એક ઘરફોડ ચોરી પણ કરી હતી
અગાઉ ૨૦૨૪-૨૫માં બે વખત પાસામાં પુરાયો હતો
રાતીદેવળીનો વતની: હાલ માધાપર ચોકડી બ્રીજ નીચે જ પડયો પાથર્યો રહે છે
વાંકાનેર: ત્રણ બાઇક ચોરી અને એક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી રીઢા તસ્કર-ઉઠાવગીરને પકડી લીધો છે. હાલ માધાપર ચકોડી બ્રીજ નીચે રહેતો આ શખ્સ મૂળ વાંકાનેર રાતીદેવળીનો વતની છે અને અગાઉ રાજકોટ, મોરબીમાં ૧૬ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તે ઝડપાઇ જતાં માલવીયાનગર, તાલુકા, કુવાડવા રોડના ગુના ઉકેલાયા છે.

રાજકોટમાં ઘરફોડ ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ અને વાહનચોરી જેવા ગુનાઓ પર અંકુશ મેળવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ઉકેલવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. સાગરભાઇ માવદીયા, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાને બાતમી મળી હતી કે માધાપર ચોકડી બ્રીજ નીચે એક રીઢો ગુનેગાર ટકો ચોરાઉ વાહનો, લેપટોપ સાથે ઉભો છે. બાતમી પરથી પોલીસ ત્યાં પહોંચતા આ શખ્સ મળી આવ્યો હતો. પુછતાછમાં પોતાનું નામ રાહુલ ઉર્ફે ટકો અશોકભાઇ વિકાણી (ઉ.વ.૨૪) જણાવ્યું હતું. રાહુલ મુળ વાંકોનરના રાતીદેવળીનો વતની છે અને હાલ માધાપર ચોકડી બ્રીજ નીચે જ પડયો પાથર્યો રહે છે.
તેની પાસેના બાઇક બાબતે પુછતાછ થતાં ગલ્લા તલ્લા કર્યા બાદ તેણે આ વાહન ચોરી કર્યાનું અને બીજા બે વાહન પણ ચોરીને નજીકમાં અવાવરૂ જગ્યાએ છુપાવ્યાનું કબુલ્યું હતું. આ ઉપરાંત એક લેપટોપ પણ તેની પાસેથી મળ્યું હતું. તે પણ ચોરી કર્યાનું કબુલ્યું હતું. પોલીસે 30 હજારનું લેપટોપ, ૧૫, ૪૫ અને ૨૨ હજારના ત્રણ વાહનો મળી કુલ ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વાહનો અને લેપટોપની ચોરી તેણે માલવીયાનગર, કુવાડવા રોડ, તાલુકા પોલીસની હદમાં કરી હતી.
રાહુલ ઉર્ફે ટકાનો ગુનાહિત ઇતિહાસ પોલીસે ચકાસતાં તે વાંકાનેર તાલકુા પોલીસ, રાજકોટ માલવીયાનગર, બી-ડિવીઝન, એ-ડિવીઝન, ભક્તિનગર, પ્ર.નગર, થોરાળા, આજીડેમમાં વાહન ચોરીઓ, ઘરફોડ ચોરીઓના ૧૬ ગુનાઓમાં સંડોવાઇ ચુક્યાનું અને અગાઉ ૨૦૨૪-૨૫માં બે વખત પાસામાં પણ જઇ આવ્યાનું ખુલ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તેમજ પીએસઆઇ એસ.એમ. રાણા અને વી.ડી. રાવલીયા તેમજ એએસઆઇ રણજીતસિંહ પઢારીયા, અશોકભાઇ કલાલ, સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા, સમીરભાઈ શેખ, હેડકોન્સ. તુલશીભાઇ ચુડાસમા, લાલજીભાઇ હાડગરડા, દિપકભાઇ ડાંગર, સાગરભાઇ માવદીયા, સુભાષભાઇ ધોધારી, મુકેશભાઇ સબાડ અને કોન્સ. સંજયભાઇ ખાખરીયા, ધર્મેશભાઇ ખાંડેખા, મનીષભાઈ ચાવડા, અશ્વીનભાઈ પંપાણીયા તથા જીલુભાઇ ગરચર સહિતે આ કામગીરી કરી છે.
