કલર કામના કોન્ટ્રાકટના કામે ગયા હતા
વાંકાનેર: અહીંના વાડી વિસ્તારમાં રહેતો અને કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતો યુવાન મોરબી કામ જોવા માટે ગયો હતો અને ત્યાંથી તે પાછો વાંકાનેર આવતો હતો ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ પર આવેલ મકનસર નજીકથી યુવાનના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો ત્યારે ટ્રકની નીચે ચગદાઈ જવાથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પાસે આવેલ ધરમનગરમાં આરએમસી કવાર્ટર નંબર 15 માં રહેતા કિશોરભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉ.41) એ ટ્રક નંબર જીજે 36 એક્સ 5006 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પ્રેમજીનગર ગામ નજીકથી તેઓના ભાઈ મુકેશભાઈ વાઘજીભાઈ સોલંકી (ઉ.43) પોતાનું બાઈક નંબર જીજે 36 એએસ 8758 લઈને જઈ રહ્યા હતા.
ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને બંને પગમાં ઇજાઓ થઈ હતી તથા પેટના ભાગે ટ્રકના ટાયર ફરી જવાથી ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને મુકેશભાઇનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વધુમાં મળતી માહિતી મુજબ તેમના ભાઈ કલર કામનો કોન્ટ્રાક્ટ રાખતા હતા જેથી તે મોરબી કામ જોવા માટે ગયા હતા અને ત્યાંથી પાછા આવતા હતા ત્યારે રસ્તામાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેઓનું મૃત્યુ નીપજયું છે અને આ બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 
