કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ
કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ
વાંકાનેર તાલુકા કંટ્રોલ રૂમના મો.નં . 95123 72101
રાજ્યભરમાં પુનઃ સક્રિય થયેલી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે આગામી ૩ ઓગસ્ટ સુધી વાવાઝોડા જેવા તેજ પવન અને ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અન્વયે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ ખરે ના અધ્યક્ષસ્થાને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરએ તમામ વિભાગીય અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપી હતી. વરસાદી સિસ્ટમ સતત તીવ્ર બની રહી હોવાથી નદીકાંઠા અને નીચાણવાળા સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોનું સમયસર સુરક્ષિત સ્થળે સ્થળાંતર પૂર્ણ કરવા, પશુધનની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને શેલ્ટર હોમ્સ ખાતે પૂરતો ભોજન, પીવાનું પાણી, વીજળી અને તબીબી સુવિધાઓનો સ્ટોક તૈયાર રાખવા આદેશો અપાયા હતા.
કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા બોટ, જેસીબી, પંપ, જનરેટર જેવા સંસાધનોનું મેપિંગ કરી રેસ્ક્યુ ટીમોને સંવેદનશીલ સ્થળોએ અગાઉથી તૈનાત કરવા, જોખમી બ્રિજ, કોઝ-વે કે ઓવરટોપિંગ ધરાવતા માર્ગો પર તાકીદે વાહનવ્યવહાર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા, જોખમી હોડિંગ્સ તથા વૃક્ષોની ડાળીઓ હટાવવા તેમજ ૨૪ કલાક (Round the Clock) કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે વર્ગ-૧ અધિકારીઓની નિમણૂંક કરવા જણાવવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષક પરમાર, પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકા કક્ષા તથા ફિલ્ડ પરના અધિકારીઓ વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા.
ભારે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ
હવામાન વિભાગની આગાહી અનુસાર તા. ૩૧ જુલાઈ થી ૦૨ ઓગસ્ટ દરમિયાન મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને પાક નુકસાની અટકાવવા માટે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને તકેદારીના વિવિધ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને હાલ પૂરતું પાકને પિયત આપવાનું બંધ રાખવા, ખેતરમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ જંતુનાશક દવાઓ અને ખાતરનો છંટકાવ ટાળવા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત, ભારે પવનથી પાકને બચાવવા માટે જરૂરી ટેકા કે મંડપની વ્યવસ્થા કરવા અને હવામાન અંગેની સત્તાવાર માહિતી પર સતત નજર રાખવા જણાવાયું છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતમિત્રોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, જિલ્લા ખેતીવાડી અધિકારી, KVK અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે….

