કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

સુપ્રીમ કોર્ટે ખેડૂતોનું જમીન વળતર વધાર્યું

જાણો મોટો નિર્ણય

ખાસ અધિકારનો ઉપયોગ કર્યો
રૂ. 3 લાખનું નક્કી થયેલું વળતર રૂ. 6.5 લાખ કરવાનો આદેશ

સુપ્રીમ કોર્ટે ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ માન્યું છે કે, એક જ નોટિફિકેશન (અધિસૂચના) હેઠળ સંપાદિત કરવામાં આવેલી જમીનોના તમામ કેસોમાં વળતરનો દર પણ એકસરખો જ હોવો જોઈએ. આ સિદ્ધાંતને આધારે કર્ણાટકના જમીન માલિક ખેડૂતો સાથે પૂર્ણ ન્યાય કરવા માટે સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ-142 (Article 142) હેઠળ મળેલી પોતાની વિશેષ શક્તિઓનો ઉપયોગ કરીને વળતરની રકમમાં મોટો વધારો કર્યો છે.

આ સમગ્ર મામલો 11 ફેબ્રુઆરી, 1999 ના રોજ બહાર પાડવામાં આવેલી એક અધિસૂચના સાથે જોડાયેલો છે. આ નોટિફિકેશન હેઠળ કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં જમીન સંપાદન (Land Acquisition) કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં જમીન સંપાદન અધિકારી દ્વારા નક્કી કરાયેલા એવોર્ડ બાદ વર્ષ 2001 માં રેફરન્સ કોર્ટે ખેડૂતો માટે પ્રતિ એકર રૂ. 3 લાખનું વળતર નક્કી કર્યું હતું.

આ વળતરથી અસંતોષ વ્યક્ત કરીને ખેડૂતો હાઇકોર્ટ પહોંચ્યા હતા. હાઇકોર્ટે વળતર વધારીને પ્રતિ એકર રૂ. 5 લાખ કર્યું હતું. પરંતુ ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, કારણ કે આ જ નોટિફિકેશન હેઠળ સંપાદિત થયેલી અન્ય જમીનો માટે અગાઉ રૂ. 6.5 લાખ પ્રતિ એકરનું વળતર મંજૂર કરવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર અને જમીન સંપાદન ઓથોરિટીએ એવી દલીલ કરી હતી કે ખેડૂતોએ અપીલ કરવામાં ખૂબ જ મોડું કર્યું છે. હાઇકોર્ટમાં અપીલ કરવામાં 2383 દિવસ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ખાસ પરવાનગી અરજી (SLP) દાખલ કરવામાં 2044 દિવસ – એમ કુલ 4427 દિવસનો અસાધારણ વિલંબ થયો હતો.
જોકે, જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે નોંધી હતી કે રેકોર્ડ મુજબ આ જ નોટિફિકેશનના અન્ય કેસોમાં રૂ. 6.5 લાખ પ્રતિ એકરનો દર પહેલાથી જ લાગુ થઈ ચૂક્યો છે. તેથી, સમાનતાના ધોરણે આ ખેડૂતો પણ તેટલા જ વળતરના હકદાર છે.સુપ્રીમ કોર્ટે અપીલમાં થયેલા અતિશય વિલંબને ધ્યાનમાં રાખીને એક વચ્ચેનો રસ્તો કાઢ્યો છે. અનુચ્છેદ-142ની શક્તિનો ઉપયોગ કરીને ખેડૂતોનું વળતર પ્રતિ એકર રૂ 5 લાખથી વધારીને રૂ. 6.5 લાખ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અપીલ કરવામાં જે લાંબો વિલંબ થયો છે, તે સમયગાળાનું કોઈ પણ પ્રકારનું વ્યાજ ખેડૂતોને આપવામાં આવશે નહીં.

સર્વોચ્ચ અદાલતના આ નિર્ણયથી એ સાબિત થાય છે કે ટેકનિકલ કારણો કે વિલંબના આધારે નાગરિકોને તેમના મૂળભૂત ન્યાય અને સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં.

Content Copying Forbidden !!

error: Content is protected !!