક ૩૧૧ ફૂટ ઉંચી એક ટેકરી આવેલ હતી. રેંકડાની ધારથી પશ્ચિમ તરફ બીજી ધારોની હારમાળા શરૂ થતી, જેને હોળા ધાર કહેવાતી. તેની ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર છે.
વાંકાનેરની શહેરની વસ્તી ૧૭૨૩૭ હતી. મતલબ કે વાંકાનેર રાજના બધા ગામડાઓમાં ૩૭,૭૮૭ ની ગ્રામ્ય વસ્તી હતી .શહેરમાં વિજળીનું કારખાનું હોવાથી રાત્રે દિવા થતા. શહેરમાં અમરસિંહજી હાઇસ્કુલ, ૩ ગુજરાતી સ્કુલો, અંગ્રેજી કન્યા શાળા, ૨ ગુજરાતી કન્યા શાળા હતી. વાંકાનેર શહેર વર્ષો અગાઉ ગઢીયાના ડુંગર પર હતું. ગામની વસ્તી વધવાથી મહંમદશાહ (શાબાવા) ની સલાહથી (લોકવાયકા મુજબ) ધોક્કો ફેંકી જ્યાં પડયો, ત્યાં પતાળિયા અને મચ્છુના સંગમ પર શહેર બંધાવેલું.
મચ્છુ નદી ચોટીલાના ઠાંગા ડુંગરમાંથી નિકળી વાંકાનેર રાજમાં ૨૮ માઇલ વહેતી. તેના કાંઠે ૧૨ ગામ વસેલા, મચ્છુ ઉપર પાંચ ઠેકાણે બંધ બાંધેલા હતા. પંચાસર પાસેના બંધનું પાણી શાહબાવા પાસેના બેઠા પુલની ઉપલા સ્તરની બરાબર લગોલગ આવતું, પરંતુ બંધ દોઢ માઇલ છેટો છતાં પુલ ઉપર ચડતું નહોતું. બંધની ઉંચાઇ એટલી તો ચોકકસ રખાઇ હતી કે પુલ પર પાણી ચડે તે પહેલાં બંધ પરથી છલકાઇ જતું. (ત્યારની ચોકસાઇભરી ઇજનેરીનું સચોટ પ્રમાણ હતું). આ બંધના પાણીમાં નાનકડા હોડકા ચલાવાતા. (બેઠા પુલની જગાએ અત્યારે ઊંચો પુલ થઈ ગયો છે) મહા નદી થાન લખતર રાજની હદમાંથી નિકળી મોરબી રાજમાં જતી. વાંકાનેર રાજમાં મહા નદીની લંબાઇ ૧૬ માઇલ હતી. જેના કાંઠા પર ૬ ગામ વસેલા, આસોઇ નદી ઘીયાવડ પાસેથી નિકળી રાતીદેવળી પાસે મળતી. લંબાઇ ૧૬ માઇલ હતી. તેના ઉપર ૬ ગામ વસેલા.
વાંકાનેર રાજમાં ૬ વોંકળા વહેતા. (૧) પતાળિયો: રામપરાની ધારોમાંથી નિકળી ચંદ્રપુર પાસે થઇને વાંકાનેર પાસે મચ્છુ નદીમાં ભળી જતો (૨) મચ્છુરો: ચોટીલાની હદમાંથી નિકળી મેસરીયા, રંગપર, પાજ પાસે થઇને મચ્છુ નદીને મળતો. (3) બનીયો: બામણબોરની હદમાંથી નિકળી મચ્છુ નદીને મળતો. (૪) માટેલિયો: વીડી જાંબુડિયા પાસેથી શરૂ થઇ જામસર, માટેલ પાસે નિકળી મહા નદીને મળતો. માટેલ પાસે માટેલિયો ધરો કહેવાતો. (૫) નગલો: થાન લખતર રાજમાંથી નિકળી પાડધરા પાસે મહા નદીને મળતો. (૬) ઉનાળિયો: જુની કલાવડી પાસે નિકળી સીંધાવદર પાસે આસોઇ નદીને મળતો.
