જીનપરા ગૌશાળા રોડ પરનો બનાવ
ભોગ બનેલ વિધવા- નિઃસંતાન અને માનસિક અસ્થિર
વાંકાનેર: અહીં જીનપરા ગૌશાળા રોડ પર રહેતા યુવાને એમની બાજુમાં વિધવા – નિઃસંતાન અને માનસિક અસ્થિર મહિલા રહે છે, જેની દવા તેમજ ખાવા- પીવાનું ફરિયાદીનો પરીવાર કરે છે મહિલાએ ભીખ માંગીને ભેગા કરેલા રૂપીયા જે પ્લાસ્ટીકની મોટી થેલીમાં મુકતા હતા તે થેલી ચોરાઈ છે…



જાણવા મળ્યા મુજબ વાંકાનેર જીનપરા ગૌશાળા રોડ પર રહેતા રમેશભાઇ બચુભાઇ મકવાણા (ઉ.વ.૪૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે એમની બાજુમાં રહેતા નિર્મળાબેન મગનભાઇ ગોહેલના પતિ નવ વર્ષ પહેલા મરણ ગયેલ છે અને તેમને કોઈ સંતાન નથી અને તેઓ ઘણા સમયથી માનસિક અસ્થિર હોઇ જેઓની દવા તેમજ ખાવા- પીવાનું ફરિયાદીનો પરીવાર કરે છે માનસિક અસ્થિર નિર્મળાબેનભીખ માંગીને રૂપીયા ભેગા કરતા હતા અને તેઓ આ રૂપીયા એક પ્લાસ્ટીકની મોટી થેલીમાં મુકતા હતા નિર્મળાબેન ઘરેથી જતા રહે તો ત્રણ-ચાર દિવસ સુધી પરત આવતા નથી અને ગઈ તા: ૧૨/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના નિર્મળાબેનના ઘરના દરવાજાનું તાળુ અને બારશાખ પણ તુટેલ હાલતમાં જોવામા આવેલ જેથી ફરિયાદીએ આ નિર્મળાબેનના ઘરમાં જઈ જોતા સામાન વેર વિખેર હાલતમા પડેલ હતો તેમજ આ નિર્મળાબેન જે પ્લાસ્ટીકની મોટી થેલીમાં ભીખ માંગીને ભેગા કરેલ રૂપીયા મુકેલ હોઇ તે થેલી જોવા મળેલ નહી
આ નિર્મળાબેને આશરે છેલ્લા સાત-આઠ વર્ષથી ભીખ માંગતા હોઇ જેથી તેઓએ ભીખ માંગીને આશરે રૂપીયા ૫૦,૦૦૦/- જેટલા ભેગા કરેલ હતા નિર્મળાબેન પણ બે-ત્રણ દિવસથી ઘરે નથી પોલીસ ખાતાએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુન્હો ભારતીય ન્યાય સહીંતા અધિ-૨૦૨૩ ની કલમ-૩૦૫, ૩૩૧(૩),૩૩૧(૪) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

