બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા
કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય
રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ
અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી
રાજાના ઈશારે ઢોલીએ ઢોલ પર દાંડી ટીપી. ઘોડી અને લીંબાએ દોડવાનું શરુ કર્યું
અરણીટીંબા છોડી માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા ગામમાં તો અમુક નવા લુણસરીયામાં સ્થાયી થયા છે
આજથી લગભગ દોઢસો વરસ પહેલાની આ વાત છે. વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ અરણીટીંબામાં ત્યારે ભરવાડ સમાજના કુટુંબો રહેતા. ગાડ- બકરા ચરાવી ગુજરાન ચલાવતા. સીમમાં ગાડ- બકરા ચરાવી બપોરના પાણી પીવડાવી માલને પોરો ખવડાવવા ખરાબામાં ઝાડના છાંયે કોઈ એક ઠેકાણે બેસાડી, જારનો રોટલો ચટણી ખાઈ આરામ કરતા. કોઈ વળી બકરીના આંચળમાંથી દૂધની સેઈર સીધી મોઢામાં પાડી પેટની ભૂખ ભાંગતા. અમુક જુવાનિયા ભાયબંધુ હારે ઝાડવા પર ઓળકામણું રમે, રાગ સારો હોય એવો જુવાનિયો દુહા કે લોકગીત લલકારે.
વાંકાનેરના રાજકુમાર ઘોડી લઈને ખેલવવા નિકળે અને તારવવાને બદલે વાઘ બેઠું હોય તેના સોંસરવી હાંકે. આથી ભડકીને ભાગતા અમુક ઘેટાં બકરા હડફેટે આવે અને લૂલા થઇ જાય. રાજાના કુંવરને કાંઈ કહેવાય નહીં, એમાં એક દિ’ જુવાનિયા, નામે લીંબો- ના બાપાએ માલના લૂલા થઇ જવા કારણ પૂછતાં લીંબાએ વિગતે વાત કરી કારણ જણાવ્યું.
બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા. કચેરીમાં આવી બાપાએ રાજાને બધી વાત કરી અને કુંવરને બપોરના બેઠેલા વાઘથી ઘોડી છેટી હાંકવાનું ફરમાન કરવા વિનંતી કરી.
રાજાએ આખી વાત સાંભળી પછી બાપાને જણાવ્યું કે ‘કુંવરની લાખ રૂપિયાની ઘોડી તારા બે કાવળીયાના ઘેટાં બકરા માટે તારવવી યોગ્ય ગણાય નહિ. ઘોડીના હાલવાના માર્ગે તમારે માલ નહિ બેસાડવાનો. આવડી મોટી સીમ છે’
‘માલ જ્યાં પણ બેસાડે ઘોડી ત્યાં જ હાંકે છે’
‘કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય’
એમાં હાજર દરબારીઓ ભરવાડ બાપાના દાંત કાઢી ઉતારવા મંડયા. લીંબાના બાપાને આથી ખોટું લાગ્યું. ભોંઠપમાં બોલી ગયા, ‘જોઈ તમારી લાખ રૂપિયાની ઘોડી ! મારો લીંબો ધોળવામાં ઘોડીથી આગળ થઇ જાય !!’
રાજાની આંખના ભંવર ચડી ગયા. એક છોકરો કુંવરની ઘોડીથી પણ આગળ થઇ જાય, તો તો અપમાન થયુ કહેવાય. રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ.
બાપાએ અરણીટીંબા આવીને બધી વાત દિકરા લીંબાને કરી. દરબારમાં નક્કી થયેલી વાતથી પાછી પાની કરાય એમ નહોતી. નક્કી થયેલા દિ’ અને સમયે રાજા કુંવર હારે અરણીટીંબાની સીમમાં હરખણી બાજુના રસ્તે ઘોડી લઈને પુગ્યા. અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી પગે લાગી હરીફાઈના સ્થળે પૂગ્યા.
આજ લીંબો મરવાનો, એવા ભાવ સાથે માણસો હરીફાઈનો તમાશો જોવા ભેગા થયા. કોઈ ઝાંપે ગોઠવાણા, કોઈ હરીફાઈના ઠેકાણે તો કોઈ ધોળવાના મારગમાં વચ્ચે ઉભા રહી ગયા. ધોળવાની શરૂઆત કરવા માટેના દોરેલા લીટે કુંવર ઘોડી પર ચડીને બેઠા છે, રાજાએ આપેલું બીડું ઝડપીને લીંબો ઉભો છે. સવા શેર લોહી ચઢાવે એવી વગડાની હવા અને ચોખા દૂધ-ઘી ખાઈને મોટો થયેલા લીંબાના હાથ-પગમાં જુવાની આંટો લઇ ગઈ છે. સામા પક્ષે રાજાના કુંવરની ઘોડીમાં તો કોઈ મોરપ હોય જ નહિ! રાજાના ઈશારે ઢોલીએ ઢોલ પર દાંડી ટીપી. ઘોડી અને લીંબાએ દોડવાનું શરુ કર્યું.
