શિક્ષકોના હિતમાં મોટો નિર્ણય
શિક્ષક હિત, શિક્ષણ હિત અને રાષ્ટ્રહિત માટે સતત સંઘર્ષરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્યના શિક્ષકોની લાંબા સમયથી પડતર રહેલી જિલ્લા ફેરબદલીની સમસ્યાને લઈને રાજ્ય સરકાર સમક્ષ સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્યના અનેક શિક્ષક ભાઈ-બહેનો જિલ્લા ફેરબદલીની પ્રક્રિયામાં ભાગ લીધા બાદ પણ પ્રતીક્ષા યાદીમાં રહી ગયા હતા.



ખાસ કરીને ઓનલાઈન/ઓફલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થયા બાદ અનેક જિલ્લાઓમાં જગ્યાઓ ખાલી રહેતાં અને શિક્ષકોની બદલીની આશા અધૂરી રહેતાં શિક્ષકોમાં નિરાશા અને અસંતોષની લાગણી જોવા મળી રહી હતી.
આ ગંભીર બાબતને ધ્યાને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે, અગાઉના કેમ્પમાં ખાલી રહેલી જગ્યાઓને એકત્રિત કરી, જ્યાં જિલ્લા ફેરબદલીની પ્રતીક્ષા યાદી બાકી હોય તેવા જિલ્લાઓમાં બીજા તબક્કાનો જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવે, જેથી વર્ષોથી પોતાના વતનથી દૂર ફરજ બજાવતા શિક્ષકોને પોતાના પરિવારની નજીક આવવાની તક મળી શકે.સંગઠનની આ રજૂઆતને શિક્ષણ વિભાગ દ્વારા હકારાત્મક રીતે સ્વીકારવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તા. 16 જુલાઈ, 2026ના પત્રથી જિલ્લા ફેરબદલીના બીજા તબક્કાના કેમ્પ યોજવા અંગેની કાર્યવાહી શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય મુજબ જ્યાં જિલ્લા ફેરબદલીની પ્રતીક્ષા યાદી બાકી છે ત્યાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓના આધારે બીજા તબક્કાના જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે. આ નિર્ણયથી વર્ષોથી પોતાના વતન, પરિવાર અને સંતાનોની નજીક આવવાની રાહ જોઈ રહેલા અનેક શિક્ષકોને નવી આશા મળી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ સંગઠન મંત્રી રામલાલ શિંગાળાના જણાવ્યા મુજબ આ માત્ર એક નિર્ણય નથી આ તો હજારો શિક્ષક પરિવારોની આંખોમાં ફરી ઝળહળેલી આશા છે !

