બાઇકને અજાણ્યા કાર ચાલકે હડફેટે લીધા હતા
મૃતક પંચાસીયા માતાજીના મઢે પૂનમ ભરવા આવ્યા હતા
ટાઉનહોલ પાસે વૃદ્ધ ફીનાઇલ પી ગયા
રેલ્વે પ્લેટફોર્મ ખાતે પડી ગયા
વાંકાનેર: તાલુકાના પંચાસીયા ગામેથી માતાજીના મઢે પૂનમ ભરીને આવતા 28 વર્ષીય ઉમેશ વડગામાનું અજાણી કારની ઠોકરે મોત નીપજ્યું હતું. વાંકાનેરના પંચાસીયાથી પરત પોતાના ગામ જોડિયાના રસનાળ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.


આ અંગે મળતી પ્રાથમિક જાણકારી મુજબ, ઉમેશભાઈ ભગવાનજીભાઈ વડગામા (ઉંમર વર્ષ 28) રહે.રસનાળ, તા. જોડિયા, જિ. જામનગર તા. 5 જૂને પોતાના ઘરેથી બાઈક પર વાંકાનેરના પંચાસીયા ગામે આવેલ પોતાના કુળદેવી ચામુંડ માતાજીના મઢે પૂનમ નિમિતે દર્શન કરવા ગયા હતા. પૂનમ ભરી પરત રસનાળ જવા નીકળ્યા ત્યાં રસ્તામાં પંચાસીયા નજીક અજાણ્યા કાર ચાલકે બાઈક સમેત હડફેટે લેતા ઉમેશભાઈને માથે અને શરીરે ગંભીર ઈજા થઈ હતી.

બેભાન હાલતમાં તેમને ટંકારાની સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે 5.45 વાગ્યાં આસપાસ તેમનું મોત નીપજ્યું હતું. કુટુંબીજનો એ જણાવ્યું કે ઉમેશભાઈ 5 ભાઈ અને 2 બહેનમાં નાના હતા. તેમના પત્નીનું નામ ઉર્મિલાબેન છે. ઉમેશભાઈ સ્પીકર બોક્સ બનાવવાનું અને ફર્નિચર મિસ્ત્રી કામ કરતા હતા. યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા અને તેની શોધખોળ કરવા તજવીજ કરી હતી.
ટાઉનહોલ પાસે વૃદ્ધ ફીનાઇલ પી ગયા
જાણવા મળ્યા મુજબ વાંકાનેરના ટાઉનહોલ પાસે રહેતા હકાભાઈ ભીખાભાઈ રાઠોડ નામના ૬૫ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હોય તેમને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
રેલ્વે પ્લેટફોર્મ ખાતે પડી ગયા
બીજા બનાવમાં વાંકાનેર ખાતે રહેતા આકાશભાઈ સમરતભાઈ નામનો ત્રીસ વર્ષીય યુવાન રેલ્વે પ્લેટફોર્મ ખાતે પડી ગયો હોય ઈજા પામતા તેને પણ મોરબી ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