લોકોના રાડા રીડિયા ‘એ જાય.. એ જાય..’વચ્ચે ધૂળની ડમરી ઉડાડતા, ઘડી-બઘડીમાં તો નજરથી પણ દૂર ભાગતા ક્યારેક લગોલગ, ક્યારેક ઘોડી આગળ તો ક્યારેક લીંબો આગળ! તીર ઝડપે ભાગતા જાય છે. એમાં કુદરતને કરવું ઘોડીને રસ્તામાં આવેલા બાવરીયાના નાના ઝુંડમાં રહેલા ઠૂંઠાનું ઠેબું લાગ્યું, કુંવરે તો બેલેન્સ બનાવી રાખ્યું પણ ઘોડીની સ્પીડ થોડી ઘટી, તીર ઝડપે ભાગતા અરણીટીંબાના ઝાંપે કુંવર પોગે એ પહેલા લીંબો પહોંચી ગયો. ઝાંપાની વંડીએ હાથનો થાપો મારી દીધો. કુંવરને અને લીંબાને જો કે, જાજો ફેર નહોતો રહ્યો, પણ રુલ ઈ રુલ, લીંબો જીતી ગયો. બાપાએ દીકરાના ગાલ પર ખુશીથી હાથ ફેરવ્યો, માથાના ફારિયાથી દીકરાને પરસેવો લૂછી હવા નાખવા લાગ્યા.
વાત માનવામાં આવે તેવી નહોતી, આ તો ચમત્કાર થયો ગણાય ! લોકો મોઢામાં આંગળા નાખી ગયા, રાજાએ લીંબા ભરવાડને સરપાવ આપ્યો. ‘અમારે મન અમારા માલનું મૂલ તમારા કુંવરની ઘોડી કરતા જરાય ઓછું નથી. અરણીટીંબાનું પાણી આજથી હરામ ! આ તો સારા પરતાપ મારી આ માતાના કે આજ લાજ રાખી, હવે અરણીટીંબામાં કોઈ ભરવાડ કુટુંબ રહેશે નહિ.’ લીંબો અને એના બાપા ધાવડી માતાને પગે લાગ્યા, ‘ઘોડીને બાવળના ઠૂંઠામાં ઠેબું તેં જ ખવડાવ્યું માં ! નકર અમે હારી જાત, અમારી હારે રહેજે, અમે હવે જાય છી’
રજા લઈને અરણીટીંબા છોડી સીમાડાના રાજમાં જવા માલઢોર સાથે ખાટા મને હાલી નિકળ્યા, રાજા આડા ફર્યા, આવા જોરૂકા અને શ્રદ્ધાળુ રૈયતને જાવા ન દેવાય. આ તો રાજનું ઘરેણું કહેવાય. રાજાની બહુ જ વિનવણીથી લીંબો અને એના બાપા પીગળી ગયા. વાત માની લીધી, પણ અરણીટીંબામાં તો રહેવું જ નહીં, માલ-લબાચા ભરી વાંકાનેર રાજના જ તાબાના માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા ગામમાં તો અમુક નવા લુણસરીયામાં સ્થાયી થયા છે, પણ પછી આજ સુધી અરણીટીંબામાં કોઈ ભરવાડ કુટુંબ સ્થાયી થયું નથી.
નોંધ: (1) નવા લુણસરીયાના અરણીટીંબાના એ કુટુંબના જ ભરવાડ હિન્દુભાઇ જીણાભાઇએ કહેલી વાતના આધારે આ લખેલ છે (2) લીંબો નામ કાલ્પનિક છે (3) ધાવડી માતાજીનું સ્થાનક હાલ મંડળીના ગોડાઉન સામે આવેલું છે (4) હાલમાં પણ ભરવાડ કુટુંબના કેટલાક અરણીટીંબાનું પાણી પિતા નથી (5) અરણીટીંબામાં ભરવાડ ન રહેતા હોવાના કારણમાં કેટલાક શાબાવાનો શ્રાપ હોવાનું કહે છે, પણ શાબાવાનો સમયકાળ ચારસો વરસ ઉપરનો હોવાથી અને આ ઘટના દોઢસો વરસ પહેલાની હોવાથી આ વાતનો છેદ ઉડી જાય છે (6) અરણીટીંબામાં શાબાવાના નામની જમીન રાજાએ ફાળવેલી, જેની ઉપજ એમની દરગાહમાં જાય છે, આ જમીનમાં ભરવાડ લોકો ભેલાણ કરવાના કારણસર એમને અરણીટીંબા છોડવું પડયું , એવી પણ લોકવાયકા છે. – નઝરૂદીન બાદી