સભ્યની મિટિંગમાં ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે
બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે
ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીઓમાં ઘણા પક્ષપલટા થયા છે. પક્ષપલટાવિરોધી કાયદા છતાં ભારતીય રાજકારણમાં પક્ષપલટાનું કલંક સંપૂર્ણ મિટાવી શકાયું નથી. આયારામ- ગયારામથી માંડીને લિયારામ-દિયારામ સુધી પહોંચી ચૂકેલા પક્ષાંતરના દૂષણને ડામતો બાવનમો બંધારણ સુધારા ખરડો આઠમી લોકસભાએ અભૂતપૂર્વ એકમતીથી બહાલ રાખ્યો હતો. રાજીવ ગાંધીના વડાપ્રધાનપદ હેઠળની સરકારે બંધારણના અનુચ્છેદ ૧૦૧, ૧૦૨, ૧૯૦ અને ૧૯૧માં ફેરફાર સાથેના પરિશિષ્ટ-૧૦ને સામેલ કરતો પક્ષપલટાવિરોધી ખરડો ૩૦મી જાન્યુઆરી, ૧૯૮૫ના રોજ એકપણ વિરોધી મત સિવાય ૪૧૮ મતે લોકસભામાં અને વળતા દિવસે રાજ્યસભામાં પસાર કર્યો હતો. કાયદો દેશભરમાં તમામ સ્તરે લાગુ પડ્યો હતો.
ભારતમાં બહુપક્ષીય લોકશાહી અસ્તિત્ત્વમાં છે. તેમાં રાજકીય પક્ષની નીતિ કે વિચારધારા સાથે અસંમતિથી કોઈ પક્ષ છોડે તે આવકાર્ય છે. પરંતુ મોટા ભાગના પક્ષપલટા અંગત લાભ કે પદ પ્રાપ્તિ માટે થાય છે. હજુરિયા-ખજૂરિયાખ્યાત ગુજરાત પક્ષપલટામાં લગીરે પાછળ નથી.
કાયદો વ્યક્તિગત પક્ષપલટાને તો રોકે છે, પણ સામુહિક પક્ષપલટાને માન્ય રાખે છે.
બાવનમા બંધારણ સુધારા ખરડામાં એક તૃતિયાંશ સભ્યો પક્ષ બદલે તો તેને પક્ષ પલટો નહીં પણ પક્ષવિભાજન ગણી સભ્યપદ યથાવત રાખવાની જોગવાઈ હતી. અનુભવે તેમાં સુધારા થતા રહ્યા છે અને છેલ્લા સુધારા મુજબ હવે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન માનવામાં આવે છે. તેમ છતાં છૂટક અને જથ્થાબંધ પક્ષપલટા ચાલુ છે.
સત્તા પરનો દરેક રાજકીય પક્ષ પોતાને માફક આવે તેવા સુધારા કરે છે. મતદાનની નિશાનીરૂપ અવિલોપ્ય શાહી મતદારની આંગળી પરથી ભૂંસાય તે પહેલાં તેણે ચૂંટેલો પ્રતિનિધિ પક્ષ બદલી નાંખે તેવું ગુજરાતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી પછી બન્યું છે. અને મતદાર પાસે લાચાર બની મોં વકાસી બેસી રહ્યા સિવાય કોઈ ઉપાય નથી. એટલે રાઈટ ટુ રિકોલ કહેતાં લોકપ્રતિનિધિને પાછો બોલાવવાની સત્તા સહિતના ચુંટણી સુધારા રાજસત્તા પર લોકસતાનો અંકુશ સ્થાપી શકશે.
પક્ષપલટા માટે પાર્ટીનું મેન્ડેટ સભ્યને મળેલું હોવું જોઈએ, કોઈ સંજોગોમાં મેન્ડેટ આપવા માટે સભ્ય હાજર ન મળે, તો છટકી શક્યના દાખલા છે. બે પાર્ટી વચ્ચે રસાકસી લગોલગની હોય ત્યારે કોઈ એક સભ્યની બ્હાનાસર ગેરહાજરી પણ પરિણામને અસર કરે છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