તરણેતર નામ કઈ રીતે પડ્યું?
મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. દરેક મેળાની સાથે તેના મહાત્મ્ય અને જે તે સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલો હોય છે. આજે મેળો એક ઉત્સવ બની ગયો છે, જેમાં અબાલવૃદ્ધ સૌ કોઈ ઉમંગભેર ભાગ લે છે. દેશનું પ્રત્યેક રાજ્ય આવા મેળાઓથી સભર છે જેમાં ગુજરાતને શિરમોર ગણી શકાય. મેળામાં લોકજીવનનો ઉમંગ ઉત્સાહ, લોકસંસ્કૃતિની રંગીન કલાત્મક્તાનો સ્વાભાવિક આનંદ છતો થાય છે.જાણો ધાર્મિક મહાત્મય
ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ખાતે આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે.તરણેતરનો મેળો એટલે આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય. ત્યારબાદ ચોથના દિવસે રંગત જામે, યૌવન ખીલે અને રાસ, ગરબા, દુહા અને છંદની રમઝટ બોલે. ટીટોડો અને હૂડારાસ એ તરણેતરના મેળાનું આગવું અંગ છે. ત્યારબાદ ઋષિપાંચમે વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળિયાદના મહંત દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ દિવસે મંદિરની ત્રણ દિશાઓમાં આવેલા કુંડમાં નાહવાનું અનેરું મહાત્મ્ય છે. સાંજે ગંગા વિદાય આરતી થાય છે. આ વર્ષે તરણેતર મેળો ૦૬ સપ્ટેમ્બરથી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ દરમિયાન યોજાશે.તરણેતર નામ કઈ રીતે પડ્યું?
પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર “દ્વિપકલ્પ” તરીકે ઓળખાતો હતો. એ વખતે ધીરે-ધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નીકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી. એ જે ટોચનો વિસ્તાર છે તે, સૌરાષ્ટ્રનો “પાંચાળ” વિસ્તાર છે. પાંચાળનો ઘેરાવો બહુ મોટો નથી, પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહુ મોટુ મહત્ત્વ છે. સ્કંદપુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ ભૂમિ પર તપસ્યા કરી હતી. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રી વિષ્ણુએ ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયા અને છેલ્લું ૧ કમળ ખૂટ્યું ત્યારે તેમણે પોતાનું જમણું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારે ભગવાન શંકર લીંગમાંથી પ્રગટ થયાં અને નેત્ર લઈને પોતાના કપાળે લગાવી દીધું. ત્યારથી તેઓ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આથી આ પવિત્ર સ્થાનનું નામ ત્રિનેત્રેશ્વર પડ્યું. તેના પરથી અપભ્રંશ થતાં ગામનું નામ “તરણેતર” પડ્યું. વાયકા મુજબ, બીજી વખત કણ્વ મુનિનાં ભક્તિનાં પ્રભાવથી શિવલીંગમાંથી ભોળાનાથ પ્રકટ થયા. જેમને પાંચમુખ, દશભૂજા અને ત્રણ નેત્ર હતા. તે શિવની મૂર્તિ આજે પણ ત્રિનેત્રેશ્વર મંદિરમાં સ્થાપિત છે.દ્રૌપદીને પામવા અર્જુને પાણીમાં માછલીની આંખ વીંધી તે આ પાંચાળભૂમિ
પાંચાળ એટલે પૌરાણિક કથાઓનું ઘર. પૌરાણિક કથા અનુસાર, આ મેળો પ્રાચીનકાળથી અહીં ભરાય છે. તેની ઉત્પત્તિ દ્રૌપદીના સ્વયંવરની કથા સાથે જોડાયેલી છે. દ્રૌપદીનો સ્વયંવર આ જ સ્થાને યોજાયો હતો. આ કુંડનાં પાણીમાં પ્રતિબિંબ જોઈ મહાન તીરંદાજ અર્જુને માછલીની આંખ વીંધવાનું મુશ્કેલ કાર્ય માત્ર પાણીમાં તેના પ્રતિબિંબને જોઈને કર્યું હતું. આ પરાક્રમ દ્વારા દ્રૌપદીને પામીને વિવાહ કર્યા હતા. દ્રૌપદી એટલે કે પાંચાલીના નામે આ ભૂમિ “પાંચાલભૂમિ” તરીકે ઓળખાયાની લોકવાયકા પણ છે.ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે આવેલા કુંડમાં ગંગાવતરણ કઈ રીતે થયું?
એક દંતકથા મુજબ, પાંચ ઋષિઓએ અહીં નિવાસ કર્યો અને પોતાના આશ્રમો બનાવ્યા. જે ભૂમિને પવિત્ર માનીને પોતાનું ઘર બનાવ્યું તેવા વિસ્તારમાં અસંખ્ય દેવ-દેવતાઓના વાસ છે. ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતે બનાવેલા કુંડમાં પાંચ ૠષિઓએ ભેગા થઈ ગંગાજીને અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કરાવ્યું હતું. તેની પાછળનો ઉદ્દેશ કદાચ તે હોઈ શકે કે આ પાંચાળ વિસ્તારનાં લોકો કદાચ ગંગાજી સુધી હરિદ્વાર કે ૠષિકેશ ન જઈ શકે તો અહીં જ ગંગાજીના અવતરણને નિમિત્ત બનાવ્યું હતું. લોકો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે મહર્ષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, તે રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય એવું અનુમાન છે.પુરાતન પાંચાળની સોડમને માણવા
સૌરાષ્ટ્રની જે શૂરવીર જાતિઓ બહારથી સ્થળાંતર થઈને આવી તે સૌ પહેલાં પાંચાળમાં આવી અને પછી સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારોમાં જઈ વસવાટ કર્યો. પ્રાગૈતિહાસિક કાળથી આ વિસ્તાર માલધારીઓનો વસવાટ રહ્યો છે. માલધારીઓનું જીવન એ સંપૂર્ણ લોકજીવન છે. એમની લોકસંસ્કૃતિ, અસ્મિતા એમણે પરંપરાથી જ ટકાવી રાખી છે. તેનું દર્શન પાંચાળમાં થાય છે. પાંચાળ ભૂમિની તળપદા કોળી જ્ઞાતિમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. એક તરણેતરનો મેળો જાય, કે તરત જ બીજા મેળાની તૈયારી શરૂ થઈ જાય. પહેલાના સમયમાં બળદ માટેના શણગાર અને અમુક અમુક ગામના બળદગાડા વખણાતા હતા. તરણેતરનાં મેળામાં રંગબેરંગી ભરત ભરેલ, મોતી, બટનીયાં, આભલાં અને ફૂમતા- રૂમાલથી શણગારેલી છત્રીઓ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા હોય છે. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી રોકાય છે.