ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ₹ 5 લાખની ગ્રાન્ટ ફાળવી
વાંકાનેર: તાલુકાની ભાટિયા સોસાયટીમાં પીવાના પાણીની ચાલી આવતી સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સ્થળ પર ₹ 5 લાખની ગ્રાન્ટ ફાળવી છે. સરપંચ સહિતના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ ધારાસભ્યએ સોસાયટીની મુલાકાત લીધી હતી.
ભાટિયા સોસાયટીમાં આશરે 7,000 લોકોની વસ્તી છે. અહીં ઘરે ઘરે પાણી આવે છે, પરંતુ તે ક્ષારયુક્ત હોવાથી પીવાલાયક નથી. આ કારણે સોસાયટીના અનેક લોકો ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે. અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી પહોંચાડવાના પ્રયાસો થયા હતા, પરંતુ તે સફળ રહ્યા ન હતા.




ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચ ટીનુંભા જાડેજાએ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સમક્ષ આ સમસ્યા રજૂ કરી હતી. ધારાસભ્યએ પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઉકેલ લાવવા પાણી પુરવઠા વિભાગને આદેશ કર્યો હતો. તેમણે પોતાની ગ્રાન્ટમાંથી સરકારની જિલ્લા કૂવા યોજના અંતર્ગત કૂવો બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ પ્રજાજનોની ઉપસ્થિતિમાં ફાળવી હતી. આ ઉપરાંત, પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે વાસ્મો યોજના લાગુ પાડવાની ખાતરી પણ આપી હતી.
ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના જણાવ્યા અનુસાર, #5 લાખની ગ્રાન્ટમાંથી કૂવો બનાવાશે અને પાણી પુરવઠા વિભાગ ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે જરૂરી યાંત્રિક સામગ્રી પૂરી પાડશે. ભવિષ્યમાં પાણીના ટાંકા બનાવવા માટે આગામી સંકલન બેઠકમાં રજૂઆત કરી રેવન્યુ વિભાગ દ્વારા જમીન સંપાદન માટે પ્રયાસો કરાશે. આ પ્રસંગે ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચ ટીનુંભા જાડેજા, ઉપસરપંચ સદામભાઈ શેરસીયાં, ગામના અગ્રણીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ધારાસભ્યએ સ્થળ પર ગ્રાન્ટનો પત્ર સુપરત કર્યો હતો…



