નાના બાળકોને સાચવજો
રાજકોટ જિલ્લામાં 3 માસની બાળકીનો કેસ પોઝિટિવ
માટીની માખી ખૂબ જ ઝીણી (સામાન્ય માખીથી ઘણી નાની) અને ભૂરા રંગની હોય છે- ગંદકી, કાચી-પાકી દિવાલોની તિરાડો અને ભેજવાળી જગ્યાએ રહે છે
રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર વધુ સતર્ક બન્યું છે. ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામની માત્ર ત્રણ માસની બાળકીમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતાં જિલ્લા આરોગ્ય વિભાગે તાત્કાલિક સર્વેલન્સ, ડસ્ટિંગ અને અન્ય નિવારક કામગીરી હાથ ધરી છે. બીજી તરફ મેટોડા અને ખીરસરા ગામના બે બાળકોમાં પણ સમાન લક્ષણો દેખાતા તેમના સેમ્પલ ગાંધીનગરની લેબમાં તપાસ માટે મોકલાયા છે.



બાળકીના પોઝિટિવ કેસ બાદ જિલ્લા આરોગ્ય તંત્રે તેના નિવાસસ્થાન અને આસપાસના વિસ્તારમાં આરોગ્ય સર્વેલન્સ શરૂ કરી ઘર-ઘર મુલાકાત, ડસ્ટિંગ સહિતની પ્રિવેન્ટિવ કામગીરી હાથ ધરી છે. સાથે જ પરિવારના સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના આરોગ્ય પર પણ નજર રાખવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે ચિંતા વધી છે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી પરંતુ બાળકોમાં તાવ, ખેંચ, ઊલટી કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા અપીલ કરી છે.
આ ઉપરાંત આ વિસ્તારમાંથી 7 સેન્ડ ફ્લાય માખીઓ પકડવામાં આવી છે. તેને સ્ટડી પરિક્ષણ માટે ગાંધીનગર લેબમાં મોકલાઈ છે. સેન્ડ ફ્લાય (માટીની માખી) એ ખૂબ જ ઝીણી (સામાન્ય માખીથી ઘણી નાની) અને ભૂરા રંગની માખી છે. આ માખીના કરડવાથી ખાસ કરીને બાળકોમાં ચાંદીપુરા વાયરસ જેવા જીવલેણ રોગો ફેલાય છે. તે મોટેભાગે ગંદકી, કાચી-પાકી દિવાલોની તિરાડો અને ભેજવાળી જગ્યાએ રહે છે…
