દીકરીઓએ પિતાને કાંધ આપી
બેન્ડવાજા સાથે અંતિમયાત્રા નીકળી હતી
ગુરૂવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી મચ્છુ કડીયા લુહાર જ્ઞાતીની વાડી વાંકાનેર ખાતે શ્રધ્ધાસુમન
વાંકાનેરઃ મૂળ તાલુકાના ખીજડીયા ગામના વતની અને વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા પોપટભાઈ જાદવજીભાઈ ગોહેલે શહેરમાં લુહારિ કામ ક્ષેત્રે મોટુ નામ કમાણા. પરિવારમાં ત્રણ પુત્રો ત્રણ પુત્રીઓ દરેક પરણિત અને દીકરા દીકરીઓને ત્યાં પણ સંતાનો આમ લીલી વાડી જેવો પરિવાર વસવાટ કરે છે.
શરીરે દુબળા પણ આકાશ જેવી હિંમત ધરાવતા પોપટબાપાએ છેલ્લે સુધી પોતાની દુકાને જઈ સંતાનોને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા પહોંચી જતા હતા. પહેલેથી જ ધાર્મિક ભાવના ધરાવતા પોપટબાપાનો પરિવાર આસપાસ યોજાતા ધાર્મિક સામાજીક કાર્યક્રમોમાં હંમેશા જોડાયેલા રહે અને સહભાગી બને.
91 વર્ષની જૈફ વયે પોતાના ઘરે જ પરિવારજનોની હાજરીમાં અંતિમશ્વાસ લીધા હતા. તેઓએ પરિવારજનોને કહેતા હતા કે મારી અંતિમયાત્રા વાજતે ગાજતે કાઢજો. અંતિમઘડી આવી પહોંચી તેની બાપાને જાણ થઈ ગઈ હોય તેમ બધા જ પરિવારના સભ્યોને બોલાવવા માટે કહ્યું હતું. સદનસીબે બધા જ સંતાનોની હાજરીમાં અનંતની વાટ પકડી હતી.
બાપાના જવાથી પરિવારજનોને દુઃખ થયું હતું પણ બાપાની ઈચ્છા પૂરી કરવા ભારે હૃદયે બેન્ડવાજા બોલાવા વાજતે ગાજતે અંતિમ યાત્રા નીકળી હતી. યાત્રામાં દીકરીઓએ પિતાને કાંધ આપી હતી અને સોસાયટી સહિત સગાવ્હાલાઓ તેમજ સબંધીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. તા.30ને ગુરૂવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી મચ્છુ કડીયા લુહાર જ્ઞાતીની વાડી વાંકાનેર ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે.

