ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું સરપ્રાઈઝ ચેકિંગ
વાંકાનેર-કુવાડવા રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઈ નદી પર નવા બ્રિજ નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. ક્ષતિગ્રસ્ત જૂના બ્રિજના સ્થાને બનનારા આ બ્રિજ માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹18 કરોડ મંજૂર કર્યા હતા. હાલ જૂના બ્રિજને હટાવવાની કામગીરી ચાલી રહી છે.





જૂના બ્રિજને તોડી પાડવામાં આવતા, બાજુમાં બનાવેલો ડાયવર્ઝન રોડ સાંકડો પડતો હતો. આના કારણે વાંકાનેર-રાજકોટ સહિતના અનેક વાહનોના પસાર થવાથી દિવસભર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ડાયવર્ઝનને પહોળું કરવા રજૂઆત કરી હતી.
ધારાસભ્યની રજૂઆતને પગલે ડાયવર્ઝન પહોળું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીની ગુણવત્તા ચકાસવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટરને સારી અને મજબૂત કામગીરી કરવા સૂચના આપી, જેથી વાહનો સરળતાથી પસાર થઈ શકે અને ટ્રાફિક સમસ્યા હળવી બને.
આ નવા મેજર બ્રિજના નિર્માણથી વાંકાનેર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી આવતા શ્રદ્ધાળુઓને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ, સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિર માટેલ, રફાળેશ્વર અને ત્રિનેશ્વર જેવા અનેક ધાર્મિક સ્થળોએ પહોંચવામાં સરળતા રહેશે.
ઉલ્લેખનીય છે કે કમલ સુવાસ ન્યુઝ પોર્ટલે લોકોને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો…