આ રાજમાં ૯ તળાવો હતા. અમરસર, જસવંતસર (વડસર), રાતડિયા, વિનયસર, લુણસર, ચિત્રાખડા, વરડુસર, પલાંસ અને ગારીડાનું તળાવ- જે પૈકી છેલ્લા ૩ તળાવોમાંથી ખેતીમાં જૂજ પાણી અપાતું. જસવંતસર તળાવ સંવત ૧૯૫૬ના દુકાળમાં ગળાવવામાં આવ્યું હતું. રાજ અમરસિંહજીના દાદા રાજ જસવંતસિંહના નામ પરથી જસવંતસર નામ અપાયેલું. તેમાંથી વાંકિયાની જમીનમાં પાણી અપાતું. રાતડિયા તળાવમાંથી રાતડિયા અને કાનપરને પાણી અપાતું. વિનયસર તળાવ મેસરીયા પાસે સંવત ૧૯૫૬ (ના દુકાળ)માં બાંધવામાં આવેલું. વરસાદથી તૂટી જવાથી રાજ અમરસિંહે સમારકામ કરાવેલું. રાજ બનેસિંહ (વિનયસિંહ)ના નામ ઉપરથી વિનયસર નામ અપાયેલું. વરડુસર પાસે તળાવ હતું.
વાંકાનેર રાજમાં મુખ્ય ૫ વીડીઓ હતી, જેમાં રામપરાની, મેસરીયાની, જાંબડિયાની, જેપુરની અને ધાબી ભેંસલાની વીડીનો સમાવેશ થતો. તેમાંથી ઘાસ વાઢી ગંજી ખડકી સંગ્રહ કરાતો અને દુકાળમાં તેને ઉપયોગમાં લેવાતું. ઘાસ કપાઇ ગયા પછી જ માલધારીઓ વીડીમાં પગ મૂકી શકતા.
ભુદરવો અને ખારો પત્થર ઉત્તર તરફની જમીનમાંથી નિકળતો. જે બાંધકામમાં વપરાતો. બેલાની બહારગામ નિકાસ થતી. જમીનની કેટલીક માટીમાંથી રંગ બનાવી શકાતા
જાનમાલના રક્ષણ માટેના બંદોબસ્ત કરવા ત્રણ વિભાગ અને રેવન્યુ વહીવટ માટે તથા ગામડાઓની ઉપજ વગેરે ઉઘરાવવા રાજે ૪ મહાલ પાડવામાં આવેલા. ઉપરાંત એક વિભાગ ખસ્તા વિભાગ કહેવાતો. અન્ય ચારમાં (૧) તળપદ (૨) તીથવા (૩) લુણસર (૪) મેસરીયા મહાલ કહેવાતા.
તળપદ મહાલઃ આ મહાલમાં કુલ ૨૪ ગામ હતા. કુલ વસ્તી ૨૭,૩૩૩ની હતી. મહાલમાં વહીવટી સરળતા ખાતર ટપ્પામાં વહેંચણી કરાતી. આ મહાલમાં ૬ ટપ્પા કરેલા. દરેક ટપ્પામાં વહીવટ માટે એક માણસ નિમાતો, જે તલાટી કહેવાતો. આ ટપ્પાના તલાટીની દેખરેખ રાખનારને કામદાર કહેવાતો. મહાલની ઓફિસ જે તે વિસ્તારના મુખ્ય ગામમાં રહેતી, પણ આ મહાલમાં ઓફીસ કેરાળામાં રાખેલી. કેરાળામાં ધર્મશાળા પણ હતી.
તીથવા મહાલઃ આ મહાલની જમીન ખેતી માટે સારી હોવાથી આ મહાલના ગામ ઝાઝી વસ્તીવાળા હતા. ૧૭ ગામના આ મહાલમાં ૧૦૬૫૪ની વસ્તી અને ૬ ટપ્પા હતા.
