ગૌ સેવક ઘાયલ
ગાયોના નિરણનું ભાડુ લેવાના ઇન્કાર બાદ ઉઘરાણી
રાજકોટ તાલુકાના કુવાડવા નજીક ગૌ સેવા ટ્રસ્ટ ચલાવતાં આધેડ ગાયોનું નીરણ લઇને કુવાડવાથી પોતાની જગ્યાએ જઇ રહ્યા હતાં ત્યારે ચોકડીએ વાંકાનેર ઘીયાવડના એક શખ્સ અને તેના બે મિત્રોએ અગાઉના નિરણના ભાડાના પૈસા મામલે ડખ્ખો કરી માર મારી લોહીલુહાણ કરી દેતાં સારવાર લેવી પડી છે.
આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે જીયાણામાં વડવાળા વાસંગીદાદા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની જગ્યામાં રહેતાં અને ગૌ સેવક તરીકે કામ કરતાં મનજીભાઇ લાખાભાઇ પરમાર (ઉ.વ.૪૫) ની ફરિયાદ પરથી વાંકાનેરના ઘીયાવડ ગામના અજય મોનાભાઇ મુંધવા, અજય નવઘણભાઇ ફાંગલીયા અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.
મનજીભાઇએ જણાવ્યું કે હું વડવાળા વાસંગીદાદા ગૌ સેવા ટ્રસ્ટ નામથી ગૌ સેવાનું કાર્ય કરુ છું. મારા બીજા ભાઇઓ જીયાણા ગામે રહે છે. શુક્રવારે હું ટ્રસ્ટની જગ્યાએથી મારા ભાઇ મુળજીભાઇ પરમારની છકડો રિક્ષા જીજે૦૩એયુ-પર૭૨ હંકારીને કુવાડવા ગામે ગાય માટે નીરણ લઇ કુવાડવા ગામની ચોકડીએ પહોંચતા સામે ઘીયાવડનો અજય મુંધવા મળ્યો હતો. તે પણ નીરણ લેવા આવતો હોઇ જેથી તેને હું ઓળખતો હતો.
અજયે પોતાની રિક્ષા મારી છકડો આડે નાખી મને ઉભો રખાવ્યો હતો અને ઝઘડો કરી ગાળો દઇ ઝપાઝપી કરી ઢીકાપાટુ માર્યા હતાં. તેની સાથેના મિત્રો અજય ફાંગલીયા અને અજાણ્યાએ પણ મને માર માર્યો હતો. અજય મુંધવાએ મને હાથમાં પહેરેલા કડાથી માથા પાછળ ઘા મારી દેતાં લોહી નીકળી ગયા હતાં. મેં દેકારો મચાવતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. કુવાડવા સરકારી દવાખાને મેં સારવાર લીધી હતી. બાદમાં મારા પત્નિ, ભત્રીજાને જાણ કરતાં તે મને પોલીસ સ્ટેશને લઇ જતાં ફરિયાદ કરી હતી. તેમ વધુમાં મનજીભાઇએ કહ્યું હતું.
મનજીભાઇએ હુમલાના કારણ અંગે જણાવ્યું હતું કે અગાઉ મેં ગાયોનું નીરણ ભરવા અઢી મહિના પહેલા અજય મુંધવાની રિક્ષા ભાડે કરી હતી. જે તે વખતે તેણે ભાડુ રૂપિયા ૮૦૦ થાય તેમ કહ્યું હતું. હું તેને પૈસા આપતો હતો ત્યારે તેણે ગાયોનું નિરણ હોવાથી મારે ભાડુ લેવુ નથી તેમ કહી પૈસા લીધા નહોતાં. હવે તેણે અચાનક મને આંતરીને ભાડાના પૈસા માંગતા મેં તેને અગાઉ તે ના પાડી હતી હવે કેમ પૈસા માંગે છે? તેમ કહેતાં ખાર રાખી ઉશ્કેરાઇ જઇ તેના મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં એએસઆઇ જે. આઇ. વાઘેલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…
