ધોરણ 9 પાસથી સ્નાતક અને આઈ.ટી.આઈ. ની લાયકાત તેમજ 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા નિમંત્રણ
વાંકાનેર : મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. 24-07-2026ના રોજ સવારે 11 કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.



વાંકાનેરમાં વાંકાનેર રાજકોટ હાઈવે, તાલુકા સેવા સદનની સામે આવેલ આઈ.ટી.આઈ. ખાતે આયોજિત આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે.
આ ઔદ્યોગિક ભરતી મેળામાં ભાગ લેવા માટે નોન-મેટ્રિક (ધોરણ 9 પાસ), એસ.એસ.સી., એચ.એસ.સી., આઈ.ટી.આઈ. અથવા સ્નાતક સુધીની શૈક્ષણિક લાયકાત તેમજ 18 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો પાત્ર રહેશે.
ખાનગી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા રસ ધરાવતા તમામ ઉમેદવારોએ પોતાના તમામ અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બાયોડેટાની નકલો અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સ્થળ અને સમયે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતી મેળામાં પ્રત્યક્ષ હાજર રહીને રોજગારીની આ તકનો લાભ ઉઠાવી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે…

