અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા
દીપડા સાથે બાથ ભીડી ઠાર કરેલો: પોરબંદરના ગેંગસ્ટરોને જિલ્લો છોડાવ્યો હતો
1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતમાં ખ્યાતિ મેળવી હતી
અબ્બાસ-મસ્તાનની નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજબબ્બરે એસ.પી. જંજીરવાલાનો રોલ કર્યો હતો
વાંકાનેરવાસીઓને જેના પર ગર્વ છે. મૂળ વાંકાનેર તાલુકાના અરણીટીંબાના વતની ઝાલાસાહેબથી ગુનેગારો થર થર કાંપતા અને દીપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર એવા ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર બહાદુર પોલીસ અધિકારી અને રાજપૂત સમાજના મોભી, એમ.એમ ઝાલાનું 90ની વયે વર્ષ ૦૫ મે ૨૦૨૦ રોજ અવસાન થયું હતું, જેને ગઈ કાલે ત્રણ વર્ષ પૂરા થયાં છે.
એમ.એમ.ઝાલાએ સૌરાષ્ટ્રના ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પોલીસમાં સામેલ થયા હતાં. નાસિક પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમે આવ્યા હતા. વર્ષ 1958 માં વડોદરાથી પોસ્ટિંગ લઈ નોકરીની શરૂ કરી. તેઓ કચ્છ અને જામનગર ACB માં પણ ફરજ બજાવી ચૂક્યા છે. 1968 માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને ભારતભરમાં ખ્યાતિ મેળવી હતી. 1968 માં તેમને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી હતી. 1990 માં તેઓ DSP તરીકે તેઓ નિવૃત્ત થયા હતા. તેની સાથે સાથે રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જંજીરવાલા ઝાલાના બહાદુરીના અનેક કિસ્સા લોકમુખે ચર્ચાય છે.
અમદાવાદમાં ‘જંજીરવાલા ઝાલા’ નામ પડયું
એમ. એમ. ઝાલાને 1973 માં અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન, કોમી તોફાન અને રોટી રમખાણ વખતે બહાદુરીથી ફરજ બજાવી હતી. જેને કારણે લોકોમાં તેઓ ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામથી જાણીતા બન્યા હતા.
પોરબંદરમાં પોસ્ટિંગ થતાં જ ગેંગસ્ટરો ભાગી ગયા
વર્ષ 1978 માં પોરબંદરમાં ગેંગવોર ફાટી નીકળી હતી. બે કોમ આમને સામને ગોળીબાર કરી ભય ફેલાવતી હતી, ત્યારે ગેંગવોરને ડામી દેવા તેમને પોરબંદરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. પોસ્ટિંગ આપતા જ ગેંગસ્ટરોમાં ભય ફેલાયો હતો અને ગેંગવોર શાંત થઈ ગઈ અને ગેંગસ્ટરો જિલ્લો છોડી ભાગી ગયા હતા. સામસામે ગોળીબાર થતાં તે જિલ્લામાં ઝાલા સાહેબના નામથી શાંતિ થઈ ગઈ હતી.
કાલાવડના બાલંભડીમાં દીપડા સાથે બાથ ભીડી ઠાર કર્યો
1980 માં તેઓને DSP તરીકે બઢતી મળી હતી. ‘જંજીરવાલા ઝાલા’ને જામનગર જિલ્લામાં DSP તરીકે મુક્યા હતા. તે સમયે કાલાવડ તાલુકાના બાલભંડી ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ‘જંજીરવાલા ઝાલા’એ બહાદુરીથી દીપડા સાથે બાથ ભીડી દીપડાને નીચે પાડી ઠાર કરીને પ્રજાને બચાવી હતી.
રાજકોટમાં બસમાં થતી છેડતીનુ કાયમી નિરાકરણ કર્યું
રાજકોટમાં સીટી બસમાં દીકરીઓની છેડતી કરતી એક ગેંગ હતી. ઝાલાસાહેબ રાજકોટ ફરજમાં હતા, એક દિવસ સાદા વેશમાં બસમાં ચડી જેવી છેડતી થઇ કે ઝંઝીર (લોઢાની સાંકળ) લઈને ટપોરીઓની ધોલાઈ કરી, છાપામાં આવ્યું. ત્યારથી છેડતી થતી બંધ થઇ ગઈ. લોકોના છુપા આશીર્વાદ મળ્યા. આવી તો એમના જીવનની અનેક ઘટનાઓ છે. ઝાલાસાહેબને ગુજરાતમાં જેટલી લોક પ્રસંશા મળેલી, એટલી બીજા પોલીસ ઓફિસરને મળી હોય, એવું સાંભળ્યું નથી.
‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે ‘જંજીરવાલા’થી પ્રેરિત રોલ કર્યો હતો
વર્ષ 1990માં રીલિઝ થયેલી રાજ બબ્બર અને જીતેન્દ્ર સ્ટારર તેમજ અબ્બાસ-મસ્તાન નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે તેમના જીવન પરથી પ્રેરિત એસ.પી. ‘જંજીરવાલા’નો રોલ કર્યો હતો.
નિવૃત્ત એસપી એમ. એમ. ઝાલા સાહેબને તૃતીય વાર્ષિક પુણયતિથિ પર કમલ સુવાસ ટીમ દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ છે.