(૧) તીથવા ટપ્પામાં તીથવા એક જ ગામ હતું. તીથવામાં જુનો દરબારગઢ હતો. જ્યાં રાજ બહાદુરનો જન્મ થયો હતો. આસોઇ નદીના કાંઠે વસેલા આ ગામમાં નિશાળ, ઇસ્પીતાલ અને પોષ્ટ ઓફિસ હતી. આ ટપ્પામાં આવેલ જડેશ્વરમાં ધર્મશાળા, પાણીના નળ, વીજળી બત્તી અને બાજુના ટેકરા પર રાજે બંધાવેલું આરોગ્ય ભવન હતું, જ્યાં માંદા માણસો તંદુરસ્તી મેળવવા રહેતા. બાજુની સીમમાં ભંગેશ્વર મહાદેવ, ગંગા વાવ અને મોઢ વિણકના કૂળદેવી- સોન માતાની દેરી સોન ધાર ઉપર હતી. (લોકવાયકા છે કે સોન ધાર ઉપર ભૂપત બહારવટિયાએ રાતવાસો કરેલો) વડસર પાસે મીઠા પાણીની વાવ હતી.
અરણીટીંબામાં શાહબાવાની પાટીના નામે ઓળખાતી જમીન હતી, તેની ઉપજ શાહબાવાની જગા માટે લેવાતી. ગામમાં નિશાળ અને ગામથી પશ્ચિમ દિશામાં શરમાળીયા નાગની જગા હતી. કોઠારીયા ગામમાં કોઠો અને નિશાળ હતી. પીપળીયા અને વાલાસણ બંન્ને ગામોમાં નિશાળો હતી. સીંધાવદર રાજકોટથી વઢવાણ વચ્ચેની રેલ્વેનું સ્ટેશન હતું. આસોઇ નદી પર આવેલા આ ગામમાં વણિકને ત્યાં જન્મેલા લાલા ભકતની જગ્યા હતી, જ્યાં સદાવૃત ચાલતું.
પાંચદ્વારકામાં નિશાળ હતી. પ્રતાપગઢમાં મકાનો લાઇનબંધ હતા. ખીજડીયામાં નિશાળ, દરબારગઢ હતો. સાધુશ્રી વનમાળીદાસની સમાત હતી. ઘીયાવડના જાંબુડા વખણાતા. આસોઇ પર વસેલા ઘીયાવડમાં અડગ માતાની દેરી હતી, તેના ભકતોએ ઘીની અછત જણાવતા માતાએ ઘી ની નદી ચલાવી ચમત્કાર બતાવેલ, જે ઉપરથી આ ગામનું નામ ઘીઆવડ રાખવામાં આવ્યાની દંતકથા છે. વીડી ભોજપરા પાસે રામપરાની વીડી હતી. પાસેના ઇશ્વરીયાના નામે ઓળખાતા નેસમાં ચારણોની વસ્તી હતી.
મેસરીયા મહાલ: મેસરીયા મહાલમાં 27 ગામો હતા. વસ્તી ૮ર૬ર હતી. મચ્છુરા વોકળા પર આવેલ મેસરીયામાં ફોજદારનું થાણું અને દરબારગઢ હતો. ગામની બહાર માર્ગપંથી જાલા ભગતની જગ્યા હતી. રબારીઓ તેના મુખ્ય ભકત હતા. ત્યાં બે કુંડ હતા, જેમાંથી પાણી વહેતું રહેતું. આ ગામમાં માત્ર કોળી જ રહેતા, મોમીનો પાછળથી રહેવા આવેલ હતા. વિનયગઢનું મૂળ નામ પાડણ હતું. આ ગામમાં વસતા કાઠી લોકો ખૂબ તોફાની હતા, રાજ બનેસિંહજીએ તેમને વશ કરેલા. ગામમાં ઉભરાણીયો કૂવો હતો, જેમાંથી સતત પાણી ઉભરાતું. જાલીડાના કણબી લોકો ચાસીયા ઘઉંની ખેતી કરતા, જે વખણાતા. રૂપાવટી અને ખખાણા ગામ વાંકાનેરના રૂગનાથજી મંદિરના ધર્મના ગામ હતા, આ બે ગામોની ઉપજ આ મંદિરમાં જતી. રૂપાવટીમાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું. ગામ ફરતે ગઢ હતો. બનિયા વોંકળાના કાંઠેના વસુન્દ્રામાં મુખ્ય વસ્તી આયર લોકોની હતી. જેપુરનું પહેલા નામ ટીંબડી હતું. હોલમઢ પાસે ધાબી ભેંસલાની વીડી હતી. ગામની નજીક હોલમાતાનું મંદિર છે, આયરો તેના આસ્તિક છે. મચ્છુના કાંઠે આવેલા મહિકા ફરતો ગઢ હતો. નદીના કાંઠા ઉપર ખેરડિઆ હનુમાનની દેરી હતી. ગુર્જર સુથાર લોકો તેની માનતા વધારે રાખતા. આ ટપ્પામાં સોભલા ગામમાં નકલંકજીનું મંદિર હતું, તેના પુજારી ભરવાડ હતા. ગારીયા ટપ્પામાં ગારીયા, પાજ, શેખરડી અને કાનપરનો સમાવેશ થતો હતો.
