યુરિયાના ભાવમાં વધારો થવાની ભીતિ
ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે
ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે ખાતરના ઉત્પાદન પર અસર પહોંચી છે. મીડિલ ઈસ્ટના દેશોમાંથી આવતા ખાતરના જથ્થામાં ઘટાડો થયો છે પરિણામે ગુજરાતમાં ડીએપી ખાતરની અછતની સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2026માં ખરીફ સિઝન માટે 39 મિલિયન ટન ખાતરની જરૂરિયાત સામે માત્ર 18 મિલિયન ટન જ સ્ટોક છે તે જોતાં આગામી દિવસોમાં ખાતરને લઈને ખેડૂતોની સમસ્યા વધુ વિકટ બને તેમ લાગી રહ્યું છે.
ડાય એમોનિયમ ફોસ્ફેટ અને નાઈટ્રોજન ફોસ્ફરસ, પોટેશિયમ પાયાનું ખાતર છે, જ્યારે યુરિયા પૂરક ખાતર છે. કુલ એનપીકે ખાતરની માંગના માત્ર 65-70 ટકા જ ઘરેલુ ઉત્પાદન દ્વારા પૂર્ણ થાય છે, જ્યારે બાકીના 30-35 ટકા વૈશ્વિક બજારો પર આધાર રાખવો પડે છે. કુલ ખાતરનો વપરાશ 32.6 મિલિયન ટન થયો છે. નાઈટ્રોજનસ ખાતર પણ હજુ પણ આયાત પર આધારિત છે. ફોસ્ફેટિક ખાતરમાં 30-40 ટકા જ્યારે પોટાશમાં 100 ટકા આયાત પર આધાર રાખવો પડે તેમ છે. 
2026 ની ખરીફ સીઝન માટે 39 મિલિયન ટન માંગ છે, જ્યારે વર્તમાન સ્ટોક માત્ર 18 મિલિયન ટન જ છે. આ જોતાં હજુ ખાતર માટે ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડશે. છેલ્લા દસેક મહિનામાં ડી.એ.પી.માં 150 રૂપિયા, એન.પી.કે.માં 850 રૂપિયા, એમોનિયમ સલ્ફેટ 300 રૂપિયા અને પોટાશમાં 550 રૂપિયાનો ભાવ વધારો થયો છે. કેન્દ્ર સરકારે ખાતરની સબસિડી મેટ્રિક ટન દીઠ ફિક્સ કરી દેતા ખેડૂતોને આર્થિક માર ભોગવવો પડે છે. છેલ્લા બે વર્ષમાં ખરીફ અને રવિ એમ બંને સિઝનમાં ડીએપી અને યુરિયા ખેડૂતોને મળતું નથી પરિણામે ખેતીને નુકસાન થઈ રહ્યું છે.
દુનિયામાં નાઈટ્રોજન આધારિત ખાતરના સૌથી મોટા ખરીદદાર એવા ભારત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં યુરિયા માટે મંગાવવામાં આવેલા ટેન્ડરમાં ખાતરના ભાવ પ્રતિ ટન $ 1,000 ની નજીક પહોંચી ગયા છે. પાક માટે જરૂરી એવા આ પોષક તત્વોના ભાવમાં ખરીફ વાવેતર પહેલા ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
ભારત સરકાર વતી ખાતરની આયાત કરતી સંસ્થા ‘ઈન્ડિયન પોટાશ લિમિટેડ’ (IPL) દ્વારા પશ્ચિમ કિનારા માટે 15 લાખ ટન યુરિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ ટેન્ડર સામે અંદાજે 32.9 લાખ ટન માટેની ઓફરો મળી છે. જો કે, આ ઓફરોમાં ભાવ પ્રતિ ટન $935 થી $1,136 ની વચ્ચે નોંધાયા છે, જે અગાઉના ભાવ કરતા ઘણા વધારે છે.

આ ટેન્ડરમાં અરામકો ટ્રેડિંગ કંપની અને અમેરોપા એશિયા સહિત બે ડઝનથી વધુ પુરવઠો પૂરો પાડતી કંપનીઓએ ભાગ લીધો છે. આગામી વાવેતરની મુખ્ય સિઝન શરૂ થાય તે પહેલાં ખાતરનો પૂરતો જથ્થો સુરક્ષિત કરવો ભારત માટે અનિવાર્ય છે. યુદ્ધની સ્થિતિને કારણે પુરવઠા સાંકળ ખોરવાતા અને ભાવ વધતા ખેતીના ખર્ચમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે….
