કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

તાર ફેન્સિંગ માટે સહાયની રકમમાં થયો વધારો

તાર ફેન્સિંગ માટે સહાયની રકમમાં થયો વધારો

‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં પણ વધારો

તાર ફેન્સિંગ પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% મુજબ સહાય
ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે: મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂતોના પાકને પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનને અટકાવવા માટે ‘કાંટાળી તારની વાડની યોજના’ એટલે કે, તાર ફેન્સિંગ યોજનાના નિયમોમાં ખેડૂતહિતલક્ષી સુધારા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અગાઉ તાર ફેન્સિંગ માટે ખેડૂતોને પ્રતિ રનિંગ મીટર રૂ. ૨૦૦ અથવા ખર્ચના ૫૦%, બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલમાં માલ-મટીરીયલ્સના બજાર ભાવ અને મજૂરી ખર્ચ વધવાના કારણે સરેરાશ ખર્ચ વધુ થતો હોવાથી, ખેડૂતોનો આર્થિક બોજ ઘટાડવા માટે સરકારે હવે પ્રતિ રનિંગ મીટર રૂ. ૩૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% મુજબ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અગાઉ આ યોજનાનો લાભ લેવા માટે તમામ કેટેગરીના ખેડૂતો માટે ઓછામાં ઓછી બે હેક્ટર જમીનનું ક્લસ્ટર હોવું ફરજિયાત હતું, પણ ઘણીવાર જૂથના કોઈ ખેડૂત અસહમત થાય ત્યારે ૨ હેક્ટરનું ક્લસ્ટર ન જળવાતા નાના ખેડૂતો સહાયથી વંચિત રહી જતા. આવા ખેડૂતોના હિતને ધ્યાને રાખીને આ મર્યાદા ઘટાડીને હવે માત્ર એક હેક્ટર કરવામાં આવી છે. આઈ-ખેડૂત પોર્ટલ પર અત્યાર સુધીમાં આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અંદાજે એક લાખ ખેડૂતોની અરજીઓ પ્રાપ્ત થઈ છે. ખેડૂતો જ્યારે ખેતીકામમાં વ્યસ્ત થાય તે પહેલા એટલે કે, ચોમાસા પૂર્વે જ આ તમામ અરજીઓને તબક્કાવાર નિયમાનુસાર મંજૂરી આપી દેવામાં આવશે. આ હેતુ માટે રાજ્ય સરકારે રૂ. ૨૪૦ કરોડની ફાળવણી કરી છે. અગાઉ આ યોજના હેઠળ સહાય મેળવવા માટેની અરજી કરવા પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલ્લું મૂકવામાં આવતું હતું. પરંતુ, ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે તે માટે જરૂર પડે બીજી વાર પણ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો રૂ. ૨૪૦ કરોડ ઉપરાંત પણ વધારાના ભંડોળની વ્યવસ્થા કરીને ખેડૂતોની અરજીઓ સ્વીકારવામાં આવશે અને રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ પૂરું પાડવામાં આવશે.

‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં પણ વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના ખેડૂત-હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો પાક ખેતરમાં જ સુરક્ષિત રીતે જળવાઈ રહે તે હેતુથી અમલમાં મુકાયેલી ‘મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના’ના વ્યાપ અને સહાયમાં રાજ્ય સરકારે ધરખમ વધારો કર્યો છે.
મંત્રીએ આ યોજનાની વિગતો આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને 300 ચોરસ ફૂટ સુધીના પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા રૂ. 1 લાખની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાને રાખીને હવે આ મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ, હવેથી ખેડૂતો 600 ચોરસ ફૂટ સુધીનું પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવી શકશે અને તેના માટે મળવાપાત્ર સહાયની રકમ પણ વધારીને રૂ. 2 લાખ કરવામાં આવી છે.
જો કોઈ ખેડૂત 300 થી 600 ચોરસ ફૂટ વચ્ચેના માપનું બાંધકામ કરે, તો તે ખેડૂતને પ્રતિ ચોરસ ફૂટના નિયત દરે પ્રમાણસર સહાય એટલે કે, પ્રો-રેટા મુજબ સહાય ચૂકવવામાં આવશે, તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું. આ સુધારા સાથે યોજનાના વ્યાપક અમલીકરણ માટે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 અંતર્ગત રૂ. 154.36 કરોડની માતબર રકમની વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!