434 કિમી રેલવે સેક્શન પર સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
ડિસેમ્બર – 2026 સુધી સંપૂર્ણ ઇન્ટિગ્રેટેડ કવચ પ્રણાલી લાગુ કરવાનો લક્ષ્યાંક
રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને વિરમગામ-રાજકોટ-ઓખા મુખ્ય રેલવે સેક્શનના 434 કિલોમીટર વિસ્તારમાં સ્ટાન્ડર્ડ કવચ (Train Collision Avoidance System) સિસ્ટમનું સફળ કમિશનિંગ પૂર્ણ કરીને રેલવે સુરક્ષામાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ સાથે સમગ્ર બ્લોક સેક્શન હવે કવચ સુરક્ષા પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવ્યો છે.




સ્ટાન્ડર્ડ કવચ ભારતીય રેલવે દ્વારા વિકસાવાયેલી સ્વદેશી ટ્રેન ટક્કર નિવારણ પ્રણાલી છે, જે સામસામે અને પાછળથી થતી ટ્રેનની ટક્કર અટકાવવા, ટ્રેનના અનિયંત્રિત ખસી જવાને રોકવા, ઉભેલી ટ્રેનની સુરક્ષા તથા આપત્તિ સમયે ઓટોમેટિક RFID એલર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરે છે. ડેપ્યુટી ચીફ સિગ્નલ એન્ડ ટેલિકોમ એન્જિનિયર યોગેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, સમગ્ર સેક્શન પર 2,950 ટેગ સ્થાપિત કરવામાં આવ્યા છે.
હાલ કવચ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે, જ્યારે લોકોમોટિવ, સ્ટેશન અને સિગ્નલિંગ સિસ્ટમ સાથેનું સંપૂર્ણ એકીકરણ ડિસેમ્બર-2026 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ડીઆરએમ ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સિદ્ધિ રાજકોટ ડિવિઝનની સુરક્ષા યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્ન સમાન છે અને રેલવેને વધુ સુરક્ષિત, આધુનિક તથા વિશ્વસનીય બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે….
