જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી
3 રસ્તાઓ વાંકાનેર પાલિકાને સોંપાશે
બીનખેતીની જમીન પરનો કર એકસમાન રાખવા સરકારમાં દરખાસ્ત
વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી. આ સભામાં રસ્તાઓ, જમીન મહેસૂલ, વિવિધ સમિતિઓના સભ્યોની નિમણૂક અને વિકાસના કામો સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યસૂચિના તમામ મુદ્દાઓને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત સભામાં સભ્યોએ રોડ-રસ્તાની બિસ્માર હાલતના પ્રશ્નો પણ ગજવ્યા હતા.


વાંકાનેરના સદસ્યો દ્વારા રોડ-રસ્તાની ખરાબ હાલત સહિતના પ્રશ્નો રજૂ કરાયા
24-તીથવા સીટ પર જીતેલા સદસ્ય મહેબુબભાઈ આહમદભાઈ કડીવાર દ્વારા વિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે પ્રશ્નો રજૂ કરાયા છે. જેમાં મોરબી જિલ્લાના જોડાતા ગામોના રસ્તાઓ જેવા કે તીથવા, જડેશ્વર, અરણીટીંબાથી નવી કલાવડી સુધીના અને અન્ય તાલુકા મથકોને જોડતા માર્ગો છેલ્લા 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેનું રિસરફેસિંગ અને સમારકામ કરવા માંગ કરાઈ છે. આ ઉપરાંત અરણીટીંબાથી પીપળીયા રાજ અને પાંચ દ્વારકા તેમજ પ્રતાપગઢના રોડના નવા બનતા રસ્તા છેલ્લા 2 વર્ષથી અધૂરા મુકાયા છે, તેને સત્વરે પૂર્ણ કરવા રજૂઆત થઈ છે.
રાતીદેવળી ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગંદા પાણીના નિકાલના અભાવે 3000 થી વધુ વસ્તી ડેન્ગ્યુ અને અન્ય રોગોનો ભોગ બની રહી છે, જેથી 500 મીટર લાંબા 1 ડાયામીટરના સિમેન્ટ પાઈપ નાંખી આ સમસ્યા હલ કરવા માંગ ઉઠી છે. વધુમાં, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતોમાં ડોર ટુ ડોર સફાઈની ગ્રાન્ટ વપરાઈ જવા છતાં નિયમિત સફાઈ થતી નથી, વિકાસના કામોમાં તાલુકા મદદનીશ ઇજનેર દ્વારા સીધી દેખરેખ ન રખાતી હોવાથી કામો નબળી ગુણવત્તાના થાય છે, અને જિલ્લા પંચાયતની માલિકીની જમીનમાં રહેતા ઝૂંપડપટ્ટીવાસીઓને વેરા રસીદ કે ગામ નમૂનાના અભાવે પીજીવીસીએલ દ્વારા ઘરવપરાશના વીજ કનેક્શન અપાતા નથી તેવા મુદ્દાઓ ઉઠાવી કડક અમલવારી અને નિયમોને આધીન લાભ આપવા રજૂઆત કરાઈ છે.
14-લુણસર સીટના સદસ્ય પાંચાભાઈ વશરામભાઈ ધરજીયા દ્વારા વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે મહા નદી પરનો રસ્તો ધોવાઈ જતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે, તેનું તાત્કાલિક રિપેરિંગ કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે વાંકાનેર નેશનલ હાઇવેથી કેરાળા જતો સિંગલ પટ્ટી રોડ નીચાણવાળો હોવાથી ચોમાસામાં 1 મીટર જેટલું પાણી ભરાય છે, તેમાં 2 કિલોમીટર જેટલા અંતરમાં ભરાણ કરાવી રોડ ઊંચો લેવા માંગ કરી છે.
17-પંચાસીયા સીટના સદસ્ય ફુલસુમબેન અકબરભાઈ બાદી દ્વારા મોરબી જિલ્લા પંચાયત હસ્તકના 3.75 મીટરના સાંકડા માર્ગોને 5.5 અને 7 મીટર જેટલા પહોળા કરવા રજૂઆત કરી છે. સાથે જ રાતીદેવળીથી અદેપર, લગધીરનગર થઈ લીલાપર સુધીનો અંદાજે 25 કિલોમીટર લાંબો શોર્ટ રૂટ માર્ગ વાહનવ્યવહારથી ધમધમતો હોવાથી તેને સ્ટેટ હાઈવેને સોંપવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
રસ્તાઓની સોંપણી અને નવીનીકરણ અંગે ચર્ચા
સ્તાઓની સોંપણી અને નવીનીકરણ અંગે સભામાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. 3 રસ્તાઓ વાંકાનેર નગરપાલિકાને સોંપવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે.
બીનખેતીની જમીન પરના કરના દરો
મહેસૂલ અને જમીન સંબંધિત અગત્યના નિર્ણયોમાં બીનખેતીની જમીન પરના કરના દરોનો મુદ્દો મુખ્ય હતો. મોરબી જિલ્લાની રચના વખતે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી ગામો ભળ્યા હોવાથી આ દરો અલગ અલગ હતા. સમગ્ર જિલ્લામાં એકસમાન દર રાખવા માટે આગામી 5 વર્ષ (01/08/2026 થી) માટે 3 રૂપિયા (300 પૈસા) નો દર નક્કી કરી મંજૂરી અર્થે સરકારમાં દરખાસ્ત મોકલવા ઠરાવ કરાયો છે. વધુમાં, જે ગ્રામ પંચાયતોમાં આંગણવાડી કે શાળાના બાંધકામ માટે સરકારી જમીનો ઉપલબ્ધ નથી, ત્યાં પંચાયત કે સોસાયટીની સાર્વજનિક જમીનનો ઉપયોગ ગ્રામજનોની સંમતિથી કરવાનો ઠરાવ કરાયો છે…

