કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ધાડ પાડવાની તેમની યોજના અધૂરી રહી

ધાડ પાડવાની તેમની યોજના અધૂરી રહી

છ જણા વાંકાનેરથી રાજકોટ પુગ્યા હતા

તીક્ષ્ણ છરીઓ,શટર કે ગ્રીલ કાપી શકાય તેવું મોટું કટર, દિવાલમાં કાણું પાડવા માટેની બે લોખંડની કોષ, પ્લાસ્ટિકની પાઇપ, 27 અલગ-અલગ પાના-પકડ, ડિસમિસ તથા અન્ય ઓજારો જપ્ત

રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મળી છે, જ્યાં આજી જીઆઇડીસી વિસ્તારમાં ફેક્ટરીઓમાં ઘાડ અને લૂંટ ચલાવવાની પૂર્વ આયોજિત તૈયારી સાથે નીકળેલા છ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.આ તમામ શખ્સો વાંકાનેરથી ઓટો રિક્ષામાં બેસીને રાજકોટ ગયા હતા અને બુધવારના રોજ ફેક્ટરીઓ બંધ હોવાનો લાભ લઈને કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાના ફિરાકમાં હતા, પરંતુ પોલીસની સતર્કતાના કારણે મોટો અનર્થ ટળી ગયો છે.

ઘટનાની વિગતો મુજબ, 29 જુલાઈ 2026 ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બપોરે 12:30 વાગ્યાના અરસામાં 80 ફૂટ રોડ, ટર્બો ગેટથી આગળ આજી જીઆઇડીસી ખાતે જાહેર રોડ પર એક શંકાસ્પદ સીએનજી ઓટો રિક્ષા ઊભેલી જોવા મળી હતી. આ રિક્ષામાં છ જેટલા શંકાસ્પદ ઇસમો બેઠેલા હતા. પોલીસ કાફલાએ ત્વરિત કાર્યવાહી કરીને પંચોની હાજરીમાં આ તમામ શખ્સોની પૂછપરછ અને અંગઝડતી હાથ ધરી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી જીવલેણ હથિયારો અને ઘરફોડ ચોરીના અદ્યતન સાધનો મળી આવ્યા હતા.

ઝેડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમની ઓળખ જાવિદભાઈ ઉર્ફે જાવલો સલીમભાઈ બુખારી, સાહિલભાઈ ઉર્ફે કુકો દિનેશભાઈ ચારોલીયા, અખતર ઉર્ફે ભુરો આમદભાઈ મકરાણી, સાહિલભાઈ મુસાભાઈ માજોઠી, સુનીલભાઈ ઉર્ફે કટ્ટિ કાળુભાઈ બાબરીયા અને સાહિલભાઈ ઉર્ફે ટકો શબીરહુસૈન રફાઈ (તમામ રહેવાસી વાંકાનેર) તરીકે થઈ છે. આ પકડાયેલા શખ્સો પૈકી જાવિદભાઈ અને સાહિલભાઈ ઉર્ફે ટકોના કબજામાંથી 12 ઇંચ લાંબી તીક્ષ્ણ છરીઓ મળી આવી હતી. આ ઉપરાંત તેમની સીએનજી ઓટો રિક્ષામાંથી શટર કે ગ્રીલ કાપી શકાય તેવું મોટું કટર, દિવાલમાં કાણું પાડવા માટેની બે લોખંડની કોષ, પ્લાસ્ટિકની પાઇપ, 27 અલગ-અલગ પાના-પકડ, ડિસમિસ તથા અન્ય ઓજારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ તમામ મુદ્દામાલ અને રિક્ષા સહિત કુલ રૂપિયા 56,920/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સ્ટેશન લાવ્યા બાદ યુક્તિ-પ્રયુક્તિથી કરવામાં આવેલી કડક પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ વાંકાનેરથી ઓટો રિક્ષા લઈને રાજકોટ આવ્યા હતા અને ઘટનાના દિવસે બુધવાર હોવાથી જીઆઇડીસી વિસ્તારના કારખાનાઓ બંધ હોય છે, જેનો લાભ લઈને ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા કારખાનાઓમાં ઘાતક હથિયારો સાથે ધાડ પાડવાની તેમની યોજના હતી. જોકે, તેઓ કોઈ પણ મોટી ચોરી કે લૂંટને અંજામ આપે તે પહેલા જ થોરાળા પોલીસની સક્રિય ટીમ દ્વારા તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બનાવ અંગે થોરાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 310(4), 310(5), 61(2)(એ) તથા જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ તથા પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચવા બદલ આ તમામ છ આરોપીઓ સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!