લુણસર મહાલ: લુણસર મહાલમાં ૩૩ ગામડા અને વસ્તી ૮૭૭૫ની હતી.કણબીની વસ્તી ધરાવતા લુણસર ગામ પાસે સુંદર તળાવ અને પોલીસ થાણું હતું. ચિત્રાખડામાં કમોદ સારી થતી. દલડીમાં રેલ્વે સ્ટેશન અને નિશાળ હતી. સરધારકાના ભાયાતો ગોંડલ રાજના જીવાઇદાર હતા. વરડુસર ટપ્પામાં વરડુસરના તળાવમાં સફેદ કમળ થતું. ભેરડા ટપ્પામાં ભેરડા પાસે ટેલિફોનની લાઈન નિકળતી. રાતાવીરડા ટપ્પામાં રાતાવીરડામાં ઊંચી જાતનો ખારો પત્થર અને નજીકમાં ધામધણીયા નામના લાલ પત્થરની ખાણ હતી. જેના ઉપર ઝીણી કોતરણી થઇ શકતી. માટેલ ટપ્પામાં માટેલીયા વોંકળાનાં કાંઠા ઉપર આવેલ માટેલમાં ફોજદારી થાણું હતું. વોંકળામાં બારે માસ પાણીની પાટ ભરાઈ રહેતી ખોડિયાર માતાનું જૂનું સ્થાનક હતું. ભાયાતી ગામ ઢુવામાં રેલવે સ્ટેશન હતું. જુના વખતનું શિખરવાનું મંદિર હતું, તેની કોતરણી વખણાતી. ભીમગૂડા ટપ્પામાં ભીમગૂડા પાસે રણ હતું, તેમાં સરતાનજી દાદાની દેરી હતી. ફરતો ગઢ હતો. સમથેરવાના ઊનના ધાબળા વખણાતા.
નોંધ: આઝાદી પહેલા રાજના સમયમાં ભણાવવામાં આવતી બીજા ધોરણની ભૂગોળમાંથી આ બધી માહિતી લીધેલ છે, જેના લેખક જમાલમિયાં અને મેસાણીયા અહમદ હાજી હતા. એક સમય હતો કે લુણસર વઢવાણ રાજમાં, કોટડાનાયાણી અલગ રાજ હતું, કાનપર, પ્રતાપગઢ, ચંદ્રપુર, રસિકગઢ, પીપરડી, સૌથી છેલ્લે વસેલા ગામડા છે -નઝરૂદીન બાદી.
ખાસ નોંધ: કમલ સુવાસ ન્યુઝમાં પ્રગટ થયેલ કોઈ પણ લેખની આપને જરૂર હોય તો બુકમાં લખી લેવો, અમારી પાસે આવા લેખ છપાયેલા કે લખેલા નથી અને ભવિષ્યમાં વેબ સાઈટ પર પણ વાંચવા મળી નહીં શકે – નઝરૂદીન બાદી.
